Last Updated on by Sampurna Samachar
મમતા-ઉદ્ધવ ઠાકરે બાદ કેજરીવાલ હવે ટેન્શનમાં
૬ સાંસદોએ લોકસભા સ્પીકર ઓમ બિરલાની મુલાકાત લીધી
(સંપૂર્ણ સમાચાર સેવા)
મહારાષ્ટ્રની રાજનીતિમાં ચાલી રહેલી ઉથલપાથલ વચ્ચે હવે રાષ્ટ્રીય સ્તરે એક મોટા રાજકીય ભૂકંપના સંકેતો મળી રહ્યા છે. શિવસેના UBT ના સાંસદોમાં ભંગાણના અહેવાલો વચ્ચે હવે આમ આદમી પાર્ટી અને અખિલેશ યાદવની સમાજવાદી પાર્ટીમાં પણ મોટી તૂટ થવાના દાવા કરવામાં આવી રહ્યા છે.

કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલે અને ઉત્તર પ્રદેશના ડેપ્યુટી સીએમ કેશવપ્રસાદ મૌર્યના નિવેદનોએ દેશના રાજકારણમાં ગરમાવો લાવી દીધો છે. મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરેને વધુ એક મોટો ઝટકો લાગવા જઈ રહ્યો છે. શિવસેના UBT ના ૯ લોકસભા સાંસદોમાંથી ૬ બાગી સાંસદોએ લોકસભા સ્પીકર ઓમ બિરલાની મુલાકાત લીધી છે. આ બાગી જૂથે દાવો કર્યો છે કે તેમની પાસે બહુમતી છે અને તેઓ મુખ્યમંત્રી એકનાથ શિંદેની શિવસેના સાથે જોડાણ કરવા અથવા અલગ જૂથ તરીકે માન્યતા મેળવવા માટે ઔપચારિક બેઠક કરી શકે છે.
મોટી સંખ્યામાં સપા સાંસદો પાર્ટી છોડવા આતુર
બીજી તરફ, ઉદ્ધવ જૂથના અરવિંદ સાવંત, અનિલ દેસાઈ અને સંજય રાઉતે સ્પીકરને મળીને કાયદા અને બંધારણ મુજબ જ ર્નિણય લેવાની અપીલ કરી છે. કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલેએ ઉદ્ધવ ઠાકરે પર કટાક્ષ કરતા જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૧૯માં ઉદ્ધવ ઠાકરેએ મોટી ભૂલ કરી હતી. જો તેમણે દેવેન્દ્ર ફડણવીસને મુખ્યમંત્રી તરીકે સમર્થન આપ્યું હોત અને પોતે ડેપ્યુટી સીએમ બન્યા હોત, તો આજે તેમના ધારાસભ્યો અને સાંસદોને સાચવવાની આ નોબત ન આવી હોત. આઠવલેએ દાવો કર્યો છે કે ૬ સાંસદો શિંદે જૂથ સાથે જોડાવાથી મહારાષ્ટ્રમાં NDA અને મહાયુતિની તાકાત ખૂબ વધી ગઈ છે.
રામદાસ આઠવલેએ માત્ર મહારાષ્ટ્ર જ નહીં, પણ રાષ્ટ્રીય સ્તરે વિપક્ષી ગઠબંધનને મોટો ઝટકો આપતો દાવો કર્યો છે. તેમણે કહ્યું કે, પશ્ચિમ બંગાળમાં મમતા બેનરજીની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસના ઘણા સાંસદો NDA સાથે આવવા તૈયાર છે. આ સિવાય આમ આદમી પાર્ટીના લોકસભા સાંસદો પણ દ્ગડ્ઢછને સમર્થન આપી શકે છે.
હાલમાં લોકસભામાં આપના ત્રણ સાંસદો છે. આઠવલેના મતે, આ ફેરબદલથી મોદી સરકાર પાસે મહિલા અનામત સાથે જોડાયેલા સીમાંકન બિલ (નારી શક્તિ વંદન અધિનિયમ)ને પસાર કરવા માટે બે-તૃતીયાંશ બહુમતી થઈ જશે.
બીજી તરફ ઉત્તર પ્રદેશની રાજનીતિમાં પણ ગરમાવો આવી ગયો છે. યુપી સરકારના મંત્રી ઓમ પ્રકાશ રાજભરે દાવો કર્યો છે કે અખિલેશ યાદવની સમાજવાદી પાર્ટીમાં બહુ જલ્દી મોટું ભંગાણ થવાનું છે અને ઘણા સપા નેતાઓ ભાજપમાં જોડાવા માટે તૈયાર બેઠા છે. યુપીના ડેપ્યુટી સીએમ કેશવપ્રસાદ મૌર્યએ પણ આ વાતને સમર્થન આપતા કહ્યું કે મોટી સંખ્યામાં સપા સાંસદો પાર્ટી છોડવા આતુર છે. જોકે, સમાજવાદી પાર્ટીએ આ તમામ દાવાઓને સદંતર ફગાવી દીધા છે.