Last Updated on by Sampurna Samachar
વિશ્વમાં વધુ યુદ્ધના ભણકારાં સંભળાયા
અમેરિકન નાગરિકોને પાછા બોલાવવા ટ્રમ્પનો આદેશ
(સંપૂર્ણ સમાચાર સેવા)
વિશ્વ વધુ એક યુદ્ધનું સાક્ષી બની શકે તેવા એંધાણ વર્તાઇ રહ્યા છે. મીડિયા રિપોર્ટ અનુસાર, અમેરિકાના અધિકારીઓએ જણાવ્યું છે કે, ઈઝરાયલની સેના ઈરાન પર હુમલો કરવા સંપૂર્ણપણે સજ્જ છે. જેની જવાબી કાર્યવાહીના ભાગરૂપે ઈરાન પોતાના પડોશી દેશ ઈરાકમાં સ્થિત અમેરિકાના સૈન્ય ઠેકાણાં પર હુમલા કરી શકે છે.
અમેરિકાએ પોતાના નાગરિકોને ઈરાક છોડવા માટે એડવાઈઝરી જાહેર કરી હતી. અમેરિકાના વિદેશ વિભાગે પણ નોન-ઈમરજન્સી ઓફિસર્સને ઈરાક છોડવા આદેશ આપ્યો છે. પશ્ચિમી એશિયામાં વધતાં તણાવ અને યુદ્ધની આશંકા વચ્ચે અમેરિકાએ ઈરાક, કુવૈત, અને બહરીન સહિતના મધ્ય-પૂર્વીય દેશોમાં પોતાના દૂતાવાસોમાંથી વધારાના કર્મચારીઓ અને પરિવારને પાછા વતન ફરવા આદેશ આપ્યો છે. ઈરાન અને ઈઝરાયલ વચ્ચે ફરી સંભવિત હુમલા થઈ શકે છે.
ટ્રમ્પ ન્યૂક્લિયર પ્રોગ્રામ અટકાવવા જોર લગાવશે
અમેરિકાના પ્રમુખ ટ્રમ્પે વોશિંગ્ટનના કેનેડી સેન્ટરમાં જણાવ્યું હતું કે, તેમને ત્યાંથી ખસેડવામાં આવી રહ્યા છે. કારણકે, તે સ્થળ હવે અત્યંત જોખમી બન્યું છે. તેમને ત્યાંથી દૂર કરવા માટે નિર્દેશ આપવામાં આવ્યો છે. અને આગળ શું પગલાં લેવા જોઈએ તેના પર વિચારીશું.
હાલ આ મધ્ય-પૂર્વીય દેશોમાં તણાવ વધી રહ્યો છે. ઈરાનની ઝડપથી વધી રહેલી ન્યૂક્લિયર પ્રોગ્રામ તરફની આગેકૂચ ચિંતા વધારી રહી છે. તે અમેરિકા સાથે તેની વાટાઘાટ પર અવરોધો ઉભા કરી રહી છે. અમે તેમની સાથે વાતચીતના માધ્યમથી ન્યૂક્લિયર પ્રોગ્રામને અટકાવવા માગીએ છીએ. જેના માટે અમે અમુક આકરા આર્થિક પ્રતિબંધો દૂર કરવા પણ તૈયાર છીએ.
ઉલ્લેખનીય છે, ઈરાને પોતાના ન્યૂક્લિયર પ્રોગ્રામ પર સ્પષ્ટતા આપતાં કહ્યું છે કે, આ પ્રોગ્રામ શાંતિપૂર્ણ છે. આ મામલે અમેરિકા સાથે આ સપ્તાહના અંતમાં ઓમાનમાં બેઠક યોજાશે. અમેરિકાના સંરક્ષણ મંત્રાલયના અધિકારીઓએ જણાવ્યું હતું કે, ઈરાનની અમેરિકા સાથેની વાટાઘાટ જો નિષ્ફળ રહી તો ટ્રમ્પના અગાઉના આદેશાનુસાર, ઈઝરાયલ તથા અમેરિકા ઈરાનના ન્યૂક્લિયર સેન્ટર્સ પર હુમલો કરી શકે છે. ઈરાન સાથે કોઈપણ સમાધાન મુદ્દે અપેક્ષા જણાઈ રહી નથી. જોકે, ટ્રમ્પ ન્યૂક્લિયર પ્રોગ્રામ અટકાવવા એડીચોટીનું જોર લગાવશે.