Last Updated on by Sampurna Samachar
ટ્રેડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ડેવલપમેન્ટની દિશામાં થઇ ચર્ચા
પાકિસ્તાનના વિદેશ મંત્રીએ તસવીર શેર કરી જણાવ્યું
(સંપૂર્ણ સમાચાર સેવા)
ચીન, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના ટોચના નેતાઓએ ત્રિપક્ષીય સહયોગને વધુ ગાઢ બનાવવા અને ચીન-પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોર (CPEC) ને અફઘાનિસ્તાન સુધી એક્સપેન્ડ કરવા પર સહમતિ દર્શાવી છે. તેનું એલાન પાકિસ્તાનના નાયબ વડાપ્રધાન અને વિદેશ મંત્રી ઇશાક ડાર, ચીનના વિદેશ મંત્રી વાંગ યી અને અફઘાનિસ્તાનના કાર્યવાહક વિદેશ મંત્રી અમીર ખાન મુત્તાકી વચ્ચે થયેલી એક અનૌપચારિક ત્રિપક્ષીય બેઠક બાદ કરાયું છે.
પાકિસ્તાનના વિદેશ મંત્રી ઇશાક ડાર બીજિંગના ત્રણ દિવસના પ્રવાસ પર છે. આ ભારત દ્વારા પાકિસ્તાન અને તેના કબજા વાળા કાશ્મીર (POK) માં આતંકવાદી ઠેકાણાઓને નિશાન બનાવનારા ઓપરેશન સિંદૂર બાદ ઇશાક ડારનો પહેલો ઉચ્ચસ્તરીય પ્રવાસ છે. બેઠકમાં ત્રણેય વિદેશ મંત્રીઓએ ક્ષેત્રીય સુરક્ષા અને આર્થિક કનેક્ટિવિટીને પ્રોત્સાહન આપવા માટે ત્રિપક્ષીય સહયોગને મહત્ત્વપૂર્ણ ગણાવ્યો.
શાંતિ, સ્થિરતા અને વિકાસ માટે ત્રણેય દેશ એક સાથે
પાકિસ્તાનના વિદેશ મંત્રી ઇશાક ડારે ચીન અને અફઘાનિસ્તાનના વિદેશ મંત્રીઓ સાથે મીટિંગની પોતાની પહેલી તસવીર શેર કરતા સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું કે, પાકિસ્તાન, ચીન અને અફઘાનિસ્તાન ક્ષેત્રીય શાંતિ, સ્થિરતા અને વિકાસ માટે એક સાથે ઉભા છે.
તેમના કાર્યાલય દ્વારા જાહેર કરાયેલા એક નિવેદનમાં કહેવાયું છે કે, તેમણે (ત્રણેય નેતાઓએ) ડિપ્લોમેટિક એન્ગેજમેન્ટ, ત્રણેય દેશો વચ્ચે કોમ્યુનિકેશન વધારવા અને ટ્રેડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ડેવલપમેન્ટની દિશામાં પગલું ભરવા પર ચર્ચા કરી હતી. નિવેદનમાં કહેવાયું છે કે, તેઓ બેલ્ટ એન્ડ ઇનિશિએટિવ (BRI) સહયોગને ગાઢ કરવા અને ચીન-પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોર (CPEC) ને અફઘાનિસ્તાન સુધી વિસ્તારિત કરવા પર સહમત થયા.
પાકિસ્તાની વિદેશ મંત્રાલયના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, આ વાત પર સહમતિ સધાઈ કે છઠી ત્રિપક્ષીય વિદેશ મંત્રીઓની બેઠક કાબુલમાં ટુંક સમયમાં જ કરવામાં આવશે, પરંતુ તેની તારીખ હજુ સુધી નક્કી કરાઈ નથી. CPEC પરિયોજના લગભગ ૬૦ બિલિયન ડોલરની છે અને ભારતે તેનો આકરો વિરોધ કર્યો છે, કારણ કે આ કોરિડોર પાકિસ્તાનના કબજા વાળા કાશ્મીર (POK) ના રસ્તેથી પસાર થાય છે. ભારત તેને પોતાની સંપ્રભુતાનું ઉલ્લંઘન માને છે. તેમ છતા ચીન અને પાકિસ્તાન અફઘાનિસ્તાનને આ કોરિડોરથી જોડવાના પ્રયાસમાં છે.