Last Updated on by Sampurna Samachar
ડ્રોન હુમલામાં માંડ માંડ સાસંદો
મોસ્કો એરપોર્ટ પર ડ્રોન હુમલો થયો
(સંપૂર્ણ સમાચાર સેવા)
ઓપરેશન સિંદૂર બાદ રશિયા ગયેલા ભારતીય સાંસદોનું પ્રતિનિધિમંડળ મોસ્કો એરપોર્ટ પર ડ્રોન હુમલામાં માંડ માંડ બચ્યાં હોવાના સમાચાર મળ્યા હતા. આ વિમાનમાં સાંસદ કનિમોઝી સાથે અન્ય સાંસદો સવાર હતા. ડ્રોન હુમલાને કારણે, આ વિમાન ઘણા કલાકો સુધી હવામાં મોસ્કો એરપોર્ટ પર ફરતું રહ્યું હતું. ઘણા કલાકોના વિલંબ અને સુરક્ષા પરિસ્થિતિઓના મૂલ્યાંકન પછી, વિમાન આખરે મોસ્કો એરપોર્ટ પર ઉતર્યું હતું.
ઓપરેશન સિંદૂર પર ભારતના વલણને વ્યક્ત કરવા માટે ભારતના છ પ્રતિનિધિમંડળો વિવિધ દેશોમાં ગયા છે. ભારતથી રશિયા ગયેલા પ્રતિનિધિમંડળમાં સાંસદ કનિમોઝી, સમાજવાદી પાર્ટીના સાંસદ રાજીવ રાય, આરજેડી સાંસદ પ્રેમચંદ ગુપ્તા, કેપ્ટન બ્રિજેશ, અશોક કુમાર મિત્તલ અને રાજદૂત મંજીવ સિંહ પુરીનો સમાવેશ થાય છે.
યુક્રેને રશિયાના મોસ્કો એરપોર્ટ પર હુમલો કર્યો
સાંસદ કનિમોઝીના નેતૃત્વમાં સાંસદોનું પ્રતિનિધિમંડળ ૨૨ મેના રોજ રશિયા જવા રવાના થયું હતું. હવે એ વાત સામે આવી છે કે, કનિમોઝીને લઈ જનારા વિમાનને મોસ્કો એરપોર્ટ પર લેન્ડિંગ કરવામાં મુશ્કેલી પડી હતી. યુક્રેને રશિયાના મોસ્કો એરપોર્ટ પર ડ્રોન હુમલો કર્યો હોવાના અહેવાલ છે.
આ પછી મોસ્કો એરપોર્ટ પર હાહાકાર મચી ગયો હતો અને લેન્ડિંગની રાહ જોઈ રહેલા વિમાનોને એરપોર્ટ પર લેન્ડ કરવાની અસ્થાયી મંજૂરી આપવામાં આવી ન હતી. મોસ્કો એરપોર્ટે સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ કેટલાક કલાકો સુધી સ્થગિત કરી દીધી હતી. આ કારણે સાંસદ કનિમોઝી કરુણાનિધિને લઈ જતું વિમાન ઉતરી શક્યું નહીં અને હવામાં ફરતું રહ્યું હતું. આખરે, ઘણા વિલંબ પછી, વિમાન સુરક્ષિત રીતે લેન્ડિંગ કરવામાં આવ્યું હતું.
આ બાદ, રશિયામાં ભારતીય દૂતાવાસના અધિકારીઓએ સર્વપક્ષીય સાંસદોના પ્રતિનિધિમંડળનું સ્વાગત કર્યું અને તેમને સુરક્ષિત રીતે તેમની હોટલમાં લઈ ગયા હતા. રશિયાની મુલાકાત પૂર્ણ કર્યા પછી, પ્રતિનિધિમંડળ સ્લોવેનિયા, ગ્રીસ, લાતવિયા અને સ્પેનની યાત્રા કરશે. મોસ્કો પહોંચતા જ ડીએમકે સાંસદ કનિમોઝીએ કહ્યું કે, રશિયા ભારતનો વ્યૂહાત્મક ભાગીદાર છે.
તેમણે વધુમાં કહ્યું કે, અમે હંમેશા રાજદ્વારી મુદ્દાઓ, વેપાર વગેરે પર સાથે કામ કરતા આવ્યા છીએ. આવા સમયે, જ્યારે આપણે વારંવાર આતંકવાદી હુમલાઓનો સામનો કરી રહ્યા છીએ, ત્યારે રશિયાનો સંપર્ક કરવો ખૂબ જ મહત્વપૂર્ણ બની જાય છે. ભારતમાં, અમે ૨૬ લોકો ગુમાવ્યા, તેથી ભારત સરકાર અને વડા પ્રધાને આતંકવાદ સામે ભારતના વલણ અને વિશ્વ સમક્ષ આપણી સ્થિતિ રજૂ કરવા માટે દેશભરમાંથી વિવિધ પક્ષોના સાંસદોને મોકલવાનું નક્કી કર્યું હતું.
ભારતનું પ્રતિનિધિત્વ કરતા ડીએમકે સાંસદે કહ્યું કે, અમે અહીં આંતરરાષ્ટ્રીય બાબતોની સમિતિના સભ્યોને મળીશું. અમે રશિયાના નાયબ વિદેશ પ્રધાન, પૂર્વ વડા પ્રધાનને પણ મળીશું. અમે થિંક ટેન્ક અને રશિયન મીડિયાના લોકોને પણ મળીશું. અને અમે તેમને સમજાવીશું કે, ભારતમાં શું બન્યું અને આપણે આતંકવાદ સામે સાથે મળીને કેવી રીતે લડવું પડશે.