Last Updated on by Sampurna Samachar
કોઇએ ખિસ્સામાં તો કોઈએ મોજામાં નોટોની ગડ્ડી સંતાડી…
જવાબદાર અધિકારીને બરાબરની ફિટકાર લગાવવામાં આવી
(સંપૂર્ણ સમાચાર સેવા)
અયોધ્યા રામ મંદિર દાન ચોરી કેસની તપાસ પૂરજોશમાં ચાલી રહી છે. ત્યારે અયોધ્યામાં બે દિવસ સુધી ધામા નાખીને બેસેલી SIT ના હાથે ચઢાવાની ચોરીના ગાયબ થયેલા રેકોર્ડ પણ લાગ્યા છે. એવી માહિતી મળી રહી છે કે, વિશેષ સોફ્ટવેરની મદદથી ડિલીટ કરવામાં આવેલા CCTV ફૂટેજ રિકવર કરી લેવાયા છે, જેમાં દાનની ચોરી કરનારાઓની કરતૂત કેદ થયેલી છે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે રિકવર કરાયેલા ફૂટેજમાં કોઈ ખિસ્સામાં તો કોઈ મોજામાં નોટોના બંડલ છુપાવતું જોવા મળ્યું છે. શ્રદ્ધા અને આસ્થાને શર્મસાર કરી દેનારી આવી કેટલીય ઘટનાઓ કેદ થઈ છે, જેને જોઈને અધિકારીઓ પણ દંગ રહી ગયા છે. ફૂટેજમાં ચહેરા સ્પષ્ટ ન દેખાતા હોવાથી તેની પણ વ્યવસ્થા કરવામાં આવી રહી છે.
SIT ના લપેટામાં હવે નિર્માણ એજન્સીઓ આવી
હાઈ-ઝૂમ રિઝોલ્યુશન પર આરોપીઓના ચહેરા ઓળખવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ પહેલાં જ ખુલાસો થઈ ચૂક્યો છે કે, ચઢાવાની રકમ સગેવગે કરવા માટે આરોપીઓ CCTV કેમેરા સામે એવી રીતે ઊભા રહેતા હતા જેથી કોઈનો ચહેરો સ્પષ્ટ ન આવી શકે. અગાઉ મળેલા CCTV ફૂટેજમાં બ્લાઈન્ડ સ્પોટ જાેવા મળ્યા છે.
આ જ આધાર પર ડિલીટ કરાયેલા ફૂટેજને રિકવર કરવાની યોજના તૈયાર કરવામાં આવી હતી. આ યોજના હેઠળ જ ખાસ સોફ્ટવેરની મદદથી કેટલાક ફૂટેજ રિકવર કરી લેવાયા છે. આ ફૂટેજના આધારે હવે એ સ્પષ્ટ થઈ જશે કે દાનની ચોરીનો અસલી માસ્ટરમાઇન્ડ કોણ હતો અને સુરક્ષામાં ક્યાં-ક્યાં ખામીઓ રહી ગઈ હતી તથા આ કોઈ સુનિયોજિત કાવતરાનો ભાગ હતો કે પછી માત્ર સામાન્ય ચોરી જ હતી.
SIT હાલ આ તમામ સવાલોના જવાબો શોધવાનો પ્રયાસ કરી રહી છે. આ સાથે જ એવી પણ માહિતી મળી છે કે, CCTV ફૂટેજની દેખરેખ રાખવાની જવાબદારી જેમના શિરે હતી તેવા એક મુખ્ય સભ્યને તેડું મોકલીને પૂછપરછ કરવામાં આવી છે અને આ મામલે જવાબદાર અધિકારીને બરાબરની ફિટકાર લગાવવામાં આવી.
રામ મંદિરમાં દાનની ચોરીના કેસની તપાસ માટે રચાયેલી SIT ના લપેટામાં હવે નિર્માણ એજન્સીઓ પણ આવી ગઈ છે. તપાસના બીજા દિવસે SIT ના અધિકારીઓએ રામ મંદિરની બાંધકામ એજન્સી એલએન્ડટી અને સુપરવિઝન એજન્સીઓના એન્જિનિયરોને તેડું મોકલીને પૂછપરછ કરી હતી.
આ પૂછપરછ દરમિયાન તરફથી એન્જિનિયર જગદીશ આફલે અને ગિરીશ સહસ્ત્ર ભોજની ઉપરાંત એલએન્ડટીના પણ એન્જિનિયરો હાજર રહ્યા હતા અને તેમણે અધિકારીઓના સવાલોના જવાબો આપ્યા હતા. તપાસ અધિકારીઓએ આ તમામ પૂછપરછની સાથે-સાથે બાંધકામને લગતા દસ્તાવેજો અને રેકોર્ડ પણ મંગાવ્યા છે.
હાલ આ બાંધકામ રેકોર્ડની ઝીણવટભરી તપાસ ચાલી રહી છે, જે યથાવત રહી હતી. જો કે, SIT ના મુખ્ય ત્રણેય ઉચ્ચ અધિકારીઓ લખનઉ પરત ફર્યા છે અને તેઓ ફરી અયોધ્યા આવશે. આમ છતાં, અધિકારીઓનો સ્ટાફ ત્રીજા દિવસે પણ અહીં તૈનાત રહ્યો હતો અને તેમણે રેકોર્ડની તપાસ કરીને રિપોર્ટ તૈયાર કર્યો છે.