Last Updated on by Sampurna Samachar
અનેક દુકાનો ધરાશાયી તો દુકાનોમાં આગ લાગી
બિલ્ડિંગના કર્મચારીઓ પર આડેધડ ગોળીબાર કર્યો
(સંપૂર્ણ સમાચાર સેવા)
પાકિસ્તાનના અશાંક બલૂચિસ્તાન (Balochistan) પ્રાંતના એક માર્કેટમાં ભયાનક વિસ્ફોટ થયાના સમાચાર સામે આવ્યા હતા. જેમાં ચાર લોકોના મોત અને ૨૦ લોકોને ઈજા થઈ છે. મીડિયા રિપોર્ટ મુજબ, અબ્દુલ્લા જિલ્લા સ્થિત જબ્બાર માર્કેટમાં વિસ્ફોટ થયો હતો, જેમાં અનેક બિલ્ડિંગોને પણ નુકસાન થયું છે. મળતા અહેવાલો મુજબ વિસ્ફોટના કારણે અહીં અનેક દુકાનો ધરાશાયી છે અને અનેક દુકાનોમાં આગ લાગી છે. આ દરમિયાન અજાણ્યા હુમલાખોરોએ ફાયરિંગ પણ કર્યું છે.
અબ્દુલ્લા જિલ્લાના નાયબ કમિશ્નર રિયાજ ખાને કહ્યું કે, ‘વિસ્ફોટમાં ચાર લોકોના મોત અને ૨૦ લોકો ઈજાગ્રસ્ત થયા છે. પાકિસ્તાનના ચાર અર્ધલશ્કરી દળોનું એક ફ્રન્ટિયર કોર બિલ્ડિંગ પાછળ જબ્બાર માર્કેટ સ્થિત ધડાકો થયો હતો.
હુમલાખોરોને શોધવા ઓપરેશન શરૂ
અજાણ્યા હુમલાખોરોએ બિલ્ડિંગના કર્મચારીઓ પર આડેધડ ગોળીબાર પણ કર્યો છે.’ વિસ્ફોટ અને ફાયરિંગની ઘટના બાદ અધિકારીઓએ આખા વિસ્તારને ખાલી કરાવી સીલ કરી દીધો છે અને અજાણ્યા હુમલાખોરોને શોધી કાઢવા માટે ઓપરેશન શરુ કરી દીધું છે.
ઉલ્લેખનીય છે કે, આ પહેલા બલૂચિસ્તાનના ખુજદાર જિલ્લાના નાલ વિસ્તારમાં ગોળીબારની ઘટના બની હતી. નાલ વિસ્તારમાં એક ચેક પોસ્ટને નિશાન બનાવી ફાયરિંગ કરાતાં ચાર કર્મચારીઓના મોત થયા હતા. બલૂચિસ્તામાં લગભગ બે દાયકાથી અશાંતિ ફેલાયેલી છે. અહીં અવારનવાર વિસ્ફોટો અને ગોળીબારની ઘટનાઓ બનતી રહે છે. તાજેતરમાં જ બલૂચ બળવાખોરોએ પાકિસ્તાનના સુરક્ષા દળોને નિશાન બનાવી ઘાતક હુમલા કર્યા હતા.