Last Updated on by Sampurna Samachar
અચાનક માટી અને કાટમાળ ધસી પડતા હાહાકાર
બે લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું
(સંપૂર્ણ સમાચાર સેવા)
દેશના અનેક વિસ્તારોમાં પડી રહેલા ભારે વરસાદ વચ્ચે કેરળના વાયનાડ જિલ્લામાં મોટી દુર્ઘટના સર્જાઈ છે. કલ્લાડી ટનલ બાંધકામ સ્થળે ભૂસ્ખલન થતાં કાટમાળ નીચે કેટલાક લોકો દટાયા હતા. આ ઘટનામાં બે લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે, જ્યારે છ લોકો ઘાયલ થયા છે.

પ્રાપ્ત માહિતી મુજબ ભારે વરસાદને કારણે બાંધકામ સ્થળ પર અચાનક માટી અને કાટમાળ ધસી પડ્યો હતો. ઘટનાની જાણ થતાં જ બચાવ ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને કાટમાળ હટાવવાની કામગીરી શરૂ કરી હતી. ઘાયલ લોકોને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની હાલત સ્થિર હોવાનું જણાવાયું છે.
વાયનાડમાં અગાઉ પણ વિનાશક ભૂસ્ખલન આવી ચૂક્યું
કેરળ રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ અને સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા રાહત અને બચાવ કામગીરી પર નજર રાખવામાં આવી રહી છે. મીનંગડી અને કોઝિકોડથી એનડીઆરએફની ટીમોને પણ ઘટનાસ્થળે મોકલવામાં આવી હતી.
ઘટના બાદ કેરળ સરકાર પણ સક્રિય થઈ ગઈ છે. મુખ્યમંત્રીના નિર્દેશ બાદ મહેસૂલ મંત્રી અને કૃષિ મંત્રીને તાત્કાલિક સ્થળ પર પહોંચવા જણાવાયું હતું. જિલ્લા કલેક્ટર પણ ઘટનાસ્થળે હાજર રહી સમગ્ર કામગીરીનું નિરીક્ષણ કર્યુ હતુ.
આ દરમિયાન કેરળના મંત્રી ટી. સિદ્દીકીએ આ ઘટનાને કુદરતી દુર્ઘટના નહીં પરંતુ માનવીય બેદરકારી ગણાવી છે. તેમણે આક્ષેપ કર્યો કે બાંધકામ સ્થળ પર સુરક્ષા નિયમોનું યોગ્ય પાલન કરવામાં આવ્યું નહોતું. તેમના જણાવ્યા મુજબ, જિલ્લા તંત્ર દ્વારા અગાઉ પણ ભૂસ્ખલનના જોખમ અંગે ચેતવણી આપવામાં આવી હતી.
મંત્રીએ કહ્યું કે આવી બેદરકારી સ્વીકારવામાં આવશે નહીં. વાયનાડ અગાઉ પણ વિનાશક ભૂસ્ખલનનો સામનો કરી ચૂક્યું છે, જેમાં મોટી સંખ્યામાં લોકોના જીવ ગયા હતા. હાલ કલ્લાડી વિસ્તારમાં શોધ અને બચાવ કામગીરી ચાલુ છે તથા સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરવામાં આવી રહી છે.