Last Updated on by Sampurna Samachar
સાબુના બોક્સમાં છુપાયુ હતુ હેરોઇન
આ મામલે બે શખ્સોની ધરપકડ કરવામાં આવી
(સંપૂર્ણ સમાચાર સેવા)
આસામના કામરૂપ જિલ્લામાં એક સર્ચ ઓપરેશન દરમિયાન ૭૧ કરોડ રૂપિયાનું હેરોઇન અને પ્રતિબંધિત યાબા ટેબલેટ જપ્ત કરવામાં આવી છે અને આ સંબધમાં બે લોકોની ધરપકડ કરવામાં આવી છે તેમ પોલીસે એક નિવેદનમાં જણાવ્યું છે.
એક વરિષ્ઠ પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર ચોક્કસ બાતમીને આધારે આસામ પોલીસના સ્પેશિયલ ટાસ્ક ફોર્સ (STF)એ અમિનગાવ વિસ્તારમાં એક ઓપરેશન શરૂ કર્યુ હતું. આ ઓપરેશનમાં બાજુના રાજ્યમાંથી આવેલા બે વાહનોને રોકવામાં આવ્યા હતાં. તપાસ દરમિયાન પોલીસને આ બંને વાહનોમાંથી ૨,૭૦,૦૦૦ યાબા ટેબલેટ અને સાબુના ૪૦ બોક્સમાં છુપાવેલુ ૫૨૦ ગ્રામ હેરોઇન મળી આવ્યું હતું. યાબા ટેબલેટ ક્રેઝી ડ્રગ તરીકે પણ ઓળખાય છે. ભારતમાં તેના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે કારણ કે તેમાં મેથામ્ફેટામાઇન હોય છે.
યાબા ટેબલેટનું બજાર મૂલ્ય ૬૭ કરોડ
પોલીસના જણાવ્યા અનુસાર પકડવામાં આવેલા બે લોકો બાજુના રાજ્યમાંથી આ ડ્રગ્સનો જથ્થો લાવ્યા હતાં. અધિકારીઓના જણાવ્યા અનુસાર જપ્ત કરવામાં આવેલા યાબા ટેબલેટનું બજાર મૂલ્ય ૬૭ કરોડ રૂપિયા અને હેરોઇનનું મૂલ્ય ચાર કરોડ રૂપિયા આંકવામાં આવ્યું છે. આ સર્ચ ઓપરેશનનું નેતૃત્ત્વ STF ના વડા પાર્થસારથી મહાંતાએ કર્યુ હતું. તેમને આ ઓપરેશનમાં એડિશનલ SP કલ્યાણ પાઠકે પણ મદદ કરી હતી.