Last Updated on by Sampurna Samachar
ઘટનાને પગલે સ્થાનિકોમાં રોષ
૨ વાછરડી, ૫ ગાયો અને ૧ પાડી સહિત કુલ ૮ પશુઓ શ્વાનનો શિકાર
(સંપૂર્ણ સમાચાર સેવા)
સુપ્રીમ કોર્ટ દ્વારા વારંવાર ટકોર કરવામાં આવી હોવા છતાં રખડતાં શ્વાનોને કાબૂમાં લેવા માટે ન તો સ્થાનિક તંત્ર ગંભીરતા દાખવી રહ્યું છે અને ન તો સરકાર તરફથી અસરકારક પગલાં લેવામાં આવી રહ્યા છે. પરિણામે સામાન્ય નાગરિકો રોજબરોજ રખડતાં શ્વાનોના આતંકનો ભોગ બની રહ્યા છે. શ્વાનોના વધતા હુમલાઓથી લોકોમાં ભય અને અસુરક્ષાની લાગણી ફેલાઈ રહી છે, છતાં જવાબદાર તંત્ર મૌન ધારણ કરી બેઠું હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે.

અમરેલી જિલ્લાના મોટા લીલીયા ગામે હાલ રખડતાં શ્વાનોએ ભયનો માહોલ ઊભો કર્યો છે. ગામના મફત પ્લોટ તેમજ સાંઇનાથ પ્લોટ વિસ્તારમાં શ્વાનો બેફામ બની લોકોને અને પશુઓને નિશાન બનાવી રહ્યા છે. તાજેતરમાં એક બાળક સહિત કુલ ૬ લોકોને શ્વાને બચકાં ભરી ઈજાગ્રસ્ત બનાવ્યા છે, જેના કારણે તમામ ઘાયલોને લીલીયા સિવિલ હોસ્પિટલમાં સારવાર અને રેબીઝની રસી લેવા માટે મજબૂર બનવું પડ્યું છે.
આ ઘટનાએ ગામમાં ચિંતા અને રોષ બંને વધાર્યા છે.
માનવો ઉપરાંત પશુઓ પણ શ્વાનોના હુમલાથી બચી શક્યા નથી. રખડતાં શ્વાનોએ ૨ વાછરડી, ૫ ગાયો અને ૧ પાડી સહિત કુલ ૮ પશુઓને પણ કરડી લીધા છે. અતિશય ત્રાસ અને સતત ફરિયાદો હોવા છતાં હજુ સુધી તંત્ર દ્વારા શ્વાન પકડવાની કે નિયંત્રણમાં લેવાની કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. જો સમયસર પગલાં લેવામાં નહીં આવે તો વધુ લોકો અને પશુઓ આ આતંકના ભોગ બનશે તેવી ભીતિ સેવાઈ રહી છે. ગ્રામજનોએ તંત્ર અને સરકાર પાસે તાત્કાલિક અને કડક પગલાં લેવાની માંગ ઉઠાવી છે.