Last Updated on by Sampurna Samachar
ચાંદલોડિયામાં ડિમોલિશન સામે સ્થાનિકોમાં આક્રોશ
૧૨ મીટરના TP રોડને ખુલ્લો કરવા માટે ડિમોલિશન હાથ ધરાયું
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હાથ ધરવામાં આવેલી ડિમોલિશનની કામગીરી સામે ચાંદલોડિયા વિસ્તારમાં સ્થાનિક રહીશોનો ઉગ્ર આક્રોશ ફાટી નીકળ્યો છે. ચાંદલોડિયામાં છેલ્લા ૪ દિવસથી AMC ના એસ્ટેટ અને દબાણ હટાવ વિભાગ દ્વારા મોટા પાયે તોડફોડની કાર્યવાહી ચાલી રહી છે, જેનો સ્થાનિક લોકો રસ્તા પર ઉતરીને સખત વિરોધ કરી રહ્યા છે. ઘર વિહોણા બનેલા સેંકડો પરિવારોએ તંત્ર સામે મોરચો માંડીને ઘટનાસ્થળે જ ધરણા શરૂ કરી દીધા છે. જેને પગલે વિસ્તારમાં ભારે તણાવભર્યો માહોલ સર્જાયો છે.

મળતી માહિતી મુજબ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ચાંદલોડિયા વિસ્તારમાં ૧૨ મીટરના TP રોડને ખુલ્લો કરવા માટે આ મેગા ડિમોલિશન ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે. જોકે, સ્થાનિક રહીશોનો દાવો છે કે તેઓ આ જગ્યા પર કોઈ ગેરકાયદે ઘૂસણખોરી કરીને નથી રહેતા, પરંતુ છેલ્લા ઘણા વર્ષોથી અહીં વસવાટ કરે છે.
વિકાસના નામે ગરીબોના આશિયાના છીનવાયા
વિરોધ કરી રહેલા લોકોએ આક્ષેપ કર્યો છે કે, તંત્ર વર્ષોથી તેમની પાસેથી નિયમિતપણે પ્રોપર્ટી ટેક્સ વસૂલતું આવ્યું છે. જો આ મકાનો ગેરકાયદેસર હતા, તો તંત્ર અત્યાર સુધી વેરો કેમ લેતું હતું? ત્યારે પીડિત રહીશોની મુખ્ય માંગણી છે કે વૈકલ્પિક વ્યવસ્થા તરીકે તેમને ‘ઘર સામે ઘર‘ આપવામાં આવે, જેથી આ કાળઝાળ ગરમીમાં મહિલાઓ અને બાળકોને રઝળવાનો વારો ન આવે. પુન:વસનની કોઈ ચોક્કસ ખાતરી ન મળવાને કારણે સ્થાનિકોનો રોષ સાતમા આસમાને પહોંચ્યો છે.
બીજી તરફ, AMC ના અધિકારીઓ પોલીસ બંદોબસ્ત સાથે કાયદાકીય પ્રક્રિયા આગળ ધપાવી રહ્યા છે અને રોડ લાઈનમાં નડતરરૂપ તમામ દબાણો હટાવવા પર મક્કમ છે. વિકાસના નામે ગરીબોના આશિયાના છીનવાઈ જવાની આ ઘટના અત્યારે સોશિયલ મીડિયા અને રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચાનો વિષય બની છે.