Last Updated on by Sampurna Samachar
પાકિસ્તાનમાં આતંકવાદના વધારા માટે અમેરિકા જવાબદાર
પાકિસ્તાને અમેરિકાના હસ્તક્ષેપને લઈને મોટા દાવા કર્યા
(સંપૂર્ણ સમાચાર સેવા)
ઓપરેશન સિંદૂર બાદ અમેરિકામાં પોતાના દેશનો પક્ષ મૂકવા પહોંચેલા પાકિસ્તાની પીપુલ્સ પાર્ટીના નેતા બિલાવલ ભુટ્ટોએ અમેરિકન નીતિ પર જ સવાલ ઊભા કર્યા છે. તેમણે કહ્યું કે, ‘ પાકિસ્તાનમાં આતંકવાદની ઘટનામાં વધારા માટે અમેરિકા જવાબદાર છે. પોતાના નિવેદનમાં તેમણે અફઘાનિસ્તાનને લઈને અમેરિકા (AMERICA) ના એ ર્નિણય તરફ ઈશારો કર્યો, જે ૨૦૨૦ માં ડોનાલ્ડ ટ્રમ્પે લાગુ કર્યો હતો.
બિલાવલ ભૂટ્ટોએ કહ્યું કે, ‘ જે પ્રકારે અમેરિકા અફઘાનિસ્તાનમાંથી ઉતાવળમાં બહાર નીકળ્યું, તે દરમિયાન અનેક સંવેદનશીલ હથિયાર અફઘાનિસ્તાનમાં છૂટી ગયા હતા. તેમનો દાવો છે કે, આ હથિયાર હવે આતંકી સમૂહોના હાથે લાગી ગયા અને આંતકીઓ આ હથિયારનો ઉપયોગ પાકિસ્તાન સામે કરી રહ્યા છે. જેનાથી પાકિસ્તાનને ઘણું નુકસાન વેઠવું પડી રહ્યું છે.
ઇસ્લામાબાદના આ સૂરની ટીકા કરી
પહલગામ આતંકી હુમલા બાદ ભારતની જવાબી કાર્યવાહીમાં શરૂ થયેલા ઓપરેશન સિંદૂર દરમિયાન પાકિસ્તાને અમેરિકાના હસ્તક્ષેપને લઈને મોટા દાવા કર્યા છે. પરંતુ, બિલાવલ ભુટ્ટો હવે દક્ષિણ એશિયામાં અમેરિકાની નીતિ પર સવાલ ઊભા કરે છે. તેમણે કહ્યું કે, ‘અમે આતંકવાદ વિશે વાત કરીએ છીએ, અમે અફઘાનિસ્તાન વિશે વાત કરીએ છીએ, અમે અન્ય વસ્તુઓ વિશે વાત કરીએ છીએ. આ વિષય પર અમે પોતાના સંબંધોને છેલ્લાં થોડા દાયકાઓમાં ચર્ચા કરી. આ એવા મુદ્દા છે જે સંયુક્ત રાજ્ય અમેરિકા સાથે પાકિસ્તાનના સંબંધો પર ભારે પડે છે.
PPP અધ્યક્ષે આતંકવાદનો મુકાબલો કરવા માટે વધુ ક્ષેત્રીય અને આંતરરાષ્ટ્રીય સહયોગ પર ભાર મૂક્યો. પરંતુ, પોતાની આદત અનુસાર બિલાવલે આ મુદ્દાને ન ઉઠાવ્યો કે, આ આખાય વિસ્તારમાં આતંકવાદને પોસવામાં કોનો ભાગ છે ? બિલાવલે પાડોશમાં ઇસ્લામી આતંકવાદને વધારવા માટે પાકિસ્તાનની ભૂમિકાને સ્વીકાર નથી કરી.
બિલાવલને એ વાત યાદ રહી કે, અફઘાનિસ્તાનમાં રહી ગયેલા અમેરિકાના હથિયાર પાકિસ્તાનાં કેવી રીતે જોવા મળે છે. પરંતુ, તેમણે એ મુદ્દે કંઈ ન કહ્યું કે, કેવી રીતે એક સમયે પાકિસ્તાને અમેરિકન ડૉલરની લાલચમાં અફઘાન મુજાહિદ્દીનને મદદ કરી હતી.
બિલાવલે કહ્યું કે, ‘અમને કાબુલથી અમેરિકન સેનાઓથી નીકળ્યા બાદ વધેલા આતંકવાદનો સામનો કરવા માટે ક્ષેત્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તર પર વધુ સહયોગની જરૂર છે. જ્યાં સુધી હથિયારોનો સવાલ છે, તમને એ સાંભળીને આશ્ચર્ય થશે કે ક્યારેક જ્યારે આપણે પાકિસ્તાની પ્રદેશમાં આ આતંકવાદી જૂથો સામે લડી રહ્યા છીએ,
ત્યારે આતંકવાદીઓ પાસેથી મળેલા શસ્ત્રો, જે તેમણે અફઘાનિસ્તાનમાં બાકી રહેલા કાળા બજારમાંથી ખરીદ્યા છે, તે જે પોલીસકર્મી તેમની સામે લડી રહ્યા છે, તેમની પાસે રહેલા હથિયારો કરતા પણ એડવાન્સ હોય છે.
