Last Updated on by Sampurna Samachar
ઇઝરાયલે આશરે ૧૦૦ ઠેકાણા પર ઈરાનની અંદર એટેક કર્યો
એરસ્પેસ બંધ થતાં ફલાઇટ ડાયવર્ટ કરાઇ
(સંપૂર્ણ સમાચાર સેવા)
ઇઝરાયલના હુમલામાં ઈરાનને મોટું નુકસાન થયું છે. ઈરાનના આર્મી ચીફ મહોમ્મદ ઘાવેરીનું મૃત્યુ થયું છે. વળી, એલિટ ફોર્સ કહેવાતા ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડના લીડર હુસૈન સલામીનું પણ મૃત્યુ થયું છે. એટલું જ નહીં આ હુમલામાં ઈરાનના ટોચના નેતા અયાતુલ્લાહ અલી ખામેનેઈના નજીકના સલાહકાર પણ ઈજાગ્રસ્ત થયા છે.
ઈરાનના સરકારી ટેલિવિઝને પોતાના રિપોર્ટમાં આ વાતની પુષ્ટિ કરી છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ટોચના નેતાના સલાહકાર અલી શમખાની પણ યહૂદી એટેકમાં ઈજાગ્રસ્ત થયા હતા. આ દરમિયાન ઇઝરાયલ અને ઈરાન વચ્ચે શરુ થયેલી આ લડાઈ મહાયુદ્ધમાં પરિણમે તેવી આશંકા છે.
હજુ તો આ શરૂઆત : ઇઝરાયલ
એક તરફ ઇઝરાયલના જવાબમાં ઈરાને ૧૦૦ ડ્રોન્સથી વળતો જવાબ આપવાનો પ્રયાસ કર્યો હતો. વળી, ઇઝરાયલનું કહેવું છે કે, હજુ તો આ શરુઆત છે. આ દરમિયાન મિડલ ઈસ્ટના દેશોએ પોતાના એરસ્પેસને બંધ કરી દીધા છે, જેના કારણે કોઈ યાત્રી વિમાન ઈરાન અને ઇઝરાયલના હુમલાનો શિકાર ન બને.
ઈરાન અને ઇઝરાયલના પાડોશી દેશો ઈરાક, લેબેનોન, સીરિયા અને જૉર્ડને પોતાના એરસ્પેસ હાલ બંધ કરી દીધા છે. જેના કારણે અનેક દેશોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ઈરાનનું એરસ્પેસ બંધ થવાથી ભારતની તમામ ઉડાનને દિલ્હી અથવા મુંબઈ પરત ફરવું પડ્યું હતું. આ સિવાય વિદેશથી આવી રહેલી ફ્લાઇટને પણ ડાયવર્ટ કરવામાં આવી રહી છે.
ઇઝરાયલે આવનારી સૂચના સુધી પોતાના દેશમાં વિમાનનું સંચાલન રોકી દીધું છે. ઈરાને તેહરાનના પોતાના મુખ્ય ઍરપોર્ટને પણ બંધ કરી દીધું છે. માનવામાં આવી રહ્યું છે કે, બંને દેશો વચ્ચે યુદ્ધ હજુ વધી શકે છે. ઇઝરાયલનું કહેવું છે કે, હજુ પણ ઈરાનના પરમાણુ ઠેકાણા પર હુમલા કરવામાં આવશે. ઈરાન પાસે પરમાણુ હથિયાર હોય તે સ્વીકાર નહીં લેવાય. જોકે, ડોનાલ્ડ ટ્રમ્પે પણ આ જ વાતનું પુનરાવર્તન કર્યું હતું અને તેમણે ઇઝરાયલની સુરક્ષા માટે તૈયાર રહેવાની વાત કહી હતી. આ પ્રકારે નેતન્યાહૂથી લઈને ટ્રમ્પ સુધીના વલણથી મહાયુદ્ધનું જોખમ વધ્યું છે.
નોંધનીય છે કે, ઇઝરાયલે આશરે ૧૦૦ ઠેકાણા પર ઈરાનની અંદર એટેક કર્યો છે. આ હુમલા બાદથી દુનિયાભરમાં અટકળો તેજ થઈ છે. વૈશ્વિક બજાર પર પણ તેની અસર જોવા મળ્યો છે. કાચા તેલના ભાવમાં વધારો થયો છે તેમજ એરલાઇન કંપનીના શેર તૂટવા લાગ્યા છે.