Last Updated on by Sampurna Samachar
અંધાધૂધ ગોળીબાર પેલેસ્ટાઇનના મોત તો અનેક ઘાયલ
હમાસ દ્વારા સંચાલિત ગાઝા સ્વાસ્થ્ય મંત્રાલયે કર્યો દાવો
(સંપૂર્ણ સમાચાર સેવા)
ગાઝા પટ્ટીના દક્ષિણ શહેર ખાન યુનિસમાં ઈઝરાયલ (Israel) ની ટેન્કો દ્વારા અંધાધૂધ ગોળીબાર કરાતાં ૪૫ પેલેન્સ્ટાઈન નાગરિકોના મોત થયા હોવાના સમાચાર સામે આવ્યા છે. આ દાવો હમાસ દ્વારા સંચાલિત ગાઝા સ્વાસ્થ્ય મંત્રાલયે કર્યો હતો. મંત્રાલયના જણાવ્યા અનુસાર, અલ-તહલિયા ચાર રસ્તા પર લોકો ભોજન સેવા આપવા આવતી ટ્રકોની રાહ જોઈ રહ્યા હતાં. ત્યાં અચાનક ઈઝરાયલની ટેન્કો દ્વારા અંધાધૂધ ગોળીબાર થતાં લોકો માર્યા ગયા હતા. મૃતકોની સંખ્યા વધવાની આશંકા છે.
સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે, ઈઝરાયલની ટેન્કોએ ખાન યુનિસમાં રસ્તા પર ઉભેલી ભીડ પર અંધાધૂધ ગોળીબાર કર્યો હતો. જ્યાં હજારો લોકો ભોજન અને અન્ય આવશ્યક સામગ્રીની સહાય આપવા આવતી ટ્રકોની રાહ જોઈ રહ્યા હતા. આ હુમલામાં અનેક લોકો ગંભીર રૂપે ઘવાયા હતા. તેમને નાસર હોસ્પિટલ અને અન્ય ચિકિત્સા કેન્દ્રોમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.
અચાનક ટેન્કોએ ગોળીબાર શરૂ કર્યા
આતંરરાષ્ટ્રીય સમુદાય પાસે તાત્કાલિક ધોરણે સહાયતાની અપીલ કરી છે. કારણકે, ઈમરજન્સી, અને જટિલ ઓપરેશનની જરૂરિયાત વધી છે. એક પણ ઓપરેશન રૂમ ખાલી નથી.ઘટનાસ્થળે ઉપસ્થિત પ્રત્યક્ષદર્શીઓે કહ્યું કે, સવારના સમયે લોકો મદદ માટે આવી રહેલી ટ્રકોની રાહ જોઈ રહ્યા હતાં. ત્યાં અચાનક ટેન્કોએ ગોળીબાર શરૂ કર્યા હતાં.
એક સ્થાનિક પત્રકારે જણાવ્યું કે, ઈઝરાયલી ટેન્કો અલ-અલમ ચાર રસ્તા પર પહોંચ્યા હતાં અને અચાનક ભીડ પર ગોળીબાર શરૂ કર્યો હતો. જેના લીધે રસ્તા પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઈજાગ્રસ્તો અને મૃતકોને જેમ-તેમ કરીને હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા હતાં. ઈઝરાયલના નિયંત્રણના કારણે બચાવ ટુકડી ઘટનાસ્થળ સુધી પહોંચી શકી ન હતી.
ઈઝરાયલની સેના (IDF) એ આ ઘટના પર તાત્કાલિક ધોરણે સત્તાવાર કોઈ ટીપ્પણી કરી નથી. ઈઝરાયલે અગાઉ દાવો કર્યો હતો કે, તેમના સૈનિકોએ માત્ર એલર્ટના ભાગરૂપે ગોળીબાર કર્યો હતો. તથા સંદિગ્ધો પર કાર્યવાહી હાથ ધરી હતી. ગાઝામાં સહાયતા વિતરણ સ્થળો પર હાલ અનેક ઘટનાઓ બની છે. જ્યાં ઈઝરાયલની સેનાએ હમાસ દ્વારા માનવીય સહાયતાની ચોરીનો આરોપ મૂક્યો હતો. જોકે, હમાસે આરોપ ફગાવ્યો હતો.