Last Updated on by Sampurna Samachar
આસપાસના વિસ્તારોના ઘરોને થયુ નુકસાન
ભૂસ્ખલનમાં મૃતકોની ઓળખ હજુ બાકી
(સંપૂર્ણ સમાચાર સેવા)
પૂર્વોત્તર ભારતના રાજ્યોમાં વરસાદ અને ભૂસ્ખલનથી ભારે તબાહી મચી ગઈ છે. આ દરમિયાન સિક્કિમમાં આર્મી કેમ્પમાં ભૂસ્ખલનથી ત્રણ જવાનોના મૃત્યુ થયા હતા. જોકે, મૃતકોની ઓળખ હજુ સુધી થઈ નથી. એવું કહેવામાં આવી રહ્યું છે કે ૬ સૈનિકો પણ ગુમ છે, જેમની શોધખોળ ચાલી રહી છે.
અહેવાલો અનુસાર, ઉત્તર સિક્કિમના ચટ્ટનમાં આર્મી કેમ્પમાં ભૂસ્ખલન થયું હતું, જેના કારણે આસપાસના વિસ્તારોમાં ઘરોને ભારે નુકસાન થયું હતું. આ ભૂસ્ખલનમાં ત્રણ જવાનોના મૃત્યુ થયા છે, જ્યારે અનેક લોકો ગુમ પણ છે. મૃતકોની ઓળખ અને ગુમ થયેલા લોકોની ઓળખ કરવાની પણ કામગીરી હાથ ધરાઈ છે.
લાચુંગ વિસ્તારોમાં લગભગ ૧૫૦૦ પ્રવાસીઓ ફસાયા
ઉત્તર સિક્કિમમાં ભારે વરસાદ અને ભૂસ્ખલનને કારણે પરિસ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ છે કે લોચેન અને લાચુંગ વિસ્તારોમાં લગભગ ૧૫૦૦ પ્રવાસીઓ ફસાયા છે. મંગન જિલ્લાના SP સોનમ દેચુ ભૂટિયાએ જણાવ્યું હતું કે, ૧૧૫ પ્રવાસીઓ લાચેનમાં અને ૧૩૫૦ પ્રવાસીઓ લાચુંગમાં રોકાયા છે. ભૂસ્ખલનને કારણે બંને બાજુથી રસ્તા બંધ થઈ ગયા છે.
લાચુંગ સાથેનો માર્ગ સંપર્ક પુન:સ્થાપિત કરવામાં આવ્યો છે અને આજથી પ્રવાસીઓનું સ્થળાંતર શરૂ થશે. બોર્ડર રોડ્સ ઓર્ગેનાઇઝેશન (BRO) ટીમે ભૂસ્ખલનથી જમા થયેલા કાટમાળને દૂર કર્યો છે, ક્ષતિગ્રસ્ત ભાગોને ફરીથી બનાવાયા છે, જ્યારે ફિડાંગમાં સસ્પેન્શન બ્રિજ નજીક તિરાડો ભરવાનું કામ પણ કરાયું છે, જેથી લાચુંગ-ચુંગથાંગ-શિપ્યારે-શાંકલાંગ-ડિક્ચુ રોડ દ્વારા ફસાયેલા પ્રવાસીઓને બહાર કાઢવાનો માર્ગ મોકળો થયો છે.