Last Updated on by Sampurna Samachar
યુદ્ધમાં અમેરિકાની એન્ટ્રીથી તેલ સંકટ સર્જાયું
કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીએ કહ્યું ભારત પાસે સ્ટોક
(સંપૂર્ણ સમાચાર સેવા)
ઇઝરાયલ અને ઈરાન વચ્ચેના યુદ્ધમાં અમેરિકાની એન્ટ્રી થયા પછી વિશ્વભરના દેશોમાં તેલ સંકટ વધુ ઘેરું બની શકે છે, કારણ કે ઈરાન ક્રૂડ ઓઇલનો સૌથી મોટો ઉત્પાદક દેશ છે અને હોર્મુઝ સ્ટ્રેટ દ્વારા ક્રૂડ ઓઇલ સપ્લાય કરે છે, પરંતુ અમેરિકાના હુમલા પછી, ઈરાન આ માર્ગ બંધ કરવાનું વિચારી રહ્યું છે. સંસદમાં આ ઠરાવ પસાર થઈ ગયો છે અને હવે ઈરાનની નૌકાદળ આ માર્ગ ગમે ત્યારે બંધ કરી શકે છે.
વિશ્વના સૌથી મોટા ઉર્જા પુરવઠા ક્ષેત્રોમાં વધતા તણાવ વચ્ચે કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીએ જણાવ્યું હતું કે વિશ્વના ત્રીજા સૌથી મોટા તેલ આયાતકાર અને ચોથા સૌથી મોટા ગેસ ખરીદનાર ભારત પાસે ઘણા અઠવાડિયા સુધી તેની જરૂરિયાતો પૂરી કરવા માટે પૂરતો ઉર્જા પુરવઠો છે અને ભારત પાસે પુરવઠા માટે અનેક વિકલ્પો છે.
ઇરાન પર અમેરિકાના હુમલા પછી ઇરાન ગંભીર
વધુમાં હરદીપ પુરીએ કહ્યું, “સરકાર છેલ્લા બે અઠવાડિયાથી પશ્ચિમ એશિયામાં બદલાતી ભૂ-રાજકીય પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહી છે.” તેમણે કહ્યું, “વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ, અમે છેલ્લા કેટલાક વર્ષોમાં અમારા પુરવઠામાં વૈવિધ્યીકરણ કર્યું છે અને હવે અમારા પુરવઠાનો મોટો ભાગ હોર્મુઝ સ્ટ્રેટ દ્વારા આવતો નથી.”
પુરીએ કહ્યું, “આપણી તેલ માર્કેટિંગ કંપનીઓ પાસે ઘણા અઠવાડિયા સુધી ચાલે તેટલો પુરવઠો છે અને તેઓ અનેક માર્ગો દ્વારા ઉર્જા પુરવઠો મેળવતા રહેશે. અમે નાગરિકોને ઇંધણનો અવિરત પુરવઠો સુનિશ્ચિત કરવા માટે તમામ જરૂરી પગલાં લઈશું. તેમણે કહ્યું કે ભારતમાં દરરોજ વપરાશમાં લેવાતા ૫.૫ મિલિયન બેરલ ક્રૂડ ઓઇલમાંથી, લગભગ ૧.૫-૨ મિલિયન બેરલ હોર્મુઝ સ્ટ્રેટ દ્વારા આવે છે. તો ભારત અન્ય માર્ગો દ્વારા લગભગ ૪ મિલિયન બેરલ આયાત કરે છે.
કેન્દ્રીય મંત્રીએ કહ્યું છે કે ભારત પાસે પૂરતો સ્ટોક છે. તેમણે કહ્યું, “અમારી તેલ કંપનીઓ પાસે પૂરતો સ્ટોક છે. તેમાંથી મોટાભાગની કંપનીઓ પાસે ત્રણ અઠવાડિયા સુધીનો સ્ટોક છે. તો એક પાસે ૨૫ દિવસનો સ્ટોક છે. અમે અન્ય માર્ગો દ્વારા ક્રૂડ ઓઇલનો પુરવઠો વધારી શકીએ છીએ. અમે બધા શક્ય ઉપાયો પર વિચાર કરી રહ્યા છીએ.”
ઉલ્લેખનીય છે કે હોર્મુઝ સ્ટ્રેટ પશ્ચિમ એશિયામાંથી આવતા તેલ માટે એક મહત્વપૂર્ણ પરિવહન માર્ગ છે. ઇઝરાયલ સાથે સંઘર્ષ શરૂ થયા પછી અમેરિકાએ તેના પરમાણુ ઠેકાણાઓ પર હુમલા કર્યા પછી ઈરાન આ અંગે ગંભીર છે. ઈરાનની સંસદે પણ આ જળમાર્ગ બંધ કરવાનો પ્રસ્તાવ પસાર કર્યો છે. ઈરાનનો આ ર્નિણય ઘણા દેશોની ઊંઘ હરામ કરી શકે છે.