Last Updated on by Sampurna Samachar
ગાંધીનગરમાં કોસ્ટ ગાર્ડ જવાનનો આપઘાતનો પ્રયાસ
પોલીસ દ્વારા ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરાઇ
(સંપૂર્ણ સમાચાર સેવા)
ગાંધીનગરના સેક્ટર-૧ વિસ્તારમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે. ગાયત્રી મંદિર પાસે આવેલી ઈન્ડિયન કોસ્ટ ગાર્ડ ઓફિસર્સ મેસમાં ફરજ બજાવતા ૪૩ વર્ષીય કોસ્ટ ગાર્ડ જવાને પોતાની રાઈફલ વડે જાતે ગોળી મારી આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે. આ ઘટનાને પગલે કોસ્ટ ગાર્ડ અને પોલીસ બેડામાં ભારે ચકચાર મચી ગઈ છે.

આ ઘટનાની મળતી માહિતી મુજબ, હસમુખભાઈ ચતુરભાઈ પ્રજાપતિ , જેઓ મૂળ ગાંધીનગર નજીકના લેકાવાડા ગામના વતની છે, તેઓ પોતાની ફરજ પર હાજર હતા. તે દરમિયાન અગમ્ય કારણોસર તેમણે પોતાની પાસે રહેલી રાઈફલ વડે પોતાના ગળાના ભાગે ગોળી મારી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો.
જવાનના સાથી કર્મચારીઓ અને સ્ટાફની પૂછપરછ શરૂ
ગોળીબારનો અવાજ સાંભળીને આસપાસના સ્ટાફ અને સુરક્ષાકર્મીઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયા હતા. લોહીલુહાણ હાલતમાં મળી આવેલા હસમુખભાઈને તાત્કાલિક સારવાર અર્થે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. સેક્ટર-૭ પોલીસ સ્ટેશનના પીઆઈએ જણાવ્યું હતું કે, જવાનની હાલત અત્યંત ગંભીર છે અને હાલ તેઓ સિવિલ હોસ્પિટલના આઈસીયુ વોર્ડમાં જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે.
ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સ્થાનિક પોલીસના ઉચ્ચ અધિકારીઓ અને એફએસએલની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. એફએસએલની ટીમે ઘટનાસ્થળ પરથી પુરાવા એકત્રિત કરી તપાસ હાથ ધરી છે.
પોલીસ દ્વારા જવાનના સાથી કર્મચારીઓ અને નજીકના સ્ટાફની પૂછપરછ કરવામાં આવી રહી છે. આ આત્મઘાતી પગલાં પાછળનું સચોટ કારણ જાણવા માટે પોલીસ દ્વારા ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરવામાં આવી છે. જવાનના પરિવારજનોને આ દુ:ખદ ઘટનાની જાણ કરી દેવામાં આવી છે.