Last Updated on by Sampurna Samachar
ખાતર તદ્દન બનાવટી, નકલી અને પાકને નુકસાન કરે તેવું ભેળસેળયુક્ત
કૃષિ વિભાગના પરીક્ષણમાં પોલ ખુલી
(સંપૂર્ણ સમાચાર સેવા)
આણંદ જિલ્લામાંથી ખેડૂતોને નકલી ખાતર સસ્તા ભાવે પધરાવતા કૌભાંડનો પર્દાફાશ થયો છે. આણંદ SOG પોલીસની ટીમે વડોદ ગામની સીમમાં સચોટ બાતમીના આધારે દરોડા પાડીને ફેક્ટરી અને ગોડાઉનમાંથી નકલી ખાતર બનાવવાનું આખું નેટવર્ક પકડી પાડવામાં મોટી સફળતા મેળવી છે.

ઘટનાની વિગત એવી છે કે, વડોદ ગામ પાસે શંકાસ્પદ રીતે ખાતરનું રી-પેકિંગ અને કેમિકલ ભેળવવાનું કામ ચાલતું હોવાની બાતમી એસઓજીને મળી હતી. પોલીસે રેડ પાડીને ઘટનાસ્થળેથી મોટા જથ્થામાં ખાતર ભરેલી ગુણો મેળવી હતી.
ફરાર આરોપીઓની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા
આ અંગે તાત્કાલિક આણંદ જિલ્લા કૃષિ વિભાગના અધિકારીઓને જાણ કરવામાં આવી હતી. કૃષિ વિભાગની ટીમે સ્થળ પર આવીને ખાતરના નમૂના લઈને લેબોરેટરીમાં પરીક્ષણ અર્થે મોકલ્યા હતા. આ પરીક્ષણના રિપોર્ટમાં આંચકો આપનારો ખુલાસો થયો હતો કે, સ્થળ પરથી મળી આવેલું ખાતર તદ્દન બનાવટી, નકલી અને પાકને નુકસાન કરે તેવું ભેળસેળયુક્ત છે.
રિપોર્ટ પોઝિટિવ આવતા જ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે ગોડાઉનમાંથી નકલી ખાતરની કુલ ૩,૪૫૪ બેગ, ખાતર મિક્સ કરવાનું મશીન, સિલાઈ મશીન અને નકલી ખાતરના પરિવહન માટે રાખવામાં આવેલી ટ્રક સહિત કુલ ૧૮ લાખથી વધુની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
પોલીસે ઘટનાસ્થળેથી ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સંડોવાયેલા ભાવનગરના રઘુવીર મનસુખ સોલંકી નામના શખ્સની ધરપકડ કરી લીધી છે. પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે, આ ટોળકી નિર્દોષ ખેડૂતોને બજાર ભાવ કરતાં સસ્તા ભાવે ખાતર આપીને છેતરતી હતી. આ નેટવર્ક પાછળ મુખ્ય સૂત્રધાર કોણ છે અને આ નકલી ખાતર કયા કયા ડેપો કે ગામોમાં સપ્લાય કરવામાં આવ્યું છે, તેની તપાસ માટે પોલીસે રિમાન્ડ મેળવવાની તજવીજ શરૂ કરી છે અને અન્ય ફરાર આરોપીઓની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા છે.