Last Updated on by Sampurna Samachar
મકાનમાં રહતી મહિલા ભાડુઆતે કરી ચોરી
પુત્રવધૂને કરિયાવરમાં દાગીના આપવા દાગીના ચોર્યાની કબુલાત
(સંપૂર્ણ સમાચાર સેવા)
સુરત શહેરના કતારગામ વિસ્તારમાં શિક્ષિકાના ઘરમાંથી અંદાજે રૂ. ૧૭.૭૭ લાખની કિંમતના ૧૫ તોલા સોનાના દાગીના ચોરી થવાની ઘટનાનો કતારગામ પોલીસે પર્દાફાશ કર્યો છે. ચોરીની આ ઘટનામાં કોઈ બહારનો ચોર નહીં, પરંતુ ઘરમાં ત્રણ મહિના પહેલાં ભાડે રહેવા આવેલી મહિલા જ સંડોવાયેલી હોવાનું બહાર આવ્યું છે. પોલીસે આરોપી મહિલા ઉષાબેન નીતિન ટાંકની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ, કતારગામ વિસ્તારમાં આવેલી કંટેશ્વર સોસાયટીમાં રહેતી શિલ્પાબેન અરવિંદ પદમાણી સ્થાનિક ગજેરા સ્કૂલમાં શિક્ષિકા તરીકે ફરજ બજાવે છે. તેમના પતિ સચિન વિસ્તારમાં કાપડનું કારખાનું ચલાવે છે, જ્યારે પુત્ર ધોરણ-૧૨માં અભ્યાસ કરે છે. પરિવાર દ્વારા મકાનના પ્રથમ અને બીજા માળ ભાડે અપાયેલા હતા.
ભાડુઆત રાખતા પહેલાં પોલીસ વેરિફિકેશન કરાવવા અપીલ
ગત ૨૧ એપ્રિલના રોજ પરિવાર રામકથા રોડ પર જેઠની પુત્રીના ચાંદલો કાર્યક્રમમાં જવા તૈયાર થઈ રહ્યો હતો. તે દરમિયાન શિલ્પાબેને કબાટ ખોલતાં અંદર રાખેલા દાગીના ગાયબ હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. તપાસ કરતાં અંદાજે રૂ. ૧૭.૭૭ લાખની કિંમતના ૧૫ તોલા સોનાના દાગીના ચોરી થયાનું બહાર આવ્યું હતું.
શિલ્પાબેનના જણાવ્યા અનુસાર છેલ્લે ૨૮ માર્ચના રોજ દાગીના કબાટમાં જોયા હતા. જોકે, ધ્યાન દોરવા બાબત એ હતી કે, મકાનનું કોઈ તાળું તૂટેલું નહોતું અને ઘરમાં જબરદસ્તી પ્રવેશના પણ કોઈ નિશાન પણ નહોતાં. જેના આધારે પોલીસને શરૂઆતથી જ કોઈ જાણભેદુ વ્યક્તિએ ચોરી કરી હોવાની શંકા ગઈ હતી.
ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને કતારગામ પોલીસે તપાસનો દોર આગળ વધાર્યો હતો. પોલીસે મકાનમાં રહેતા બંને ભાડુઆત પરિવારોની વિગતવાર પૂછપરછ શરૂ કરી હતી. તપાસ દરમિયાન બહાર આવ્યું કે બીજા માળે રહેતો પરિવાર છેલ્લા આઠ વર્ષથી ત્યાં રહેતો હતો, જ્યારે પહેલા માળે રહેતો ટાંક પરિવાર માત્ર ત્રણ મહિના પહેલાં જ રહેવા આવ્યો હતો.
પોલીસ દ્વારા બંને પરિવારના સભ્યોને પોલીસ મથકે બોલાવી પૂછપરછ કરવામાં આવી હતી. દરમિયાન પોલીસને ઉષાબેન નીતિન ટાંકના મોબાઇલ ફોનમાં શંકાસ્પદ બાબત મળી આવી હતી. પોલીસે તપાસ કરતાં જાણવા મળ્યું કે, ૩૦ માર્ચથી ૧ એપ્રિલ દરમિયાનનો મોબાઇલ ડેટા ડિલીટ કરવામાં આવ્યો હતો. આ બાબતને આધારે પોલીસની શંકા વધુ મજબૂત બની હતી. પોલીસે સખ્તાઈથી પૂછપરછ કરતાં ઉષાબેન આખરે ભાંગી પડી હતી અને સમગ્ર ચોરીની કબૂલાત કરી હતી.
આરોપી મહિલાએ જણાવ્યું હતું કે, શિલ્પાબેન અને તેમના પતિ રોજ કામ પર જતા હતા, જ્યારે તેમનો પુત્ર ટ્યૂશન ક્લાસ માટે બહાર જતો હતો. તે સમયે મુખ્ય દરવાજાને તાળું મારવામાં આવતું હતું, પરંતુ સીડી પાસે આવેલા એક રૂમને ક્યારેય તાળું મારવામાં આવતું નહોતું. આ તકનો લાભ લઈ તે અંદર પ્રવેશી ગઈ હતી અને કબાટમાંથી દાગીના ચોરી લીધા હતા. તેના બે પુત્રોમાંથી એક પુત્રના થોડા સમય પહેલાં જ લગ્ન થયા હતા. પુત્રવધૂને કરિયાવરમાં દાગીના આપવા માટે તેણે આ ચોરી કરી હોવાનું કબૂલ્યું હતું.
કતારગામ પોલીસે આરોપી મહિલા સામે ગુનો નોંધી તેની ધરપકડ કરી છે. સાથે જ ચોરાયેલા દાગીના ક્યાં છુપાવવામાં આવ્યા છે અને તેમાં અન્ય કોઈની સંડોવણી છે કે નહીં તે દિશામાં વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. આ સમગ્ર ઘટનાએ શહેરમાં ભાડુઆતોની ચકાસણી અને ઘર સુરક્ષા અંગે ફરી એકવાર પ્રશ્નો ઉભા કર્યા છે. પોલીસે નાગરિકોને ભાડુઆત રાખતા પહેલાં પોલીસ વેરિફિકેશન કરાવવા તેમજ કિંમતી ચીજવસ્તુઓ સુરક્ષિત સ્થળે રાખવાની અપીલ કરી છે.