Last Updated on by Sampurna Samachar
હુમલાખોરોએ પાકિસ્તાની સેનાની બસને નિશાન બનાવી
બલુચિસ્તાનના કુઝદારમાં એક સ્કૂલ બસ પર હુમલો
(સંપૂર્ણ સમાચાર સેવા)
પાકિસ્તાનમાં બલુચિસ્તાનમાં એક મોટો હુમલો થયાના સમાચાર સામે આવ્યા હતા. બલુચિસ્તાન (Balochistan) ના ખુઝદાર ઝીરો પોઈન્ટ પાસે એક મોટો વિસ્ફોટ થયો હતો. બલૂચ બળવાખોરોએ દાવો કર્યો છે કે, તેમણે પાકિસ્તાની સેનાની બસને નિશાન બનાવી હતી. આ બસ એક લશ્કરી કાફલાનો ભાગ હતી, જે કેન્ટ વિસ્તારમાંથી પસાર થઈ રહી હતી.
સ્થાનિક લોકો અને સૂત્રોનું કહેવું છે કે, આ વિસ્ફોટમાં ઘણા સૈનિકો માર્યા ગયા અને ઘાયલ થયા હોવાના અહેવાલ છે. જોકે, હજુ સુધી સત્તાવાર રીતે મૃતકોની સંખ્યાની પુષ્ટિ થઈ નથી. વિસ્તારમાં તણાવ વધી ગયો છે અને સુરક્ષા દળોએ વિસ્તારને ઘેરી લીધો છે. બલૂચ બળવાખોરોએ આ હુમલાની જવાબદારી સ્વીકારી છે.
અસીમ મુનીરના પ્રમોશન બાદ થયો હુમલો
જોકે, બીજી તરફ બલુચિસ્તાનના કુઝદારમાં એક સ્કૂલ બસ પર હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં ૫ લોકોના મોત થયાના અહેવાલ છે. મળતી માહિતી મુજબ, મૃતકોમાં ૪ બાળકોનો સમાવેશ થાય છે. એપી અધિકારીઓએ જણાવ્યું હતું કે, અશાંત દક્ષિણ પશ્ચિમ પાકિસ્તાનમાં એક સ્કૂલ બસને નિશાન બનાવીને કરાયેલા આત્મઘાતી કાર બોમ્બ હુમલામાં ચાર બાળકો માર્યા ગયા અને ૩૮ ઘાયલ થયા, હાલમાં આ હુમલો કોણે કર્યો તે અંગે કોઈ માહિતી બહાર આવી નથી.
પાકિસ્તાને હાર છતાં અસીમ મુનીરને પ્રમોશન આપ્યા બાદ, બળવાખોરોએ આ હુમલો કર્યો છે. પાકિસ્તાન દ્વારા અસીમ મુનીરને ફિલ્ડ માર્શલ બનાવવામાં આવ્યા છે. મુનીર પાકિસ્તાનના બીજા ફિલ્ડ માર્શલ છે. જોકે, નિષ્ણાતો તેને બળવાના સંકેત તરીકે જોઈ રહ્યા છે. તે લોકશાહી વ્યવસ્થા પર લશ્કરી શાસન મજબૂત કરવાનો પ્રયાસ કરી રહ્યો છે, જેનો ફાયદો આખરે ચીનને થશે.
નિષ્ણાતો માને છે કે, મુનીરની ધાર્મિક રાષ્ટ્રવાદમાં શ્રદ્ધા અને આતંકવાદીઓ સાથેના તેના સંબંધો પાકિસ્તાન પર તેની પકડ મજબૂત બનાવશે. આ પહેલા સોમવારે પણ બલુચિસ્તાનમાં બોમ્બ વિસ્ફોટ થયો હતો. બલુચિસ્તાન પ્રાંતના એક બજાર પાસે થયેલા બોમ્બ વિસ્ફોટમાં ચાર લોકોના મોત થયા છે અને ૨૦ લોકો ઘાયલ થયા છે. રવિવારે બલુચિસ્તાનના કિલ્લા અબ્દુલ્લા જિલ્લામાં જબ્બર બજાર નજીક આ વિસ્ફોટ થયો હતો, જેના કારણે ઇમારતને ભારે નુકસાન થયું હતું અને લોકોમાં ગભરાટ ફેલાયો હતો.
મળતા અહેવાલ મુજબ, વિસ્ફોટ બાદ ઘણી દુકાનોને નુકસાન થયું હતું અને વિવિધ સંસ્થાઓમાં આગ લાગી હતી. કિલા અબ્દુલ્લાના ડેપ્યુટી કમિશનર રિયાઝ ખાને જણાવ્યું હતું કે, વિસ્ફોટમાં ચાર લોકો માર્યા ગયા છે અને ૨૦ અન્ય ઘાયલ થયા છે.