હું મારા નવા સફરની શરુઆત ભગવાનના આશીર્વાદની સાથે કરી રહ્યો છું : ગુરુ રંધાવા
(સંપૂર્ણ સમાચાર સેવા)
મહાકુંભ ૨૦૨૫ માં દેશભરમાંથી લોકો પહોંચી રહ્યા છે. ત્યારે આ દરમિયાન મહાકુંભ ૨૦૨૫માં ડૂબકી લગાવવા સિંગર ગુરુ રંધાવા પણ પ્રયાગરાજ પહોંચ્યો હતો. તેણે સંગમમાં આસ્થાની ડૂબકી લગાવી અને અમુક ચાહકો સાથે ફોટો પણ પડાવ્યા હતા.
આ બાબતે ગુરુ રંધાવાએ મહાકુંભ મેળાનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો અને આ સાથે તેણે એ પણ જણાવ્યું કે હવે તે ૨૦૨૫ માટે તૈયાર છે. વીડિયોમાં ગુરુ રંધાવાને લાઇફ જેકેટ પહેરેલો ગંગાની સેર કરતો જોઈ શકાય છે. માતા ગંગાની આરતીમાં પણ સિંગર સામેલ થયો. તેણે લોકો સાથે મુલાકાત કરી અને પછી માતા ગંગાને પ્રાર્થના પણ કરી હતી.
વીડિયો શેર કરતાં સિંગરે લખ્યું, પ્રયાગરાજમાં માં ગંગામાં આસ્થાની ડૂબકી લગાવીને સારું અનુભવી રહ્યો છું. અહીં વિશ્વાસ વહે છે અને અધ્યાત્મ ઉમટે છે. હું મારા નવા સફરની શરુઆત ભગવાનના આશીર્વાદની સાથે કરી રહ્યો છું. હર હર ગંગે. ગુરુનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો છે.
ચાહકોને ગુરુ રંધાવાનો આ વીડિયો ખૂબ પસંદ આવી રહ્યો છે. સાથે જ ચાહકો એ જાણવા ઉત્સુક છે કે આખરે ગુરુ આગળ શું કરવાનો છે. શું તે કોઈ નવા આલ્બમ કે ફિલ્મ પર કામ કરશે. એ તો સમય જ બતાવશે.