Last Updated on by Sampurna Samachar
મહારાષ્ટ્રના ઠાણેના અંબરનાથની ઘટના
સાસરિયાઓના ત્રાસથી કંટાળીને પરિણીતાએ જીવન ટુંકાવ્યુ
(સંપૂર્ણ સમાચાર સેવા)
મહારાષ્ટ્રના ઠાણેના અંબરનાથથી હદયદ્રાવક ઘટના સામે આવી છે. વાત કરીએ તો પતિ અને સાસરિયાઓના સતત ત્રાસથી કંટાળીને ૨૬ વર્ષીય પરિણીતાએ મોતને વ્હાલું કરી લીધું છે. મળતી માહિતી મુજબ ડૉકટર પતિ તેની પત્નીની દરેક કામ પર નજર રાખતો અને ઘરમાં ઝ્રઝ્ર્ફ કેમેરા લગાવી દીધા હતા. આમ પતિના ત્રાસથી કંટાળીને ૨૬ વર્ષીય પરિણીતાએ જીવન ટૂંકાવ્યું. હાલ પોલીસે આ મામલે ડોક્ટર પતિની ધરપકડ કરી લીધી છે, જ્યારે સાસું અને દીયર હજુ પણ ફરાર છે, જેની શોધખોળ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે.

ઉલ્લેખનીય છે કે વિશાખાના પરિવારજનોનો આરોપ છે કે, લગ્ન દરમિયાન જોઈએ એવું માન-સન્માન ન મળવાના કારણે સાસરિયાઓ નારાજ હતા. વિશાખા પર સતત દબાણ કરવામાં આવતું કે તે પિયરથી દાગીના અને પૈસા લઈ આવે. વિશાખા અને ડોક્ટર નિતિન તિલકરના લગ્ન ૩૦ એપ્રિલે થયા હતા. લગ્ન પહેલા બધું સારું હતું, પણ લગ્ન પછી પરિસ્થિતિ બદલાઈ ગઈ હતી. વિશાખાને માનસિક અને શારીરિક રીતે ત્રાસ આપવામાં આવતો હતો.
શિવાજીનગર પોલીસ સ્ટેશનમાં સાસરીવાળા સામે ગુનો દાખલ
બે દિવસ પહેલા પડોશની મહિલા સાથે વાત કેમ કરી એવું કહીને તેને મારવામાં આવ્યો હતો. આ ત્રાસથી કંટાળીને વિશાખાએ આત્મહત્યા કરી લીધી. આત્મહત્યા કરતા પહેલા વિશાખાએ પોતાની માતાને સમગ્ર હકીકત જણાવી દીધી હતી. માતા-પિતા તેને પિયર લાવવાની તૈયારી કરી રહ્યા હતા, પણ આ પહેલા જ વિશાખાએ ગળેફાંસો લગાવીને આપઘાત કરી લીધો.
આ મામલે અંબરનાથના શિવાજીનગર પોલીસ સ્ટેશનમાં પતિ ડૉક્ટર નિતિન તિલકર, સાસુ છાયા તિલકર અને દિયર નિનાદ તિલકર સામે માનસિક અને શારીરિક ત્રાસ તેમજ આત્મહત્યા માટે ઉશ્કેરવાનો ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે આરોપી ડૉક્ટર પતિની ધરપકડ કરી છે અને અન્ય આરોપીઓની શોધ ચાલુ છે.