Last Updated on by Sampurna Samachar
નાસા જેવી સ્પેસ એજન્સીની ઓફિસની સ્થિતિ જુઓ …
ડોનાલ્ડ ટ્રમ્પ અને ઈલોન મસ્કે અનેક ફેરફાર કર્યા
(સંપૂર્ણ સમાચાર સેવા)
ડોનાલ્ડ ટ્રમ્પના પ્રમુખ બન્યા પછી અમેરિકામાં સૌથી વધારે કોઈ પરેશાન છે તો તે છે સરકારી કર્મચારીઓ. એક બાજુ છટણી અને બીજી બાજુ ખર્ચમાં ઘટાડાને કારણે સરકારી અને કરાર આધારિત કર્મચારીઓની મુશ્કેલીઓ વધી ગઈ છે.
ડોનાલ્ડ ટ્રમ્પના સહયોગી ઈલોન મસ્કે ડિપાર્ટમેન્ટ ઑફ ગવર્મેન્ટ એફિસિએન્સીનો કાર્યભાર સંભાળ્યા પછી મુશ્કેલી વધી ગઈ છે. અમેરિકાની સરકારે વર્ક ફ્રોમ હોમ છોડીને ઓફિસ આવવાનો આદેશ આપ્યો છે. ૨૦૨૦માં કોવિડ-૧૯ પછી લાખો કર્મચારીઓ વર્ક ફ્રોમ કરી રહ્યાં હતાં. જ્યારે લોકો ઓફિસ પહોંચ્યા તો જાણ થઈ કે ત્યાં ટોઇલેટ પેપર પણ નથી. ઓફિસમાં વંદાઓએ કબજો જમાવી લીધો છે. કામ કરવા માટે ટેબલ પણ નથી. આ સ્થિતિ સામાન્ય ઓફિસની નથી પણ નાસા જેવી સ્પેસ એજન્સીની ઓફિસની છે.
મોટા પાયે છટણી માટેની તલવાર લટકી
નાસાના ૮ હજાર કર્મચારીઓને ઓફિસ બોલાવવામાં આવ્યા છે. સરકારી કર્મચારીઓને નવા પ્રકારે કામે લગાડવા માટે ડોનાલ્ડ ટ્રમ્પ અને ઈલોન મસ્કે અનેક ફેરફાર કર્યા છે. આંકડા પર નજર રાખવામાં આવે તો એક લાખ કર્મચારીઓએ સ્વેચ્છાએ નોકરી છોડી દીધી છે. તેના બદલામાં તેમણે વળતર લઈ લીધું છે.
બીજી બાજુ મોટા પાયે છટણી માટેની તલવાર લટકી રહી છે. ડોનાલ્ડ ટ્રમ્પે વોઇસ ઑફ અમેરિકામાં મોટા પાયે છટણી કરી છે અને અનેક ચેનલ બંધ કરી દીધા છે. ઈલોન મસ્કનું માનવું છે કે, વિદેશમાં અમેરિકાના ખર્ચ પર પ્રસારણ કરી ફક્ત લોકોના ટેક્સના નાણાં વેડફવામાં આવી રહ્યાં છે. જેના કારણે એડિટર્સને રજા પર મોકલી દેવામાં આવ્યા છે અને અનેક ચેનલો પર સમાચારોનું સ્થાન સંગીતે લઈ લીધું છે.