Last Updated on by Sampurna Samachar
સનાના ઘરે આવેલા મહેમાને હત્યા કરી હોવાની માહિતી
પોલીસે વિવિધ દિશામાં તપાસ હાથ ધરી
(સંપૂર્ણ સમાચાર સેવા)
પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં એક દુ:ખદ ઘટના સામે આવી છે. ઇસ્લામાબાદમાં પ્રખ્યાત ટિકટોકર સના યુસુફ (Sana Yousuf) ની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. આ ઘટના ઇસ્લામાબાદના સેક્ટર G -૧૩ સ્થિત તેના નિવાસસ્થાને બની હતી, જે સુમ્બલ પોલીસ સ્ટેશનના અધિકારક્ષેત્ર હેઠળ આવે છે.
પોલીસના જણાવ્યા અનુસાર, મૂળ અપર ચિત્રાલની રહેવાસી સના યુસુફને તેના ઘરે મળવા આવેલા એક મહેમાન દ્વારા ગોળી મારી દેવામાં આવી હતી. ઘટના બાદ, આરોપી ઘટનાસ્થળેથી ભાગી ગયો હતો. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી અને આરોપીની શોધ શરૂ કરી છે.
દુશ્મનાવટ યા વિવાદનુ કારણ હોવાની સંભાવના
સના યુસુફના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે પાકિસ્તાન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (PIMS) મોકલવામાં આવ્યો છે. પ્રારંભિક તપાસમાં હત્યા પાછળનો હેતુ શું હતો તે સ્પષ્ટ થયું નથી. પોલીસ વિવિધ ખૂણાથી કેસની તપાસ કરી રહી છે, જેમાં પરસ્પર દુશ્મનાવટ, વ્યક્તિગત વિવાદ અથવા અન્ય કોઈ કારણ શામેલ હોઈ શકે છે.
હાલમાં, પોલીસે FIR નોંધી છે અને શંકાસ્પદ વ્યક્તિને ઓળખવા અને ધરપકડ કરવા માટે વિવિધ ટીમો બનાવવામાં આવી છે. આ ઘટના બાદ વિસ્તારમાં સનસનાટી ફેલાઈ ગઈ છે અને પાકિસ્તાનમાં લોકો સોશિયલ મીડિયા પર આ હત્યા વિશે વાત કરી રહ્યા છે.