બિહારમાં એકલા જ ૨૪૩ સીટ પર ચૂંટણી લડવા ધમકી આપી
સહયોગી રાષ્ટ્રીય લોક જનશક્તિ પાર્ટીએ ભાજપનું વધાર્યું ટેન્શન
(સંપૂર્ણ સમાચાર સેવા)
બિહારની રાજનીતિમાં એક નવો વળાંક આવ્યો છે, રાષ્ટ્રીય લોક જનશક્તિ પાર્ટીના વડા પસુપતિ પારસે આગામી ૨૦૨૫ની બિહાર વિધાનસભા ચૂંટણીમાં એકલા બધી ૨૪૩ બેઠકો પર ચૂંટણી લડવાની વાત કહી છે. આ નિવેદન ત્યારે આવ્યું છે, જ્યારે બિહારમાં રાજકીય ગણિત સતત બદલાઈ રહ્યું છે અને પારસની પાર્ટીની સ્થિતિ પણ સ્પષ્ટ નથી.
પટનામાં એક પત્રકાર પરિષદ દરમિયાન પસુપતિ પારસે કહ્યું, “અમારી પાર્ટી બધી ૨૪૩ બેઠકો પર ચૂંટણી લડશે. અમારા કાર્યકર્તા બધા બૂથ પર ચૂંટણી તૈયારીમાં લાગ્યા છે.” તેમણે આગળ કહ્યું કે જો ગઠબંધન સાથે સમજૂતી થાય અને તેમને ગમતી બેઠકો મળે, તો તે સહયોગી પક્ષો સાથે ચૂંટણી લડવા માટે તૈયાર છે, પરંતુ જો તેમની પાર્ટીને યોગ્ય બેઠકો નહીં આપવામાં આવે, તો તે એકલા ચૂંટણી મેદાનમાં ઊતરશે. પસુપતિ પારસ, રામવિલાસ પાસવાનના નાનાભાઈ છે. તેમના મૃત્યુ બાદથી લોક જનશક્તિ પાર્ટીએ વિવાદ અને વિભાજનનો સામનો કર્યો છે.
રામવિલાસના પુત્ર ચિરાગ પાસવાન અને પસુપતિ પારસ ભલે પાર્ટી તોડીને અલગ-અલગ થઈ ગયા હોય, પરંતુ બંને નેતા દ્ગડ્ઢછ ગઠબંધનના બૅનર નીચે છે. પસુપતિ પારસે ૨૦૨૧ માં LJP ના અધ્યક્ષ પદ પર કબજો કર્યો અને કેન્દ્ર સરકારમાં મંત્રી બન્યા હતા. બિહારની રાજનીતિમાં ગઠબંધનોનું મહત્વપૂર્ણ સ્થાન છે. રાજ્યમાં અત્યાર સુધીની ચૂંટણીઓમાં ભારતીય જનતા પાર્ટી અને JDU નો ગઠબંધન રહ્યો છે, પરંતુ પસુપતિ પારસના આ નિવેદનથી NDA ના આંતરિક ભાગમાં નવો તણાવ વધ્યો છે. BJP ની સહયોગી પાર્ટી હોવા છતાં પારસનું આ વલણ સંકેત આપે છે કે તે બિહારમાં ભાજપ ગઠબંધનથી ખુશ નથી અને કોઈ પણ સમજૂતી વગર ચૂંટણી લડવા માટે તૈયાર છે. હવે જોવાનું એ છે કે પસુપતિ પારસના આ નિવેદનનો બિહારમાં રાજકીય સમીકરણ પર શું પ્રભાવ પડશે અને બિહારમાં પોતાના સહયોગીઓ સાથે કેવી રીતે તાલ મેળવશે.