Last Updated on by Sampurna Samachar
જસવંતગઢ પાટીયા પાસે મીની બસે કારને અડફેટે લેતા ૬ લોકોના મોત
૬ ઘાયલ, ગાંભોઈ પોલીસે તપાસ
(સંપૂર્ણ સમાચાર સેવા)
હિંમતનગર-શામળાજી હાઈવે પર આજે ફરી એકવાર રક્તરંજિત અકસ્માતની ઘટના સામે આવી છે. હિંમતનગરના જસવંતગઢ પાટીયા પાસે એક મીની બસે કારને જોરદાર ટક્કર મારતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં ૬ લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા છે, જ્યારે અન્ય ૬ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.ઘટનાની મળતી માહિતી અનુસાર, જસવંતગઢ પાટીયા નજીક પૂરપાટ ઝડપે આવી રહેલી એક મીની બસે આગળ જઈ રહેલી કારને પાછળના ભાગેથી જોરદાર અડફેટે લીધી હતી.

ટક્કર એટલી ભયાનક હતી કે, કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. અકસ્માતને પગલે હાઈવે પર ચીચીયારીઓ ગુંજી ઉઠી હતી અને સ્થાનિક લોકો દોડી આવ્યા હતા.આ અકસ્માતમાં ઘવાયેલા ૬ જેટલા ઈજાગ્રસ્તોને તાત્કાલિક અસરથી હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. ઈજાગ્રસ્તો પૈકી અમુકની હાલત નાજુક હોવાનું જાણવા મળી રહ્યું છે.