Last Updated on by Sampurna Samachar
બેઠકમાં સફળ ચર્ચા બાદ આ ર્નિણય લેવામાં આવ્યો
કર્મચારીઓને નડતાં પડકારો અને સમસ્યાઓ રજૂ કરાઇ
(સંપૂર્ણ સમાચાર સેવા)
દેશભરની બૅન્કોમાં બે દિવસીય હડતાળ પાછી ખેંચી લેવામાં આવી છે. યુનાઈટડ ફોરમ ઓફ બૅન્ક યુનિયન્સે (UFBU) ૨૪-૨૫ માર્ચની બૅન્ક હડતાલ મોકૂફ રાખવાનો ર્નિણય જાહેર કર્યો હતો. પાંચ દિવસીય કામકાજના દિવસો સહિત અનેક મુખ્ય મુદ્દાઓ પર સફળ ચર્ચા બાદ આ ર્નિણય લેવામાં આવ્યો હોવાનું જણાવ્યું છે.
ઇન્ડિયન બૅન્ક ઍસોસિએશન (IBA), કેન્દ્રીય નાણા મંત્રાલય હેઠળના નાણાકીય સેવા વિભાગ (DFS) અને કેન્દ્રીય શ્રમ કમિશ્નર(CLC) ના પ્રતિનિધિઓએ બૅન્ક કર્મચારીઓ સાથે ચર્ચામાં ભાગ લીધો હતો. આ બેઠક ખાસ કરીને યુનિયનોની માંગણીઓને સંબોધવા માટે યોજવામાં આવી હતી.
દેશભરની બૅન્કોમાં કામકાજ રાબેતા મુજબ ચાલુ
UFBU ના મુખ્ય સભ્યો એક ઓલ ઇન્ડિયા બૅન્ક એમ્પ્લોઈઝ ઍસોસિએશન(AIBEA ) એ નિવેદન આપ્યું હતું કે, ગયા અઠવાડિયે સરકાર સાથે એક સફળ બેઠક યોજાઈ હતી. જેમાં કર્મચારીઓને નડતાં પડકારો અને સમસ્યાઓ રજૂ કરવામાં આવી હતી. આ મુદ્દે યોગ્ય ર્નિણય લેવાનો સરકારે વચન આપ્યું હોવાથી હડતાળનો ર્નિણય પાછો લીધો છે.
ઉલ્લેખનીય છે, UFBU એ નવ બૅન્ક યુનિયનનું જોડાણ છે. UFBU માં AIBEA , AIBOC , NCBE , AIBOA અને BEFI જેવા મુખ્ય બૅન્કિંગ યુનિયનોનો સમાવેશ થાય છે. તમામ સ્ટેકહોલ્ડર્સની આગામી બેઠક એપ્રિલના ત્રીજા સપ્તાહમાં યોજાશે.
અહેવાલો અનુસાર, DFS ના જોઇન્ટ સેક્રેટરી આ બેઠકમાં વીડિયો કૉલ મારફત હાજર રહ્યા હતા. બેઠકમાં બૅન્ક (BANK) કર્મચારીઓ માટે સપ્તાહમાં પાંચ દિવસ કામકાજના દિવસો કરવા ઉપરાંત નવી ભરતી, પર્ફોર્મન્સ-લિંક્ડ ઇન્સેન્ટિવ્સ (PLI ) સહિત અન્ય સમસ્યાઓ પર ચર્ચા થઈ હતી. બૅન્કના કર્મચારીઓએ કામનું ભારણ ઘટાડવા માટે નવા સ્ટાફની ભરતી તેમજ કામચલાઉ કર્મચારીઓને લાભો આપવા પર પણ ધ્યાન દોર્યું હતું.
હડતાળ પાછી ખેંચવાને કારણે હવે દેશભરની બૅન્કોમાં કામકાજ રાબેતા મુજબ રહેશે. રિઝર્વ બૅન્ક ઓફ ઈન્ડિયાના જણાવ્યા અનુસાર, નેગોશિયેબલ ઇન્સ્ટ્રૂમેન્ટ ઍક્ટ હેઠળ આ દિવસોમાં બૅન્કોમાં કોઈ રજા નથી. એટલે કે બૅન્કોની તમામ શાખાઓ ખુલ્લી રહેશે અને કારોબાર સામાન્ય રીતે ચાલશે.