જોકે અફઘાનિસ્તાને હજુ સુધી બિલાવલના નિવેદન પર કોઈ પ્રતિક્રિયા આપી નથી, પરંતુ ભૂતકાળમાં અફઘાનિસ્તાને ઇસ્લામાબાદના ઉશ્કેરણીજનક નિવેદનો સામે ચેતવણી આપી અને કહ્યું હતું કે, આ નિવેદનો કમજોર દ્વિપક્ષીય સંબંઘોમાં અસ્થિરતા પેદા કરી શકે છે. રાજકીય વિશ્લેષક મોહમ્મદ ઝાલમઈ અફઘાન યારે ઇસ્લામાબાદના આ સૂરની ટીકા કરી છે.
તેમણે કહ્યું, “પાકિસ્તાન આ ક્ષેત્રના દેશોને ધમકી આપી રહ્યું છે. અફઘાન સરકારે અર્થતંત્ર પર કેન્દ્રિત નીતિની જાહેરાત કરી છે. શું પાકિસ્તાન અફઘાનિસ્તાનને પણ આ જ સંદેશ આપી શકે છે? શું પાકિસ્તાન તેની આર્થિક સોદાબાજી છોડી શકે છે અને અફઘાન સરકાર માટે વધુ સમસ્યાઓ ઊભી કરવામાં અમેરિકા સાથે સહયોગ કરવાનું ટાળી શકે છે?”
આ તીખી ટિપ્પણીઓ એવા સમયે આવી છે જ્યારે કાબુલ અને ઇસ્લામાબાદે તાજેતરમાં જ તેમના રાજદ્વારી સંબંધોને અપગ્રેડ કર્યા છે અને મહિનાઓના તણાવ પછી તેમના રાજદૂતોને ચાર્જ ડી‘અફેર્સથી પૂર્ણ રાજદૂત બનાવ્યા છે.
જણાવી દઈએ કે અમેરિકાએ ઓગસ્ટ ૨૦૨૧માં અફઘાનિસ્તાનમાંથી તેના સૈનિકો પાછા ખેંચવાનું પૂર્ણ કર્યું હતું, જે ઉતાવળમાં કરવામાં આવ્યું હતું અને આખી પ્રક્રિયા વિવાદાસ્પદ હતી.
ટ્રમ્પ વહીવટીતંત્રે ફેબ્રુઆરી ૨૦૨૦માં તાલિબાન સાથે દોહા કરાર પર હસ્તાક્ષર કર્યા હતા, જેમાં મે ૨૦૨૧ સુધીમાં પાછા ખેંચવાનું વચન આપવામાં આવ્યું હતું, સામે તાલિબાનને આતંકવાદીઓને શરણ ન આપવાની શરત મૂકવામાં આવી હતી.
બાઈડેન વહીવટીતંત્રે તેને સપ્ટેમ્બર ૨૦૨૧ સુધી લંબાવ્યું હતું. તાલિબાને ઝડપથી કાબુલ પર કબજો કર્યો, જેના કારણે અફઘાન સરકાર અને સેનાનું પતન થયું. કાબુલ એરપોર્ટ પર ખાલી કરાવવા દરમિયાન થયેલી નાસભાગની તસવીરો આખી દુનિયાએ જોઈ. ૨૬ ઓગસ્ટના રોજ, એક આત્મઘાતી હુમલામાં ૧૩ અમેરિકન સૈનિકો અને ૧૭૦ થી વધુ અફઘાન નાગરિકો માર્યા ગયા હતા.
વાપસી દરમિયાન, અમેરિકાએ ૨૦ વર્ષમાં અફઘાન સેનાને આપવામાં આવેલા ૮૯ બિલિયન ડોલરના લશ્કરી સાધનોનો મોટો ભાગ છોડી દીધો હતો. તાલિબાને અફઘાન સેના પાસેથી લગભગ ૬૫૦,૦૦૦ શસ્ત્રો કબજે કર્યા, જેમાં ૩૫૦,૦૦૦ M4/M16 રાઇફલ્સ, ૬૫,૦૦૦ મશીનગન અને ૨૫,૦૦૦ ગ્રેનેડ લોન્ચરનો સમાવેશ થાય છે.
સંસાધનો અને પૈસા માટે સંઘર્ષ કરી રહેલા તાલિબાન કમાન્ડરોએ આ શસ્ત્રો કાળા બજારમાં આતંકવાદીઓને વેચી દીધા. આ શસ્ત્રોનો ઉપયોગ તાલિબાન અને અન્ય આતંકવાદી જૂથો, જેમ કે TTP , ISIS દ્વારા પ્રાદેશિક હુમલાઓમાં કરવામાં આવતો હતો. આનાથી સમગ્ર પ્રદેશમાં સમસ્યાઓ ઊભી થઈ છે.