Last Updated on by Sampurna Samachar
મહિલાઓની સુરક્ષા અને પોલીસની કામગીરી અંગે સવાલ ઉઠાવ્યા
શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગણી કરાઇ
(સંપૂર્ણ સમાચાર સેવા)
પેપર લીક અને પરીક્ષામાં થયેલી ગેરરીતિઓના વિરોધમાં દિલ્હીના જંતર-મંતર પર ચાલી રહેલા આંદોલન વચ્ચે ‘કોકરોચ જનતા પાર્ટી’ ના સ્થાપક અભિજીત દિપકેએ સરકાર અને જૂની પેઢીના નેતૃત્વ પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે જણાવ્યું કે હવે યુવાનોને પોતાના ભવિષ્ય સંબંધિત ર્નિણયો લેવાની જવાબદારી મળવી જોઈએ.

જંતર-મંતર પર ચાલી રહેલું આ આંદોલન સતત ૧૮મા દિવસે પણ ચાલુ છે. આ વિરોધ પ્રદર્શનનું મુખ્ય કારણ પેપર લીક, પરીક્ષા પ્રક્રિયામાં ગેરરીતિઓ અને જવાબદાર લોકો સામે કાર્યવાહી કરવાની માંગ છે. આંદોલનકારીઓ દ્વારા શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની પણ માંગ કરવામાં આવી રહી છે.
જંતર-મંતર પર હાલ સ્થિતિ તંગ
પત્રકારો સાથે વાતચીત દરમિયાન જ્યારે અભિજીત દિપકેને સામાજિક કાર્યકર્તા અણ્ણા હજારે પાસેથી સમર્થન લેવાના મુદ્દે સવાલ પૂછવામાં આવ્યો ત્યારે તેમણે આ વિચારને નકારી કાઢ્યો હતો. તેમણે કહ્યું કે હવે સમય આવી ગયો છે કે યુવાનો આગળ આવીને જવાબદારી સંભાળે.
અભિજીત દિપકેએ કહ્યું કે, “૬૦-૭૦ વર્ષના લોકો સતત આપણા ભવિષ્યના ર્નિણયો ન લઈ શકે. હવે યુવાનોને પોતાની સમસ્યાઓ અને પોતાના ભવિષ્ય માટે પોતે જ લડવું પડશે.” તેમણે જૂની વિચારધારાઓથી બહાર આવીને નવી પેઢીને તક આપવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.
આ દરમિયાન સામાજિક કાર્યકર્તા સોનમ વાંગચુકની અનિશ્ચિત ભૂખ હડતાળ પણ ચર્ચામાં રહી છે. લાંબા સમયથી ચાલી રહેલા ઉપવાસને કારણે તેમની તબિયત અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ મુદ્દે અભિજીત દિપકેએ સરકારની કામગીરી પર સવાલો ઉઠાવ્યા અને પૂછ્યું કે આટલા દિવસોથી ચાલી રહેલા આંદોલન અંગે સરકાર ક્યારે ગંભીર પગલાં લેશે.
તેમણે આંદોલન દરમિયાન મહિલાઓની સુરક્ષા અને પોલીસની કામગીરી અંગે પણ પ્રશ્નો ઉઠાવ્યા છે. સોશિયલ મીડિયા દ્વારા તેમણે આક્ષેપ કર્યો કે આંદોલનકારી મહિલાઓની ગેરકાયદેસર રીતે રેકોર્ડિંગ કરવામાં આવી રહી છે. જોકે, આ અંગે સત્તાવાર પ્રતિક્રિયા સામે આવી નથી. જંતર-મંતર પર હાલ સ્થિતિ તંગ છે અને આંદોલનકારીઓ પોતાની માંગણીઓ પર અડગ છે. હવે સૌની નજર સરકારના આગામી પગલાં પર છે.