Last Updated on by Sampurna Samachar
ઘર ફહીમની પત્નીના નામે નોંધાયેલું
શમીમ લઘુમતી ડેમોક્રેટિક પાર્ટી નાગપુરનો પ્રમુખ
(સંપૂર્ણ સમાચાર સેવા)
મહારાષ્ટ્રના નાગપુરમાં ઔરંગઝેબની કબરને હટાવવાને લઈને ફાટી નીકળેલી હિંસામાં માસ્ટરમાઇન્ડ ફહીમ શમીમ ખાનના ઘર પર બુલડોઝર ચલાવવામાં આવ્યું હતું. તેના ઘરનો ગેરકાયદેસર ભાગ બુલડોઝર વડે તોડી પાડવામાં આવ્યો છે. ઘર ફહીમની પત્નીના નામે નોંધાયેલું છે. આ ઘર ૮૬.૪૮ ચોરસ મીટરમાં બનેલ છે. ફહીમ (FAHIM) ની મોમીનપુરા વિસ્તારમાં બુરખાની દુકાન છે.
આરોપ છે કે ફહીમે લોકોને ઉશ્કેરીને ભીડ એકઠી કરી હતી. કોર્ટે તેને ૨૧ માર્ચ સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી આપ્યો હતો. પોલીસે દાવો કર્યો છે કે મુખ્ય આરોપી ૩૮ વર્ષીય ફહીમ શમીમ ખાન આ રમખાણને ઉશ્કેરવામાં સામેલ હતો. શમીમ લઘુમતી ડેમોક્રેટિક પાર્ટી (MDP) ના નાગપુર શહેરનો પ્રમુખ છે.
આ પહેલીવાર રમખાણોના આરોપીના ઘર પર કાર્યવાહી
મળતી માહિતી મુજબ, મહાનગરપાલિકાએ તેમને જાતે જ ગેરકાયદે બાંધકામ દૂર કરવા માટે ૨૪ કલાકનો સમય આપ્યો હતો જે પૂર્ણ થઈ ગયો છે. પરંતુ તેમણે બાંધકામ હટાવ્યું ન હતું. આ પછી હવે ઘર પર બુલડોઝર ચલાવવામાં આવ્યું છે. આ કાર્યવાહી ત્યારે કરવામાં આવી રહી છે જ્યારે ૧૭ માર્ચે રમખાણો બાદ શહેરમાં લાદવામાં આવેલ કર્ફ્યુ હટાવી લેવામાં આવ્યો છે.
નાગપુર મ્યુનિસિપલ કોર્પોરેશન સંજય બાગ કોલોનીમાં ફહીમ ખાનનું બે માળનું મકાન છે, જેને તોડી પાડવામાં આવ્યું છે. આ પહેલીવાર હશે જ્યારે રમખાણોના આરોપીની મિલકત પર આવી કાર્યવાહી કરી અને ગેરકાયદે બાંધકામને બુલડોઝ ફેરવ્યું હોય.
માહિતી અનુસાર, આ હિંસામાં ફહીમ ખાનની સાથે સૈયદ આસિમ અલીનું નામ પણ સામે આવ્યું છે અને તે પણ લઘુમતી ડેમોક્રેટિક પાર્ટીનો અધિકારી છે. નાગપુર પોલીસે ફહીમ ખાનની બે દુકાનો પણ સીલ કરી દીધી છે.
સુપ્રીમ કોર્ટે નવેમ્બર ૨૦૨૪માં કહ્યું હતું કે કાયદાકીય પ્રક્રિયાને અનુસર્યા વિના કોઈપણ નાગરિકનું ઘર તોડવું ગેરકાયદેસર છે. ભલે તે વ્યક્તિ શંકાસ્પદ અથવા દોષિત હોય.
ગેરકાયદે બાંધકામો તોડવા માટે કોર્ટે નિયમો આપ્યા હતા. કોર્ટે કહ્યું હતું કે સરકાર પરિવારનો જીવવાનો અધિકાર માત્ર એટલા માટે છીનવી શકે નહીં કારણ કે પરિવારના કોઈ સભ્ય પર ગંભીર ગુનાનો આરોપ છે