Last Updated on by Sampurna Samachar
આતંકી હુમલા બાદ કેન્દ્ર સરકારે કેટલાય લીધાં પગલાં
૧ મે સુધીનો સમય આપવામાં આવ્યો
(સંપૂર્ણ સમાચાર સેવા)
પહલગામમાં થયેલા આતંકી હુમલા બાદ ભારત સરકાર દ્વારા પાકિસ્તાન વિરૂદ્ધ ઘણા મોટા અને કડક પગલા લેવામાં આવ્યા છે. જેમાં પાકિસ્તાની નાગરિકોના વિઝા મામલે જમ્મુ-કાશ્મીરના પહલગામમાં ૨૨ એપ્રિલે થયેલા આતંકી હુમલા બાદ કેન્દ્રીય ગૃહ મંત્રાલયે મોટો ર્નિણય લીધો છે.
ગૃહ મંત્રાલયે પાકિસ્તાનને લગતા તમામ વિઝા રદ કરવાના નિર્દેશ આપ્યા છે. આ સંદર્ભમાં ગૃહમંત્રી અમિત શાહે (AMIT SHAH) તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વાત કરી છે. અમિત શાહે મુખ્યમંત્રીઓને કહ્યું છે કે તેઓ શક્ય તેટલી વહેલી તકે પાકિસ્તાનના લોકોને પોતપોતાના રાજ્યોમાંથી હટાવે. ગૃહમંત્રીએ અધિકારીઓ સાથેની બેઠક બાદ આ ર્નિણય લીધો છે.
સિંધુ નદી પાકિસ્તાનની જીવનરેખા
મહત્વનું છે કે પહેલગામ આતંકી હુમલા બાદ ભારત સરકાર સતત એક્શન મોડમાં છે. આ હુમલા પછી, ભારત સરકારે સૌથી પહેલું કામ ભારત અને પાકિસ્તાન વચ્ચેની સિંધુ જળ સંધિને મુલતવી રાખવાનું કર્યું. ભારતે પાકિસ્તાનને ઔપચારિક પત્ર લખીને સિંધુ જળ સંધિને સ્થગિત કરવાની જાણકારી આપી હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી સુરક્ષા અંગેની કેબિનેટ સમિતિની બેઠકમાં કડક ર્નિણયો લેવામાં આવ્યા હતા, જેમાં સિંધુ જળ સંધિને મુલતવી રાખવાનો ર્નિણય પણ સામેલ હતો. સિંધુ જળ સંધિ ભારત અને પાકિસ્તાન વચ્ચે ૧૯૬૦ થી અમલમાં છે. સિંધુ નદીને પાકિસ્તાનની જીવનરેખા માનવામાં આવે છે.
૨૧ કરોડથી વધુની વસ્તી તેમની પાણીની જરૂરિયાતો પૂરી કરવા માટે સિંધુ અને તેની ચાર ઉપનદીઓ પર ર્નિભર છે. આ ઉપરાંત અટારી બોર્ડરને પણ બંધ કરવાનો ર્નિણય લેવામાં આવ્યો હતો. ભારત આવેલા પાકિસ્તાની નાગરિકોને આ માર્ગે પરત ફરવા માટે ૧ મે સુધીનો સમય આપવામાં આવ્યો છે. ભારતમાં પાકિસ્તાની હાઈ કમિશનમાં તૈનાત પાકિસ્તાની સંરક્ષણ સલાહકારોને દેશ છોડવા માટે એક સપ્તાહનો સમય આપવામાં આવ્યો હતો. ઉપરાંત, બંને હાઈ કમિશનમાં નિયુક્ત કર્મચારીઓની સંખ્યા ૫૦ થી ઘટાડીને ૩૦ કરવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે ૨૨ એપ્રિલે પહેલગામમાં થયેલા આતંકી હુમલામાં ૨૬ પ્રવાસીઓના મોત થયા હતા જ્યારે ૧૭ લોકો ઘાયલ થયા હતા.