Last Updated on by Sampurna Samachar
૧૦૦ હેક્ટર વિસ્તાર આગની ઝપેટમાં આવી ગયા
અંદાજિત ૮૦ ટકા આગ પર કાબૂ મેળવી લેવાયો
(સંપૂર્ણ સમાચાર સેવા)
ગરમીની શરૂઆત સાથે જ આગ લાગવાની ઘટનાઓ આવવાની શરૂ થઈ ગઈ છે. રાજસ્થાનના માઉન્ટ આબુના જંગલોમાં ભીષણ આગ લાગી હોવાના સમાચાર મળ્યા હતા. જેના પર ૨૫ કલાક બાદ પણ કાબૂ મેળવી શકાયો નથી. જ્યાં વન વિભાગ અને એરફોર્સ સહિતની ટીમો કામે લાગેલી છે તો બીજી તરફ ગુજરાતમાં ભાવનગર જિલ્લાના પાલિતાણામાં હસ્તગિરી ડુંગર પર પણ વિકરાળ આગ લાગી હતી. તો આ સિવાય અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકા વિસ્તારમાં આવેલા ઢેકૂડી ગામ નજીક જંગલમાં ભીષણ આગ લાગી હતી.
રાજસ્થાનના સિરોહી જિલ્લામાં માઉન્ટ આબૂ (MOUNT ABU) ના છીપાવેરી નજીક ગાઢ જંગલમાં આગ લાગવાની માહિતી મળતા વન વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસ શરૂ કર્યા હતા. જણાવી દઈએ કે, ૧૦૦ હેક્ટર વિસ્તાર આગની ઝપેટમાં આવ્યો છે. માઉન્ટ આબુના જંગલોમાં ૮૦૦થી વધુ પ્રજાતિના ઔષધીય છોડ, ૨૫૦ પ્રજાતિના પક્ષીઓ, દીપડા અને ૩૦૦ જેટલા રીંછ સહિત વિવિધ પ્રકારના જંગલી પ્રાણીઓનું ઘર છે.
મોટી સંખ્યામાં વૃક્ષો બળીને રાખ થઈ ગયા
આગ પર કાબૂ મેળવવામાં સૌથી મોટી મુશ્કેલી ભારે પવન હતો. હવાના કારણે આગ ઝડપથી ફેલાઈ રહી હતી, જેનાથી વન વિભાગના પ્રયાસોને સફળતા નહોતી મળી રહી. જેના કારણે આગ ધીરે-ધીરે વધતી ગઈ અને રાત થતા-થતા તેણે વિકરાળ રૂપ લઈ લીધું. આગે જંગલના એક મોટા ભાગમાં વન સંપદાને ભારે નુકસાન પહોંચાડ્યું છે.
એરફોર્સના જવાન અને એર સ્ટેશનથી ફાયર બ્રિગેડ પણ ત્યાં પહોંચી અને મહામહેનત બાદ રોડ સુધી પહોંચી ચૂકેલી આગ પર કાબૂ મેળવ્યો હતો. આ રેસ્ક્યૂ મિશનમાં રોડની પાસે લાગેલી આગ પર તો કાબૂ મેળવી લેવાયો, પરંતુ જંગલમાં લાગેલી આગ પર કાબૂ મેળવવો મુશ્કેલ હતો. આખી રાત વન વિભાગના ૨૦ કર્મચારીઓ અને ૬૦ થી વધુ શ્રમિકો જંગલમાં લાગેલી આગ પર કાબૂ મેળવવાના પ્રયાસ કરતા રહ્યા. સવાર સુધી અડધાથી વધુ વિસ્તારમાં આગ પર કાબૂ મેળવી લેવાયો હતો.
રેન્જર ગજેન્દ્ર સિંહે જણાવ્યું કે, બપોરે લાગેલી આગે રાત્રે ભયંકર રૂપ લઈ લીધું હતું. જંગલની આગ બુઝાવવા માટે પારંપરિક રીતે જ અપનાવી શકાય છે. રોડ કિનારે જ્યારે આગ લાગી તો નગર નિગમની ફાયર વિભાગ, એરફોર્સ, CRPF અને સેનાના જવાન પણ પહોંચ્યા અને મદદ કરી. રાત્રે જ વન વિભાગે આગ વાળા જંગલમાં રેસ્ક્યૂ ઓપરેશન ચલાવ્યું અને અંદાજિત ૮૦ ટકા આગ પર કાબૂ મેળવી લેવાયો છે.
વન વિભાગના રેન્જર ભરત સિંહ દેવડા પોતાની ટીમ સાથે ઘટના સ્થળે હાજર રહ્યા. તેમણે વધુમાં જણાવ્યું કે, આગ પર કાબૂ મેળવવા માટે વન વિભાગના ૮ કર્મચારીઓ અને ૩૦ શ્રમિકો દિવસ રાત મહેનત કરતા રહ્યા. આગ કયા કારણે લાગી તેની પણ તપાસ કરાઈ રહી છે. આગના કારણો જમીન પર રહેતા જાનવરોને ખુબ નુકસાન થયું છે અને મોટી સંખ્યામાં વૃક્ષો બળીને રાખ થઈ ગયા છે. લગભગ ૧૫ સભ્યોની ટીમે દેસી રીતે આગ ઓલવવાનો પ્રયાસ કર્યો. જોકે, ભારે પવનના કારણે આગ સતત વધતી જઈ રહી છે.
આગે જંગલના એક મોટા ભાગને પોતાની ઝપેટમાં લઈ લીધો છે અને વન સંપદાને ભારે નુકસાન પહોંચાડ્યું છે. વન વિભાગ અને ફાયર વિભાગની ટીમો આગ પર કાબૂ મેળવવા માટે સતત પ્રયાસ કરી રહ્યા છે. હજુ સુધી સંપૂર્ણ રીતે આગ પર કાબૂ મેળવી શકાયો નથી.