Last Updated on by Sampurna Samachar
ચીને દક્ષિણ કોરિયા અને જાપાન સાથે હાથ મિલાવ્યો
૨૦૨૩-૨૪માં બંને દેશો વચ્ચે ૧૦૧.૭ અબજ ડોલરનો વેપાર થયો હતો
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની આકરી ટેરિફ નીતિના કારણે હવે ચીન ભારત સાથે વેપાર સબંધો સુધારવાના પ્રયાસ કરી રહ્યુ છે. બેઈજિંગના એમ્બેસેડરે દાવો કર્યો છે કે, ચીન વેપારને સંતુલિત કરવા અમેરિકાના સ્થાને ભારત પાસેથી વધુ ચીજોની આયાત કરશે. ચીને જાપાન અને દક્ષિણ કોરિયા સાથે મળી અમેરિકા (AMERICA) ના ટેરિફનો જવાબ આપવાની તૈયારી પણ કરી છે.
અમેરિકા દ્વારા ટેરિફની જાહેરાતના પગલે અમે ભારત સાથે વેપાર અને અન્ય ક્ષેત્રોમાં સંબંધોને વધુ મજબૂત બનાવવા તેમજ સહકાર સ્થાપિત કરવા પ્રયાસો કરી રહ્યા છીએ. ચીનના બજારમાં ભારતીય પ્રોડક્ટ્સની વધુને વધુ આયાત કરવામાં આવશે. ભારત અને ચીન વચ્ચેના સંબંધો ભલે કડવાશભર્યા હોય પરંતુ દ્વિપક્ષીય વેપાર સંબંધો મજબૂત છે.
વિશ્વભરમાં ટ્રેડ વોર સર્જાવાની ભીતિ
દેશના વેપાર મંત્રાલયના ડેટા અનુસાર, ૨૦૨૩-૨૪માં બંને દેશો વચ્ચે ૧૦૧.૭ અબજ ડોલરનો વેપાર થયો હતો. ભારતે પેટ્રોલિયમ ઓઈલ, આયર્ન ઓર, મરિન પ્રોડક્ટ્સ, અને વેજિટેબલ ઓઈલ સહિતની મુખ્ય આયાત જ કુલ ૧૬.૬ અબજ ડોલરની નોંધાઈ હતી.
ટ્રમ્પે રેસિપ્રોકલ ટેરિફ લાગુ કરવાની જાહેરાત કરી છે. જે દેશો અમેરિકા પાસેથી જેટલો ટેરિફ વસૂલે છે, તેટલો જ ટેરિફ તેમની પાસે વસૂલવાની તૈયારી અમેરિકાએ દર્શાવી છે. વધુમાં ચીનની તમામ પ્રોડક્ટ્સ પર ૨૦ ટકા ટેરિફ લાદવાની જાહેરાત પણ કરી હતી. ટ્રમ્પની જેવા સાથે તેવાની નીતિ વેપાર સંબંધો પર અસર કરી શકે છે. જેનાથી વિશ્વભરમાં ટ્રેડ વોર સર્જાવાની ભીતિ વ્યક્ત થઈ રહી છે.
ચીનની ભારત પાસેથી વધુ પ્રોડક્ટ્સ ખરીદવાની ઈચ્છા ઉપરાંત જાપાન અને દક્ષિણ કોરિયા સાથે પણ વેપાર સંબંધો વધુ ગાઢ બનાવવાની તૈયારી કરી છે. ચીનના સરકારી મીડિયાએ જણાવ્યું હતું કે, તેઓ જાપાન અને દક્ષિણ કોરિયા સાથે મળી અમેરિકાના ટેરિફનો જવાબ આપવા તૈયાર છે. જાપાન અને દક્ષિણ કોરિયા ચીન પાસેથી સેમિકંડક્ટરીપ્સની આયાત કરવા માંગે છે, જ્યારે ચીન પણ જાપાન અને દક્ષિણ કોરિયા પાસેથી ચીપ પ્રોડક્ટ્સ ખરીદવાની ઈચ્છા ધરાવે છે. ત્રણેય દેશો સપ્લાય ચેઈનને મજબૂત બનાવવા તેમજ નિકાસ નિયંત્રણ પર ચર્ચા કરવા સહમત થયા છે.