Last Updated on by Sampurna Samachar
પતિની લફરાબાજી અને સાસરીયાના ત્રાસથી કંટાળી યુવતીનો આપઘાત
રાજકોટ પોલીસ મથકે ફરિયાદ દાખલ
(સંપૂર્ણ સમાચાર સેવા)
રાજકોટમાંથી પરિણીતાએ પતિના ગેરસબંધને અને ત્રાસથી કંટાળી આપઘાત કર્યાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. વાત કરીએ તો શહેરમાં ૨૪ વર્ષની આશાસ્પદ પરિણીતા નિકિતા પ્રજાપતિએ સાસરીયાના અસહ્ય માનસિક ત્રાસ અને પતિના અન્ય સ્ત્રી સાથેના ગેરકાયદેસર સંબંધોથી કંટાળીને આત્મહત્યા કરી લીધી હતી. આ મામલે હવે મૃતક યુવતીના પિયર પક્ષ દ્વારા રાજકોટ પોલીસ મથકે સત્તાવાર રીતે ફરિયાદ દાખલ કરવામાં આવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

મળતી માહિતી મુજબ, મૃતક નિકિતાના લગ્ન અજય પ્રજાપતિ સાથે થયા હતા. લગ્નજીવન દરમિયાન નિકિતાને જાણ થઈ હતી કે તેના પતિ અજયને અન્ય કોઈ મહિલા સાથે પ્રેમ સંબંધ છે. પતિના આ અફેર અંગે જ્યારે નિકિતાએ વિરોધ કર્યો ત્યારે પતિ અને સાસરીયાઓ દ્વારા તેને શારીરિક અને માનસિક ત્રાસ આપવાનું શરૂ કરાયું હતું. આ ત્રાસ અને લફરાબાજીથી કંટાળીને નિકિતા અગાઉ પોતાના પિયર રિસામણે પણ જતી રહી હતી. જ્યાં થોડા સમય બાદમાં સમજાવટથી તે પાછી સાસરે આવી હતી, પરંતુ સાસરીયાઓનો ત્રાસ ચાલુ જ રહ્યો હતો.
પોલીસે આરોપીઓને રાઉન્ડઅપ કરવા ચક્રો ગતિમાન કર્યા
ઉલ્લેખનીય છે કે મૃતક પરિણીતાએ પતિના અફેર અને વ્યસન અંગે સાસુને ફરિયાદ કરી હતી, ત્યારે તેની સાસુ મોહિનીબેને પુત્રને સુધારવાને બદલે નિકિતાને એવું કહીને ધમકાવી હતી કે, “આજના આધુનિક જમાનામાં અફેર રાખવા અને સ્મોકિંગ કરવું એ બધું નોર્મલ છે, તેમાં આટલો હોબાળો ન કરવાનો હોય.” સાસુના આવા વાણી-વર્તન અને પતિની પ્રવૃત્તિઓથી આખી ભાંગી પડેલી નિકિતાએ આખરે કટોકટીનું પગલું ભરી આપઘાત કરી લીધો હતો.
ત્યારે મૃતકના ભાઈ કેતન પ્રજાપતિએ આ અંગે રાજકોટ પોલીસ સ્ટેશનમાં બહેનને મરવા મજબૂર કરવા બદલ સત્તાવાર ફરિયાદ નોંધાવી છે. પોલીસે નિકિતાના પતિ અજય પ્રજાપતિ, સસરા ભેરુભાઈ મગનભાઈ પ્રજાપતિ અને સાસુ મોહિનીબેન પ્રજાપતિ વિરૂદ્ધ દહેજ ઉત્પીડન, ઘરેલુ હિંસા અને આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુનો નોંધી આરોપીઓને રાઉન્ડઅપ કરવા ચક્રો ગતિમાન કર્યા છે.