Last Updated on by Sampurna Samachar
લોકગાયક કિર્તીદાન ગઢવીને ગુજરાત હાઈકોર્ટે ફટકારી નોટિસ
અમદાવાદના એક ઇવેન્ટ ઓર્ગેનાઇઝરને ગેરકાયદેસર રીતે ગોંધી રાખી ઢોર માર મારવાના ગંભીર આરોપ
(સંપૂર્ણ સમાચાર સેવા)
ગુજરાતના પ્રખ્યાત લોકગાયક કિર્તીદાન ગઢવી અને પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ કાયદાકીય ગૂંચમાં ફસાયા છે. અમદાવાદના એક ઇવેન્ટ ઓર્ગેનાઇઝરને ગેરકાયદેસર રીતે ગોંધી રાખી ઢોર માર મારવાના ગંભીર આરોપ સાથે થયેલી અરજી પર સુનાવણી કરતા ગુજરાત હાઇકોર્ટે કિર્તીદાન ગઢવી સહિત CID ક્રાઇમ સાઈબર સેલના અધિકારીઓને નોટિસ ફટકારી છે.

અમદાવાદના ખોડિયારનગર વિસ્તારમાં રહેતા ઇવેન્ટ ઓર્ગેનાઇઝર જયેશ પરમારે હાઇકોર્ટમાં અરજી કરી હતી, જેમાં તેમનો દાવો છે કે વર્ષ ૨૦૨૫ની નવરાત્રિ ઇવેન્ટના આયોજન માટે જયેશ પરમાર અને કિર્તીદાન ગઢવી વચ્ચે ભાગીદારી થઈ હતી.
સિવિલ ડ્રેસમાં અટકાયત કરી
જો કે હિસાબ-કિતાબ અને નાણાકીય લેવડદેવડમાં વિવાદ સર્જાયો હતો. આક્ષેપ છે કે ૨૦ ફેબ્રુઆરી, ૨૦૨૫ના રોજ કોઈપણ પ્રકારના વોરંટ કે નોટિસ વગર સાયબર સેલ ગાંધીનગરના અધિકારીઓએ જયેશ પરમારને સિવિલ ડ્રેસમાં અટકાયત કરી હતી અને સવારના ૧૦ થી મોડી રાતના ૨ વાગ્યા સુધી ગોંધી રાખ્યા હતા.
અરજદારનો દાવો છે કે કિર્તીદાન ગઢવી અને તેમના ભાગીદારોના કહેવાથી પોલીસ અધિકારીઓએ તેમને કસ્ટડીમાં ઢોર માર માર્યો હતો. આ અંગેના પુરાવા તરીકે મેડિકલ સર્ટિફિકેટ પણ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યું છે. જવાબદાર અધિકારીઓ સામે ખાતાકીય તપાસ અને કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે.
અરજદાર જયેશ પરમારે પોતાની અરજીમાં સ્પષ્ટ આક્ષેપ કર્યો છે કે આ સમગ્ર ઘટના પાછળ કિર્તીદાન ગઢવી મુખ્ય સૂત્રધાર છે. સિવિલ વિવાદ હોવા છતાં કાયદો હાથમાં લઈને પોલીસ સાથે સાંઠગાંઠ કરીને તેમને હેરાન કરવામાં આવ્યા હતા. વધુમાં આક્ષેપ છે કે નવરાત્રિ દરમિયાન પોલીસ અધિકારીઓ માટે ૮,૦૦૦થી વધુ ટિકિટો મફત આપવામાં આવી હતી, જેના બદલામાં તેમજ રાજકીય વગના કારણે પોલીસે કિર્તીદાનના કહેવાથી આ કાર્યવાહી કરી હોવાની શક્યતા છે.
આ મામલે હાઇકોર્ટે ગંભીર નોંધ લેતા કિર્તીદાન ગઢવી, SP રાજદીપસિંહ ઝાલા, સાયબર સેલના PI બી.એમ. ચૌધરી અને PSI પરમારને ખુલાસો કરવા નોટિસ જાહેર કરી છે. કોર્ટે ૨૦ અને ૨૧ ફેબ્રુઆરીના પોલીસ સ્ટેશનના તમામ cctv ફૂટેજ સુરક્ષિત રાખવા હુકમ કર્યો છે, જેથી સત્ય શું છે તે બહાર આવી શકે.
આ કેસ હાલમાં કોર્ટના આધીન છે અને બંને પક્ષોના પુરાવાઓ તપાસ્યા બાદ જ અંતિમ ચુકાદો આવશે.કિર્તીદાન ગઢવી જેવા જાણીતા કલાકારનું નામ આ વિવાદમાં ઉછળતા મનોરંજન જગતમાં ભારે ચર્ચાઓ જાગી છે.