Last Updated on by Sampurna Samachar
પાકિસ્તાની સેનાની છાવણી પર હુમલો કરતાં થયુ નુકશાન
ચાર ટ્રકોને પણ આગ ચાંપી દેવામાં આવી
(સંપૂર્ણ સમાચાર સેવા)
બલુચિસ્તાનમાં બલુચ અલગાવવાદીઓએ ફરીથી પાકિસ્તાની સેના વિરુદ્ધ મોટું ઓપરેશન શરૂ કર્યું છે. બલૂચ અલગાવવાદીઓએ બલૂચિસ્તાન પ્રાંતના અનેક જિલ્લાઓમાં પાકિસ્તાની સેનાને નિશાન બનાવી હતી. બળવાખોરોએ તુર્બતમાં પાકિસ્તાની લશ્કરી દળોના મુખ્ય છાવણી પર પણ હુમલો કર્યો.
બળવાખોરોએ બલુચિસ્તાનના ગ્વાદર, કેચ અને બોલાનમાં એક સાથે હુમલા કર્યા હતા. આ ઉપરાંત, ઘણા શહેરોને જોડતા વ્યૂહાત્મક હાઇવે પણ કબજે કરવામાં આવ્યા હતા. બલૂચિસ્તાન પોસ્ટના અહેવાલ મુજબ, સશસ્ત્ર બલૂચ બળવાખોરોએ કેચ જિલ્લામાં ચીન-પાકિસ્તાન (PAKISTHAN) આર્થિક કોરિડોર (CPEC ) હાઇવે પર અનેક ટ્રકો પર પણ હુમલો કર્યો. આ દરમિયાન ચાર ટ્રકોને પણ આગ ચાંપી દેવામાં આવી હતી.
અગાઉ ટ્રેનને હાઇજેક કરવામાં આવી હતી
મળતા અહેવાલો અનુસાર, બલુચિસ્તાનના ગ્વાદર જિલ્લામાં નાકાબંધી દરમિયાન બળવાખોરોએ પાંચ પંજાબીઓને ગોળી મારીને હત્યા કરી દીધી હતી. પાકિસ્તાની અધિકારીઓએ જણાવ્યું હતું કે નાકાબંધી દરમિયાન વાહનોમાં ઓળખ કર્યા બાદ આ બધા લોકોને ગોળી મારી દેવામાં આવી હતી.
તે જ સમયે, તુર્બત જિલ્લામાં, લોકોએ મોડી સાંજે ગોળીબાર અને અનેક વિસ્ફોટોનો અવાજ સાંભળ્યો. આ અવાજો સાંભળીને સ્થાનિક લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. મળતા અહેવાલમાં સૂત્રોના હવાલાથી કહેવામાં આવ્યું છે કે સશસ્ત્ર બલૂચ જૂથોના લડવૈયાઓ મોટી સંખ્યામાં શેરીઓમાં પેટ્રોલિંગ કરતા જોવા મળ્યા હતા.
તુર્બત ઉપરાંત બલુચિસ્તાનના મંડ વિસ્તારમાં પાકિસ્તાની આર્મી કેમ્પને પણ નિશાન બનાવવામાં આવ્યો હતો. બલુચિસ્તાનમાં બલુચ અલગતાવાદીઓ દ્વારા કરવામાં આવેલા હુમલાના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યા છે. વીડિયોમાં, સશસ્ત્ર લડવૈયાઓ મસ્તુંગ નજીક ત્રણ અલગ અલગ વિસ્તારોમાં ક્વેટા-કરાચી હાઇવેને અવરોધિત કરતા જોવા મળ્યા હતા. તે જ સમયે, કેટલાક વીડિયોમાં બળવાખોરો મોટરસાયકલ પર જોવા મળ્યા હતા.
બલુચિસ્તાનમાં છેલ્લા કેટલાક સમયથી તણાવપૂર્ણ પરિસ્થિતિ છે. અલગતાવાદી સશસ્ત્ર જૂથો પાકિસ્તાની સેના અને અન્ય સુરક્ષા દળો સામે વ્યાપક અભિયાન ચલાવી રહ્યા છે. તમને જણાવી દઈએ કે, થોડા દિવસ પહેલા પાકિસ્તાનના બલુચિસ્તાનમાં બલુચ બળવાખોરોએ પાકિસ્તાનના બલુચિસ્તાનમાં ૫૦૦થી વધુ મુસાફરોને લઈ જતી ટ્રેનને હાઇજેક કરી હતી. જેમાં અનેક લોકોના મોત થયા હતા.