Last Updated on by Sampurna Samachar
રાજાની સુરક્ષામાં ઘટાડો કરવામાં આવ્યો
થોડાક સમયથી ફરીથી રાજાશાહી સ્થાપિત કરવાની માંગ ઉઠી
(સંપૂર્ણ સમાચાર સેવા)
નેપાળ (NEPAL) માં રાજાશાહીના સમર્થનમાં થયેલી હિંસા બાદ સરકારે મોટી કાર્યવાહી હાથ ધરી છે. ઓલી સરકારે પૂર્વ રાજા જ્ઞાનેન્દ્ર શાહને હિંસામાં થયેલા નુકસાનની ભરપાઈ કરવા આદેશ આપ્યો છે. તેમજ તેમની સુરક્ષામાં પણ ઘટાડો કર્યો છે.
સરકારે પૂર્વ રાજા જ્ઞાનેન્દ્ર શાહના સમર્થકો દ્વારા કરવામાં આવેલી હિંસા વિરૂદ્ધ કાર્યવાહી હાથ ધરતાં પૂર્વ રાજાની સુરક્ષામાં મૂકેલા ૨૫ સુરક્ષાકર્મીઓની સંખ્યા ઘટાડી ૧૬ કરી છે. તેમજ જૂના તમામ સુરક્ષાકર્મીઓને બદલી નાખવામાં આવ્યા છે. વધુમાં કાઠમાંડૂ નગર નિગમે પૂર્વ રાજા જ્ઞાનેન્દ્ર શાહને નુકસાનની ભરપાઈ કરવા નોટિસ પણ મોકલી છે. જેમાં પૂર્વ રાજા પાસે રૂ. ૭.૯૩ લાખ નેપાળી રૂપિયા (રૂ. ૫ લાખ) ચૂકવવા આદેશ કરાયો છે.
અનેક ઘર, ઈમારતો અને દુકાનોને આગ ચાંપી દેવાઇ
કાઠમાંડૂના તિનકૂને વિસ્તારમાં રાજાશાહી સમર્થક રેલી શરૂ થઈ હતી. આ રેલી સંસદ ભવન નજીક પહોંચવાનો પ્રયાસ કરી રહી હતી. ૨૦૦૮માં સમાપ્ત કરવામાં આવેલા રાજતંત્રને ફરીથી લાગુ કરવાની માંગ સાથે નીકળેલી આ રેલી અચાનક હિંસક બની હતી. સમર્થકોએ અનેક ઘર, ઈમારતો અને દુકાનોને આગ ચાંપી હતી.
આ હિંસામાં બે લોકોના મોત નીપજ્યા હતા. જ્યારે ૧૫ થી વધુ લોકો ઘાયલ થયા હતા. પોલીસ અને સરકાર આક્રમક રીતે તપાસ કાર્યવાહી કરી રહી છે. પોલીસે અત્યારસુધીમાં ૧૩૦ લોકોની ધરપકડ કરી લીધી છે.
નેપાળના ગૃહ મંત્રાલયે આ સમગ્ર ઘટના માટે પૂર્વ રાજા જ્ઞાનેન્દ્ર શાહ અને તેમની તરફથી આંદોલનનું નેતૃત્વ કરી રહેલા દુર્ગા પ્રસાઈને જવાબદાર ઠેરવ્યા છે. નેપાળે ૨૦૦૮માં સંસદ દ્વારા રાજાશાહી સમાપ્ત કરી હતી. ત્યારબાદ નેપાળ ધર્મનિરપેક્ષ, લોકતાંત્રિક દેશ બન્યો હતો. જોકે, છેલ્લા થોડા સમયથી ફરીથી રાજાશાહી સ્થાપિત કરવાની માંગ ઉઠી છે. ૧૯ ફેબ્રુઆરી, ૨૦૨૫ના રોજ લોકતંત્ર દિવસ પર્વે નિમિત્તે પૂર્વ રાજાએ પ્રજા પાસે રાજાશાહીને સમર્થન આપવાની અપીલ કરી હતી.
રાજાશાહી સમર્થક રાષ્ટ્રીય પ્રજાતંત્ર પાર્ટીના વિરોધ બાદ ધરપકડ કરવામાં આવેલા બે નેતાઓ ધવલ શમશેર રાણા અને રવિન્દ્ર મિશ્રાની મુક્તિની માંગ કરવામાં આવી હતી. પાર્ટીએ ધમકી આપી છે કે, જો ૨૪ કલાકમાં બંને નેતાઓને મુક્ત કરવામાં નહીં આવે તો તેઓ રસ્તા પર ઉતરી જશે. તેમજ વિરોધ પ્રદર્શન દરમિયાન જે ઘટના બનશે તેના માટે સરકાર જવાબદાર રહેશે.