Last Updated on by Sampurna Samachar
કતારમાં યોજાયેલા ડિનરમાં અગ્રણી ઉદ્યોગપતિ રહ્યા હાજર
મહેમાનોનું સ્વાગત ઢોલ અને પરંપરાગત ગીતો સાથે થયું
(સંપૂર્ણ સમાચાર સેવા)
અરબસ્તાન કતાર દ્વારા ડોનાલ્ડ ટ્રમ્પના સન્માનમાં એક ભવ્ય રાત્રિભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઘણા મોટા ઉદ્યોગપતિઓ અને ખાસ મહેમાનોને આમંત્રણ આપવામાં આવ્યું હતું. ભારતના અગ્રણી ઉદ્યોગપતિ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ પણ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો.
ત્યારે આ રાત્રિભોજન કતારના લુસૈલ પેલેસમાં યોજાયું હતું, જ્યાં યુએસ રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ (TRUMP) અને કતારના અમીર શેખ તમિમ બિન હમાદ અલ થાની મહેમાનોને મળ્યા હતા. મુકેશ અંબાણીએ ટ્રમ્પ અને આમિર બંને સાથે ઉષ્માભર્યા હાથ મિલાવ્યા અને થોડીવાર તેમની સાથે વાત પણ કરી હતી. આ પછી તે અંદર ગયા હતા, જ્યાં તે હસતા અને યુએસ વાણિજ્ય સચિવ સ્ટીવ લુટનિક સાથે વાત કરતા જોવા મળ્યા હતા.
ટેસ્લાના CEO એલન મસ્કે ડિનરમાં આપી હાજરી
ટેસ્લાના CEO એલન મસ્ક પણ આ સ્ટેટ ડિનરમાં હાજર રહ્યા હતા. પરંતુ તેઓ લગભગ ૩૦ મિનિટ મોડા પહોંચ્યા હતા. વોશિંગ્ટન પોસ્ટના અહેવાલ મુજબ, મસ્કે પણ “ ચેટ એન્ડ કટ” એટલે કે વાતચીતના બહાને લાઈન કાપી નાખવાની યુક્તિ અપનાવી અને સીધા ટ્રમ્પને મળવા ગયા હતા. ડિનરમાં મસ્કના નજીકના મિત્ર એન્ટોનિયો ગ્રેસિયાસ, ન્યૂઝમેક્સના સ્થાપક ક્રિસ રુડી અને બ્લેકસ્ટોનના સીઈઓ સ્ટીફન શ્વાર્ઝમેન જેવા ઉચ્ચ પ્રોફાઇલ લોકો પણ હાજર હતા.
આ ભવ્ય કાર્યક્રમમાં પરંપરાગત કતારી શૈલીનું સંપૂર્ણ પાલન કરવામાં આવ્યું હતું. મહેલની અંદરની હવા ધૂપની સુગંધથી ભરાઈ ગઈ અને મહેમાનોનું સ્વાગત ઢોલ અને પરંપરાગત ગીતો સાથે કરવામાં આવ્યું હતુ.
રાત્રિભોજન દરમિયાન, ડોનાલ્ડ ટ્રમ્પે કતારને અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા પરમાણુ તણાવને ઘટાડવા માટે ઈરાન પર પોતાના પ્રભાવનો ઉપયોગ કરવાની અપીલ કરી હતી. ટ્રમ્પ હાલમાં મધ્ય પૂર્વના ત્રણ દેશો – સાઉદી અરેબિયા, કતાર અને યુએઈની મુલાકાતે છે.
મુકેશ અંબાણી અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે આ બીજી મુલાકાત હતી. આ પહેલા મુકેશ અંબાણી અને તેમની પત્ની નીતા અંબાણી જાન્યુઆરીમાં ટ્રમ્પના શપથ ગ્રહણ પહેલા રાત્રિભોજનમાં હાજરી આપી હતી.
આ બેઠક પરથી સ્પષ્ટ થાય છે કે મુકેશ અંબાણીની પહોંચ વૈશ્વિક સ્તરે કેટલી મજબૂત છે. તે જ સમયે, એલન મસ્કનો વિલંબ અને ચાલાકી પણ ચર્ચાનો વિષય રહ્યો હતો. કતારમાં ટ્રમ્પનું નિવેદન અને આ રાત્રિભોજનની ભવ્યતા આગામી દિવસોમાં આંતરરાષ્ટ્રીય સંબંધોમાં કેવો વળાંક લાવશે તે જાેવું રસપ્રદ રહેશે.