Last Updated on by Sampurna Samachar
ST બસોના ભાડામાં નોંધપાત્ર ઘટાડો
અમદાવાદ થી ભાવનગર જતા મુસાફરોના ભાડામાં રૂપિયા ૧૪નો ઘટાડો
(સંપૂર્ણ સમાચાર સેવા)
દેશમાં પેટ્રોલ અને ડીઝલના વધેલા ભાવ વચ્ચે લોકોને જાહેર પરિવહનનો ઉપયોગ કરવા અપીલ કરવામાં આવી છે. આ દરમિયાન GSRTC ના મુસાફરોને મોટી રાહત મળી છે. વિભાગ દ્વારા નવા હાઇવે રૂટથી ભાડામાં ઘટાડો કરાયો છે. લોકો જાહેર પરિવહન તરફ વળે તે માટે વિભાગ દ્વારા ભાડામાં મોટો ઘટાડો કરીને રાહત આપી છે.

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા મુસાફરોને મોટી રાહત આપતા એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. જેમાં રાજ્યમાં બનેલા નવા એક્સપ્રેસ હાઇવે રૂટના એસ.ટી. બસોના ભાડામાં નોંધપાત્ર ઘટાડો કરવામાં આવ્યો છે. આ નવા રૂટનો સીધો લાભ દૈનિક મુસાફરી કરતા હજારો પ્રવાસીઓને મળશે, જેનાથી તેમના સમયની સાથે પૈસાની પણ બચત થશે.
આગામી દિવસોમાં મુસાફરોને સીધો આર્થિક ફાયદો
નવા એક્સપ્રેસ રૂટના કારણે અમદાવાદથી ભાવનગર જતા મુસાફરોના ભાડામાં રૂપિયા ૧૪નો ઘટાડો થયો છે. જેમાં જૂના રૂટનું ભાડું જે રૂપિયા ૩૫૧ હતું તે હવે નવા હાઇવે પર ઘટીને રૂપિયા ૩૩૭ થઈ ગયું છે. આ જ રીતે નહેરૂનગર (અમદાવાદ)થી સુરત જતા મુસાફરોને સૌથી મોટો ફાયદો થયો છે, કારણ કે આ રૂટ પર સીધો રૂપિયા ૬૧નો ઘટાડો ઝીંકાયો છે, જેથી અગાઉનું રૂપિયા ૭૪૮નું જૂનું ભાડું હવે નવા એક્સપ્રેસ હાઇવે પર માત્ર રૂપિયા ૬૮૭ થઈ ગયું છે.
GSRTC ના આ ર્નિણયથી લાંબા અંતરની મુસાફરી કરતા પ્રવાસીઓમાં ભારે આનંદની લાગણી છવાઈ ગઈ છે. નવા રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના કારણે અંતર અને સમય ઘટતા નિગમ દ્વારા આ ટિકિટ દરો સુધારવામાં આવ્યા છે, જેનો અમલ આગામી દિવસોમાં મુસાફરોને સીધો આર્થિક ફાયદો કરાવશે.