Last Updated on by Sampurna Samachar
નર્મદા મેઈન કેનાલમાંથી ૧૫,૦૦૦ ક્યુસેકથી વધુ પાણી છોડાયું
છેવાડાની ગામોના ખેતરો સુધી પાણી પહોંચશે
(સંપૂર્ણ સમાચાર સેવા)
ગુજરાતના ખેડૂતો લાંબા સમયથી પોતાના ઉનાળુ પાકને બચાવવા માટે નર્મદા નહેરમાંથી સિંચાઈનું પાણી છોડવાની માંગ કરી રહ્યા હતા. રાજ્યના અનેક વિસ્તારોમાં કાળઝાળ ગરમી વચ્ચે ઊભા પાકને પાણીની તાતી જરૂરિયાત ઊભી થઈ હતી. આ ગંભીર પરિસ્થિતિને ધ્યાને રાખીને રાજ્યના કેટલાય ધારાસભ્યો અને સાંસદોએ મુખ્યમંત્રી સમક્ષ સંયુક્ત રજૂઆતો કરી હતી.

જનતા અને ખેડૂતોની આ વેદનાને સમજીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર ખાતે નર્મદા નિગમ અને પાણી પુરવઠા વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે તાકીદની બેઠક યોજી હતી અને આયોજન કરતાં કેનાલમાં પાણી છોડવાના કડક આદેશો આપ્યા હતા.
ખેડૂતોને આર્થિક નુકસાન વેઠવાનો વારો નહીં આવે
ચોમાસાની શરૂઆત પહેલા જ સરદાર સરોવર ડેમની સ્થિતિ અત્યંત મજબૂત અને સંતોષજનક જોવા મળી રહી છે, જે ખરા અર્થમાં ગુજરાતની જીવાદોરી સાબિત થઈ રહી છે. હાલ નર્મદા ડેમની જળ સપાટી ૧૨૭.૬૪ મીટર પર પહોંચી ગઈ છે, જે સિંચાઈ અને પીવાના પાણીની આગામી મહિનાઓની જરૂરિયાતો પૂરી કરવા માટે પૂરતી છે. આ સિવાય, ડેમના ઉપરવાસમાંથી પણ સતત ૫,૪૯૧ ક્યુસેક પાણીની આવક નોંધાઈ રહી છે. આ સાનુકૂળ સ્થિતિના કારણે નર્મદા નિગમે નર્મદા મેઈન કેનાલમાં ૧૫,૦૦૦ ક્યુસેક કરતાં પણ વધુ પાણી છોડવાનું શરૂ કર્યું છે.
સરકારના આ ત્વરિત એક્શનના કારણે નર્મદાના નીર માત્ર મધ્ય કે ઉત્તર ગુજરાત જ નહીં, પરંતુ કચ્છના છેવાડાના ગામડાઓ સુધી સફળતાપૂર્વક પહોંચાડવામાં આવ્યા છે. કેનાલોમાં પાણી આવતા જ સૂકાભઠ્ઠ વિસ્તારોમાં પીવાના પાણીની તંગીનો સામનો કરી રહેલા લોકોને મોટી રાહત મળી છે. કૃષિ નિષ્ણાતોના મતે, આ યોગ્ય સમયે મળેલા પાણીના કારણે કપાસ, મગફળી અને અન્ય ઉનાળુ પાકને જીવનદાન મળશે અને ખેડૂતોને આર્થિક નુકસાન વેઠવાનો વારો નહીં આવે.