Last Updated on by Sampurna Samachar
બંને દેશોના વાટાઘાટકારો આમને-સામને વાતચીત કરી
ટ્રેડ ડીલ મુદ્દે ટ્રમ્પને ભારત સરકારનો સ્પષ્ટ જવાબ
(સંપૂર્ણ સમાચાર સેવા)
ભારત અને અમેરિકા વચ્ચે અર્લી હાર્વેસ્ટ ટ્રેડ એગ્રીમેન્ટની દિશામાં ચાલી રહેલી વાટાઘાટોમાં ૧૦% બેઝલાઇન આયાત ટેરિફનો મુદ્દો સૌથી પ્રમુખ મુદ્દો બની ગયો છે. આ ટેરિફ ટ્રમ્પ વહીવટીતંત્ર દ્વારા ૨ એપ્રિલના રોજ તમામ દેશોની આયાત પર લગાવવામાં આવ્યો હતો. હવે ભારત ઈચ્છે છે કે અમેરિકા આ ટેરિફને સંપૂર્ણપણે હટાવી લે.
સરકારી સૂત્રોએ જણાવ્યું કે, ભારતીય વાટાઘાટકારોએ સ્પષ્ટ કરી દીધું છે કે, અમે બ્રિટિશ મોડેલને સ્વીકારવાના પક્ષમાં નથી, જેમાં યુએસ અને યુકે વચ્ચે કરાર હોવા છતાં બ્રિટિશ માલ પર બેઝલાઇન ટેરિફ ચાલુ છે.
ભારત સૌથી ઝડપથી વિકસતું પ્રમુખ અર્થતંત્ર
ભારત તરફથી વાટાઘાટોમાં સામેલ એક અધિકારીએ જણાવ્યું કે, ભારતે અમેરિકાને વિનંતી કરી છે કે, ૧૦% બેઝલાઇન ટેરિફની સાથે-સાથે ૯ જુલાઈથી પ્રસ્તાવિત વધારાના ૧૬% ટેરિફને પણ સંપૂર્ણપણે હટાવવામાં આવે. આદર્શ સ્થિતિમાં કરાર પછી બંને ટેરિફ (૧૦% અને વધારાનો ૧૬%) એકસાથે ખતમ કરવો જોઈએ. જો આવું ન થાય તો ભારતને પણ સમાન અને પ્રમાણસર ટેરિફ જાળવી રાખવાનો અધિકાર રહેશે.
આ નિવેદન ૧૩ ફેબ્રુઆરીએ વોશિંગ્ટનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા જારી કરાયેલા સંયુક્ત નિવેદનના આધારે આપવામાં આવ્યું હતું, જેમાં “MISSION – 500” હેઠળ વર્ષ ૨૦૩૦ સુધીમાં દ્વિપક્ષીય વેપારને ૫૦૦ અબજ ડોલર સુધી વધારવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો હતો.
અન્ય એક અધિકારીએ ભારતના વલણનો પુનરોચ્ચાર કરતા કહ્યું કે, માત્ર એ જ કરાર લાંબા ગાળા સુધી ટકાઉ રહી શકે છે જે સંતુલિત અને પરસ્પર ફાયદાકારક હોય. અમેરિકા વિશ્વનું સૌથી મોટું અર્થતંત્ર છે અને ભારત સૌથી ઝડપથી વિકસતું પ્રમુખ અર્થતંત્ર છે. તેથી બંને દેશો વચ્ચેનો વેપાર કરાર ન્યાયી, સમાન અને લોકોને સ્વીકાર્ય હોવો જોઈએ.
ભારતનું માનવું છે કે, બંને દેશોના વ્યાપારિક હિતો સ્પર્ધાત્મક નથી પરંતુ પરસ્પર પૂરક છે. તેથી ભારત અમેરિકન માલસામાનને વધુ બજાર ઍક્સેસ આપવા માટે તૈયાર છે, જોકે, શરત એટલી જ છે કે અમેરિકા પણ સમાન ભાવના સાથે જવાબ આપે.
યુએસ ટ્રેડ રિપ્રેઝન્ટેટિવના સહાયક બ્રેન્ડન લિંચના નેતૃત્વમાં એક અમેરિકન વાટાઘાટ ટીમ ૪ જૂને દિલ્હી આવી હતી. આ પાંચમી વખત છે જ્યારે બંને દેશોના વાટાઘાટકારો આમને-સામને વાતચીત કરી રહ્યા છે. પહેલા આ મુલાકાત બે દિવસની થવાની હતી, પરંતુ હવે તે ૧૦ જૂન સુધી ચાલશે. વાટાઘાટોના આ રાઉન્ડમાં ટેરિફ સહિતના ઘણા ગંભીર મુદ્દાઓ પર ચર્ચા ચાલી રહી છે. ત્યારબાદ આગામી રાઉન્ડ અમેરિકામાં થશે.
તમને જણાવી દઈએ કે, બંને પક્ષો ૯ જુલાઈ પહેલા એક અર્લી હાર્વેસ્ટ વેપાર કરાર કરવાની દિશામાં ઝડપથી કામ કરી રહ્યા છે. ત્યારબાદ પ્રથમ તબક્કાનો દ્વિપક્ષીય વેપાર કરાર સપ્ટેમ્બર-ઓક્ટોબર ૨૦૨૫માં લાવવામાં આવશે.
યુએસ-યુકે વચ્ચે થયેલા કરારનો હવાલો આપતા અધિકારીએ જણાવ્યું કે, અમેરિકાએ યુકે પર હજુ પણ એલ્યુમિનિયમ, સ્ટીલ, ઓટોમોબાઇલ્સ અને પાર્ટ્સ પર અનુક્રમે ૨૫% અને ૧૦% ટેરિફ લગાવી રાખ્યો છે. તેમ છતાં ૮ મેના રોજ માત્ર આંશિક છૂટ વાળો ઈકોનોમિક પ્રોસ્પેરિટી ડીલ થઈ. ભારત આને અધૂરુ મોડેલ માને છે અને તેનાથી બચવા માગે છે.