Last Updated on by Sampurna Samachar
થિંક ટેન્ક સેન્ટર ફોર જોઈન્ટ વોરફેર સ્ટડીઝના રિપોર્ટમાં થયા ખૂલાસા
ચીનની ભૂમિકા પર ગંભીર પ્રશ્નો ઉભા થયા
(સંપૂર્ણ સમાચાર સેવા)
ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંઘર્ષમાં ચીનની ભૂમિકા અંગે એક ચોંકાવનારો ખુલાસો થયો છે. આ દરમિયાન એક અહેવાલ સામે આવ્યો છે જેમાં કહેવામાં આવ્યું છે કે યુદ્ધ દરમિયાન ચીને પાકિસ્તાન માટે ભારતની જાસૂસી કરી હતી. જેમાં સેટેલાઇટ ડેટા પણ શેર કરવામાં આવ્યો હતો.
સંરક્ષણ મંત્રાલય સાથે જોડાયેલા થિંક ટેન્ક સેન્ટર ફોર જોઈન્ટ વોરફેર સ્ટડીઝના આ રિપોર્ટમાં બે મોટા ખુલાસા થયા છે. આ રિપોર્ટ એવા સમયે આવ્યો છે. જ્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે હવે સ્થિતિ સામાન્ય છે. ત્યારે ચીન (CHINA) ની ભૂમિકા પર ગંભીર પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે.
૧૫ દિવસની અંદર ચીને પાકિસ્તાનની મદદ કરી
રિપોર્ટ અનુસાર, ચીને પાકિસ્તાનને ભારતના લશ્કરી તૈનાતી પર નજર રાખવા માટે તેના હવાઈ સંરક્ષણ અને રડાર સિસ્ટમને ફરીથી ગોઠવવામાં મદદ કરી. આ ઉપરાંત, ૨૨ એપ્રિલે જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં થયેલા હુમલા અને ત્યારબાદ શરૂ થયેલા સંઘર્ષના ૧૫ દિવસની અંદર ચીને પાકિસ્તાનની સેટેલાઇટ સર્વેલન્સ સિસ્ટમને ભારત પર વધુ સારી રીતે ધ્યાન કેન્દ્રિત કરવામાં મદદ કરી.
પાકિસ્તાને દાવો કર્યો છે કે તેણે ફક્ત ચીન પાસેથી મળેલા શસ્ત્રોનો ઉપયોગ કર્યો હતો. જ્યારે રિપોર્ટમાં એવું કહેવામાં આવ્યું હતું કે ચીને પાકિસ્તાનને વ્યૂહાત્મક, ગુપ્તચર અને તકનીકી સહાય આપી છે. તેમ છતાં ભારતનું સંરક્ષણ નેટવર્ક પાકિસ્તાનના ડ્રોન હુમલાઓને અસરકારક રીતે નિષ્ફળ બનાવવા માટે સંપૂર્ણપણે સક્ષમ હતું.
૨૨ એપ્રિલે પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી ગયો હતો. ભારતે પાકિસ્તાન વિરુદ્ધ ઓપરેશન સિંદૂર શરૂ કર્યું. પડોશી દેશે પણ જવાબી હવાઈ હુમલા કર્યા, જેને ભારતે નિષ્ફળ બનાવ્યા હતા. તેમજ ભારતીય સેનાએ કુલ ૯ ઠેકાણાઓ પર એર સ્ટ્રાઇક કરી હતી. જેમાં ૧૦૦ થી વધુ આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યા હતા. ભારતીય સેનાએ મુખ્યત્વે આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ અને લશ્કર-એ-તૈયબાના ઠેકાણાઓને નિશાને લીધા હતા.