Last Updated on by Sampurna Samachar
શિરવાણના સીદ્દી સમાજની ચૂંટણી બહિષ્કારની ચીમકી
૩૦૦ મતદારો હોવા છતાં ગામથી ૬ કિલોમીટર દૂર મતદાન બૂથ ઉભું કરતા લોકોની ચૂંટણી પંચમાં રજૂઆત
(સંપૂર્ણ સમાચાર સેવા)
રાષ્ટ્રપતિએ જેમનું સન્માન કર્યું, તે શિરવાણના સીદ્દી સમાજની ગુજરાતમાં જ ઉપેક્ષા કરવામાં આવી છે. ૩૦૦ મતદારો માટે બૂથ ૬ કિમી દૂર ખસેડાતા ગ્રામજનોમાં રોષ વ્યાપી ગયો છે. શિરવાણ ગામથી ચૂંટણીનો બહિષ્કાર કરાતા તંત્ર દોડતું થયું છે.

જુનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકાના ગીર જંગલની મધ્યમાં આવેલું શિરવાણ ગામ અત્યારે વહીવટી તંત્રની ઉદાસીનતા સામે આક્રોશ વ્યક્ત કરી રહ્યું છે. દાયકાઓથી પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહેલા સીદ્દી સમાજના આ લોકોએ આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મતદાનનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી છે.
શિરવાણ ગામના લોકો માટે આ સ્થિતિ ચિંતાજનક
ગ્રામજનોનો આક્ષેપ છે કે, વર્ષોથી ગામમાં જ રહેલું પોલિંગ બૂથ આ વખતે કોઈ પણ પૂર્વ સૂચના આપ્યા વગર ૬ કિલોમીટર દૂર અમૃતવેલ ગામે ખસેડી દેવામાં આવ્યું છે. આ ર્નિણયને કારણે ૩૦૦ જેટલા મતદારોના લોકશાહીના અધિકાર પર જોખમ ઊભું થયું છે. શિરવાણ ગામના લોકો માટે આ સ્થિતિ ચિંતાજનક છે.
કારણ કે થોડા સમય પહેલા જ જ્યારે ભારતના રાષ્ટ્રપતિ સાસણની મુલાકાતે આવ્યા હતા. ત્યારે તેમણે આ જ સીદ્દી સમાજના લોકોને ખાસ નિમંત્રણ આપી બોલાવ્યા હતા. રાષ્ટ્રપતિએ તેમના પરંપરાગત ધમાલ નૃત્યની પ્રશંસા કરી હતી અને ગ્રામજનોની સમસ્યાઓ અત્યંત આત્મીયતાથી સાંભળી હતી.
ગ્રામજનો સવાલ ઉઠાવી રહ્યા છે કે, જો દેશના સર્વોચ્ચ વ્યક્તિ તેમને મળી શકતા હોય અને તેમની સમસ્યાઓ સાંભળી શકતા હોય, તો સ્થાનિક વહીવટી તંત્ર કેમ તેમના ગામમાં એક મતદાન મથક જેવી પાયાની સુવિધા જાળવી શકતું નથી. લોકશાહીના આ પર્વમાં તંત્રના બેવડા ધોરણો પણ ચર્ચાનો વિષય બન્યા છે.
એક તરફ, ગીરના જંગલમાં માત્ર એક મત ધરાવતા બાણેજ અને માત્ર આઠ મત ધરાવતા અન્ય વિસ્તારો માટે તંત્ર ખાસ મતદાન મથકની વ્યવસ્થા કરી ગર્વ લે છે.
ત્યારે શિરવાણ જેવા ૭૦૦ થી વધુની વસ્તી અને ૩૦૦ મતદારો ધરાવતા ગામની અવગણના કરવામાં આવી છે. એક સ્થાનિક ચોટિયા બિરાજે કહ્યું કે, જંગલનો પથરાળ રસ્તો, હિંસક પશુઓનો સતત ભય અને ઉનાળાની કાળઝાળ ગરમીમાં વૃદ્ધો, સગર્ભા મહિલાઓ અને દિવ્યાંગો માટે ૬ કિલોમીટર દૂર અમૃતવેલ જવું વ્યવહારિક રીતે અશક્ય છે.