Last Updated on by Sampurna Samachar
વાહન ક્યાં કેટલા કિમી ચાલ્યું તેની તપાસ કરી કપાશે ટેક્સ
ઉત્તરપ્રદેશમાંથી કેન્દ્ર સરકારને ટોલની સૌથી વધુ આવક
(સંપૂર્ણ સમાચાર સેવા)
દેશમાં ટૂંક સમયમાં નવી ટોલ પોલિસી અમલમાં આવી શકે છે. નવી ટોલ પોલિસી અંતર્ગત એક્સપ્રેસ વે અને નેશનલ હાઈવે પર જેટલું વાહન ચાલશે તેટલો જ ટોલ કપાશે. હવે કિલોમીટર દીઠ ટોલ ટેક્સ વસૂલવા નવી ટોલ પોલિસી આવશે. હવે દરેક ટોલબૂથ પર લાગેલા ફાસ્ટટેગ અને કેમેરામાં નંબર પ્લેટને ચેક કરવામાં આવશે. વાહન ક્યાં કેટલા કિમી ચાલ્યું છે. તેની તપાસ કરવામાં આવશે અને ફાસ્ટટેગના માધ્યમથી તે મુજબ જ ટોલ વસૂલવામાં આવશે.
ટોલનો ચાર્જ સીધા વાહન માલિકના બેન્ક એકાઉન્ટમાંથી કપાશે. નવી ટોલ નીતિ વાહનચાલકોને પરવડે તેવી અને સુવિધાજનક હશે. જેના કારણે રોજની માથાકૂટ અને લાંબી લાઈનોમાંથી વાહનચાલકોને છૂટકારો મળશે. કેન્દ્ર સરકારને ટોલની સૌથી વધુ આવક ઉત્તરપ્રદેશમાંથી થઈ રહી છે. વર્ષ ૨૦૨૪-૨૫ના એપ્રિલથી ફેબ્રુઆરી સુધીમાં નેશનલ હાઈવે પર ટોલથી સૌથી વધુ રકમ વસૂલ કરવામાં આવી હતી. આ જાણકારી સંસદમાં ખુદ કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી ગડકરીએ આપી હતી.
લાંબી લાઇનો અને જામથી છૂટકારો મળશે
નવી નીતિ હેઠળ સૌથી મહત્વપૂર્ણ ફેરફાર એ છે કે હવે ડ્રાઇવરોએ ફક્ત તેમણે કાપેલા અંતર માટે જ ટોલ ફી ચૂકવવી પડશે. એટલે કે જો કોઈ વાહન ફક્ત ૧૦ કિમી માટે એક્સપ્રેસ વે અથવા રાષ્ટ્રીય ધોરીમાર્ગનો ઉપયોગ કરે છે, તો તેણે તે મુજબ ટોલ ચૂકવવો પડશે. આનાથી તે મુસાફરોને રાહત મળશે જેમને ટૂંકા અંતરની મુસાફરી માટે પણ સમગ્ર ટોલ સ્લેબ ચૂકવવાની ફરજ પડી હતી.
નવી સિસ્ટમમાં દરેક ટોલ બૂથ પર અત્યાધુનિક કેમેરા લગાવવામાં આવશે, જે વાહનોની નંબર પ્લેટ સ્કેન કરશે. ઉપરાંત ફાસ્ટેગ દ્વારા ડ્રાઇવરોના બેન્ક ખાતામાંથી ટોલની રકમ આપમેળે કાપવામાં આવશે. આ ટેકનોલોજી ઓટોમેટિક નંબર પ્લેટ રેકગ્નિશન (ANPR) અને ફાસ્ટેગને જોડીને કામ કરશે. આનાથી ટોલ પ્લાઝા પર લાંબી લાઇનો અને જામથી છૂટકારો મળશે, પરંતુ ટોલ ચોરી અને છેતરપિંડી પણ અટકશે.
નવી ટોલ નીતિ હાલની સિસ્ટમ કરતાં વધુ પારદર્શક અને ગ્રાહકોના અનુકુળ હશે. ટોલની રકમ વાહન માલિકના ખાતામાંથી સીધી કાપવામાં આવશે, જેના કારણે રોકડ વ્યવહારો અને વિવાદોને કોઈ અવકાશ રહેશે નહીં. આ ઉપરાંત, મુસાફરોને વારંવાર રોકાવાની જરૂર રહેશે નહીં.
સરકારની આ નવી પહેલ માત્ર મુસાફરીને સરળ બનાવશે નહીં પરંતુ ટ્રાફિક જામ, ઇંધણનો બગાડ અને સમયના બગાડથી પણ બચાવશે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે નવી ટોલ નીતિ લાગુ થયા પછી દેશભરના હાઇવે પર મુસાફરી પહેલા કરતાં સસ્તી, ઝડપી અને વધુ અનુકૂળ બનશે.
નોંધનીય છે કે નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ ના એપ્રિલ-ફેબ્રુઆરી સમયગાળામાં નેશનલ હાઇવે પર ટોલ દ્વારા વધુ કમાણ કરનારા રાજ્યોની યાદીમાં ઉત્તર પ્રદેશ ટોચ પર છે. આ માહિતી સંસદમાં આપવામાં આવી હતી.
અગાઉ કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ રાજ્યસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમાં જણાવ્યું હતું કે સરકારે ફેબ્રુઆરી ૨૦૨૫ સુધી ઉત્તર પ્રદેશમાંથી પસાર થતા રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર સૌથી વધુ ૭,૦૬૦ કરોડ રૂપિયાનો ટોલ વસૂલ કર્યો છે, ત્યારબાદ રાજસ્થાન ૫,૯૬૭.૧૩ કરોડ અને મહારાષ્ટ્ર ૫,૧૧૫.૩૮ કરોડ રૂપિયાનો ટોલ વસૂલ્યો છે.
ગડકરીએ તે સમયે કહ્યું હતું કે સરકાર (ટોલ) પાસ સિસ્ટમની વિગતો પર કામ કરી રહી છે. પાસ સિસ્ટમની વિગતોને અંતિમ સ્વરૂપ આપ્યા પછી તેમના અમલીકરણની નાણાકીય અસર જાણી શકાશે. એક અલગ પ્રશ્નના જવાબમાં ગડકરીએ કહ્યું હતું કે માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયમાં સરકાર મુખ્યત્વે રાષ્ટ્રીય ધોરીમાર્ગો (NH) ના વિકાસ અને જાળવણી માટે જવાબદાર છે.