Last Updated on by Sampurna Samachar
અટલાદરામાં યુવકની આત્મહત્યાથી ખળભળાટ
પોલીસના ત્રાસ અને જાહેરમાં કરવામાં આવેલી મારપીટના કારણે દિલીપ ડિપ્રેશનમાં હતો, જેને પગલે તેણે આ અંતિમ પગલું ભર્યું છે.
(સંપૂર્ણ સમાચાર સેવા)
વડોદરાના અટલાદરા વિસ્તારમાં દિલીપ વસાવા નામના યુવકે મકાન પરથી છલાંગ લગાવી આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ છે. જો કે, આ આત્મહત્યાના મામલે હવે નવો વળાંક આવ્યો છે. મૃતક યુવકના પરિવારજનોએ પોલીસ કર્મચારીઓ પર ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું છે કે, પોલીસના ત્રાસ અને જાહેરમાં કરવામાં આવેલી મારપીટના કારણે દિલીપ ડિપ્રેશનમાં હતો, જેને પગલે તેણે આ અંતિમ પગલું ભર્યું છે.

પરિવારના સભ્યોએ આક્ષેપ કર્યો છે કે, થોડા સમય પહેલા પોલીસ કર્મચારીઓએ દિલીપ વસાવાને જાહેરમાં માર માર્યો હતો અને અપમાનિત કર્યો હતો. આ ઘટના બાદ દિલીપ માનસિક રીતે ભાંગી પડ્યો હતો અને સતત ડિપ્રેશનમાં રહેતો હતો. અંતે આ માનસિક તાણ સહન ન થતા તેણે પોતાના મકાન પરથી પડતું મૂકીને જીવન ટૂંકાવી દીધું હતું.દિલીપના મોત બાદ વિવાદ ઉગ્ર બન્યો છે. ન્યાયની માગ સાથે પરિવારજનોએ પોલીસ ભવન ખાતે લેખિતમાં અરજી આપી છે.
તેમની મુખ્ય માગ છે કે આ ઘટનામાં સંડોવાયેલા અને મારપીટ કરનારા પોલીસ કર્મચારીઓને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવે અને તેમની સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. હાલ પોલીસે આ મામલે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.