Last Updated on by Sampurna Samachar
પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાને સેના પ્રમુખ અસીમ મુનીરની ઉડાવી મજાક
પાકિસ્તાનની સરકાર હંમેશાં સેનાના દબાણ હેઠળ રહી
(સંપૂર્ણ સમાચાર સેવા)
પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાન લાંબા સમયથી જેલમાં બંધ છે. જે વચ્ચે હવે ઇમરાન ખાનનુ પાકિસ્તાનના સેના પ્રમુખ જનરલ અસીમ મુનીરને લઇ હાસ્ય દર્શાવતુ નિવેદન સામે આવ્યું છે. સેના પ્રમુખ જનરલ અસીમ મુનીરની મજાક ઉડાવતા તેમના પર નિશાન સાધ્યું છે. ઇમરાન ખાને કહ્યું કે અસીમ મુનીરે પોતાને ફિલ્ડ માર્શલ નહીં, પરંતુ ‘રાજા’નું બિરુદ આપવું જોઈએ.
નોંધનીય છે કે પાકિસ્તાનના સેના પ્રમુખ જનરલ અસીમ મુનીરને ફિલ્ડ માર્શલના પદ પર પ્રમોશન આપવામાં આવ્યું છે. તેમને આ પ્રમોશન તાજેતરમાં ભારત સાથે થયેલા સૈન્ય સંઘર્ષમાં ભૂમિકા ભજવવા બદલ મળ્યું છે. જોકે, પાકિસ્તાનની સરકાર હંમેશાં સેનાના દબાણ હેઠળ રહી છે. આ કારણે અસીમ મુનીર પર નિશાન સાધવામાં આવી રહ્યું છે અને દાવો કરવામાં આવી રહ્યો છે કે મુનીરે પોતે જ પોતાને પ્રમોશન આપ્યું છે.
પાકિસ્તાનમાં હાલ જંગલનો કાયદો લાગુ
પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાને (IMRAN KHAN) સોશિયલ મીડિયા દ્વારા મોકલેલા મેસેજમાં કહ્યું- “જનરલ અસીમ મુનીરને ફિલ્ડ માર્શલ બનાવવામાં આવ્યા છે. જોકે, અસીમ મુનીરને રાજાનું બિરુદ આપવું વધુ સારું હોત. કારણ કે પાકિસ્તાનમાં હાલ જંગલનો કાયદો લાગુ છે. અને જંગલમાં ફક્ત એક જ રાજા હોય છે.”
નોંધનીય છે કે અસીમ મુનીર પાકિસ્તાનના બીજા સેના પ્રમુખ છે જેમને ફિલ્ડ માર્શલનું બિરુદ આપવામાં આવ્યું છે. આ પહેલાં આ બિરુદ આયુબ ખાનને મળ્યું હતું. ઇમરાન ખાને કહ્યું કે પાકિસ્તાનને એવી જગ્યા બનાવી દેવામાં આવી છે જ્યાં કાયદો ફક્ત નબળાઓ પર લાગુ થાય છે, શક્તિશાળી લોકો પર નહીં.
પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાન ઓગસ્ટ ૨૦૨૩થી જેલમાં બંધ છે. ઇમરાન ખાને કહ્યું કે તેમની સાથે કોઈ સમજૂતી થઈ નથી. આ બધી વાતો ખોટી છે. જોકે, ઇમરાન ખાને ખુલ્લેઆમ સેનાને આમંત્રણ આપ્યું છે અને કહ્યું છે કે જો સેના ખરેખર પાકિસ્તાનના હિતો અને ભવિષ્યની ચિંતા કરે છે, તો તે તેમની સાથે વાતચીત કરી શકે છે.
ઇમરાન ખાને પાકિસ્તાનના વડાપ્રધાન શહબાઝ શરીફને ભારત તરફથી બીજા હુમલા અંગે પણ ચેતવણી આપી છે. ઇમરાને કહ્યું કે શહબાઝે આવી કોઈ પણ પરિસ્થિતિ માટે તૈયાર રહેવું જોઈએ. ઇમરાન ખાને કહ્યું કે પાકિસ્તાન આ સમયે બાહ્ય ખતરાઓ, આતંકવાદમાં વધારો અને આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે.