Last Updated on by Sampurna Samachar
શો રૂમમાં તોડફોડ કરી રીતસરનો આતંક મચાવ્યો
લૂંટારુઓ માસ્ક પહેરી કાળા રંગની કારમાં આવ્યા હતા
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમેરિકા (AMERICA) ના ન્યૂ જર્સી સ્થિત વિરાણી જ્વેલર્સમાં ફરી એકવાર લૂંટની ઘટના બની છે. અમેરિકામાં આવેલો વિરાણી જ્વેલર્સ એક ભારતીય શો રૂમ છે. લૂંટારુઓએ ગણતરીની મિનિટોમાં ઘટનાને અંજામ આપી ફરાર થઇ ગયા હતા. ન્યૂ જર્સીના ઓક્ટ્રી ઓડ પર ૧૫ વધુ જ્વેલર્સના શો રૂમ આવેલા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર અમેરિકાના ન્યૂ જર્સી સ્થિત વિરાણી જ્વેલર્સના શો રૂમમાં ફરી એકવાર લૂંટની ઘટના બની છે. ન્યૂ જર્સીના ઓક્ટ્રી રોડ પર આવેલા વિરાણી જ્વેલર્સ શો રૂમમાં લૂંટારુઓ કાળા રંગની કાર લઇને આવ્યા હતા. લૂંટારાઓ શો રૂમમાં તોડફોડ કરી રીતસરનો આતંક મચાવ્યો હતો. ત્યારબાદ તમામ લાખો ડૉલરના દાગીના લઇને ફરાર થઇ ગયા હતા.
થોડીક જ મિનિટોમાં લાખો ડૉલરના દાગીના ચોરી ગયા
ઉલ્લેખનીય છે કે આ પહેલાં ૧૨ જૂન ૨૦૨૨ માં વિરાણી જ્વેલર્સમાં નકાબધારી લૂંટારુએ ભારતીય શો રૂમને ટાર્ગેટ બનાવી લૂંટ મચાવી હતી. ગણતરીની મિનિટોમાં લાખો ડૉલરના દાગીનાની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. લૂંટારાઓએ નકાબ પહેર્યું હોવાથી ઓળખ કરવી મુશ્કેલ હતી. લૂંટ દરમિયાન હાજર કર્મચારીઓને કોઇ નુકસાન પહોંચાડ્યું ન હતું. જોકે શો રૂમમાં લગાવેલા CCTV માં આ સમગ્ર ઘટના કેદ થઇ હતી.
ચોંકાવનારી બાબત એ છે કે જૂન ૨૦૨૨માં બનેલી ઘટનાનો એકપણ આરોપી પકડાયો ન હતો. પોલીસ આ અપરાધીઓને પકડે તે પહેલાં ફરી એકવાર લૂંટની ઘટના સામે આવી છે. અગાઉ ૩૧ ઓક્ટોબર, ૨૦૧૩ના રોજ પણ ન્યૂ યોર્કના ક્વીન્સના જેક્સન હાઇટ્સમાં આવેલા વિરાણી જ્વેલર્સને ટાર્ગેટ બનાવી લૂંટ કરાઈ હતી. એક શંકાસ્પદ વ્યક્તિએ હેલોવીન માસ્ક પહેર્યું હતું અને તેની પાસે બંદૂક પણ હતી. આ કારણસર કર્મચારીને તિજોરી ખોલવાની ફરજ પડી હતી. બાદમાં લૂંટારુઓ લાખો ડૉલરની રકમના દાગીના લઈને ભાગી ગયા હતા.