Last Updated on by Sampurna Samachar
અંધાધૂંધ ગોળીબારમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો સહિત ૧૧ ના મોત
હુમલાખોરનો બાથરૂમમાંથી મળી આવ્યો મૃતદેહ
(સંપૂર્ણ સમાચાર સેવા)
ઑસ્ટ્રિયા (Austria) ના ગ્રાઝ શહેરમાં એક સ્કૂલમાં ફાયરિંગની ઘટના સામે આવી છે. જે ગોળીબારમાં ૧૧ લોકોના મોત નિપજ્યા હોવાની માહિતી છે , જ્યારે અનેક ઈજાગ્રસ્ત થયા છે. પોલીસ અધિકારીના જણાવ્યાનુસાર, ગોળીબાર કરનાર વ્યક્તિ વર્ગખંડમાં ઘૂસી ગયો હતો અને અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. ગોળીબારનો ભોગ બનેલા લોકોમાં વિદ્યાર્થીઓ, શિક્ષકો અને અન્ય લોકોનો સમાવેશ થાય છે. જોકે, શંકાસ્પદ હુમલાખોર એક વિદ્યાર્થી હોવાનું કહેવાય છે, જેણે ગોળીબાર બાદ આત્મહત્યા પણ કરી હતી. તેનો મૃતદેહ સ્કૂલના બાથરૂમમાંથી મળી આવ્યો હતો.
અહેવાલો અનુસાર, ગ્રાઝ શહેરમાં બોર્ગ ડ્રેયર્સચ્યુત્ઝેંગાસે હાઇ સ્કૂલમાં એક વિદ્યાર્થી બંદૂક લઈને પહોંચ્યો અને તેની સામે આવનારા લોકો પર અંધાધૂંધ ગોળીબાર શરૂ કરી દીધો. ત્યારે બાદ આ વિદ્યાર્થીએ વોશરૂમમાં જઈને પોતાને ગોળી મારીને આત્મહત્યા કરી લીધી.
ઑસ્ટ્રિયાનું બીજું સૌથી મોટું શહેર
પોલીસ પ્રવક્તા સાબરી યોર્ગુને જણાવ્યું હતું કે, ‘સવારે ૧૦ વાગ્યે (ઑસ્ટ્રિયાના સમય મુજબ) ઘટનાની જાણ થયા બાદ વિશેષ દળને હાઈ સ્કૂલમાં મોકલવામાં આવ્યા હતા. સ્કૂલને ખાલી કરાવવામાં આવી છે અને વિદ્યાર્થીઓ અને સ્ટાફ બંનેને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. હાલ આ ઘટનાની તપાસ કરી રહ્યા છે. ત્રણ લાખથી વધુ વસ્તી ધરાવતું ગ્રાઝ શહેર, દેશની રાજધાની વિયેનાથી લગભગ ૨૦૦ કિલોમીટર દક્ષિણ-પશ્ચિમમાં આવેલું છે. તે ઑસ્ટ્રિયાનું બીજું સૌથી મોટું શહેર છે.