Last Updated on by Sampurna Samachar
નસવાડીના ગામડાઓમાં પાકા રસ્તા હજુ પણ ઝાંઝવાના જળ સમાન
ડુંગરોની તળેટીમાં વસેલા પીપલવાણી ગામના પાંચ ફળિયાના લોકો વર્ષોથી પાકા રસ્તા માટે રાહ જુએ છે
(સંપૂર્ણ સમાચાર સેવા)
વિકાસની મોટી મોટી ગુલબાંગો વચ્ચે છોટા ઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાનું એક એવું ગામ સામે આવ્યું છે, જ્યાં આજે પણ આઝાદીના અવશેષો જેવી સ્થિતિ જાેવા મળે છે. નર્મદા નદીના કિનારે અને ડુંગરોની તળેટીમાં વસેલા પીપલવાણી ગામના પાંચ ફળિયાના લોકો વર્ષોથી પાકા રસ્તા માટે વલખાં મારી રહ્યા છે. આશ્ચર્યની વાત એ છે કે, જે રસ્તે નેતાઓ પ્રચાર કરવા પણ નથી આવતા, તે જ કાચા રસ્તે ચાલીને ગ્રામજનો લોકશાહી જીવંત રાખવા મતદાન કરવા જાય છે.

પીપલવાણી ગામના ઘાટા ફળિયા, નિશાળ ફળિયા, બૂડા ફળિયા, મોરફરી ફળિયા અને ટેકરા ફળિયામાં અંદાજે ૫૦૦થી વધુ લોકો વસવાટ કરે છે. ગામ સુધી પહોંચવાનો મુખ્ય રસ્તો છે, પરંતુ આ પાંચ ફળિયાઓને જોડતા આંતરિક રસ્તાઓ આજે પણ કાચા છે. ગામના બાળકોને ૨થી ૩ કિલોમીટર દૂર આવેલી પ્રાથમિક શાળાએ દરરોજ કાચા અને પથરાળ રસ્તે ચાલીને જવું પડે છે. ગ્રામજનોનો આક્ષેપ છે કે બીમારીના સમયે ૧૦૮ એમ્બ્યુલન્સ પણ ફળિયા સુધી પહોંચી શકતી નથી. દર્દીઓને ઝોલીમાં નાખીને મુખ્ય રસ્તા સુધી લાવવા પડે છે.
મતદાનનો બહિષ્કાર નથી કરતા,કારણ કે લોકશાહીમાં અમને આશા
ગ્રામજનોના જણાવ્યાનુસાર, છેલ્લા ૨૫ વર્ષથી કોઈ રાજકીય પક્ષના મોટા નેતાએ આ ગામની મુલાકાત લીધી નથી. કાચા રસ્તાને કારણે નેતાઓ પ્રચાર માટે આવવાનું ટાળે છે, પરંતુ ગ્રામજનો પોતાની ફરજ ચૂકતા નથી. સ્થાનિક ગ્રામજનોનું કહેવું છે કે, અમને આશા છે કે જો અમે મતદાન કરીશું, તો કદાચ કોઈ નેતા જીત્યા બાદ અમારા ફળિયાના રસ્તા બનાવી આપશે. અમે મતદાનનો બહિષ્કાર નથી કરતા, કારણ કે લોકશાહીમાં અમને આશા છે.
તાજેતરમાં જ ગ્રામજનોએ એકઠા થઈને ઢોલ વગાડી રસ્તાની માંગણી સાથે દાખાવો કર્યો હતો. ચોમાસાની ઋતુમાં આ રસ્તાઓ કાદવ-કીચડમાં ફેરવાઈ જાય છે, જેના કારણે અવરજવર અશક્ય બની જાય છે. ધારાસભ્ય, સાંસદ કે પંચાયતના હોદ્દેદારો માત્ર ચૂંટણી સમયે દેખાય છે અથવા તો આ અંતરિયાળ વિસ્તાર તરફ ફરકતા પણ નથી તેવો આક્ષેપ ગ્રામજનો કરી રહ્યા છે. હવે જોવાનું એ રહે છે કે, સ્થાનિક સ્વરાજ્યની આ ચૂંટણીમાં પણ માત્ર વચનો જ મળશે કે પછી પીપલવાણીના પાંચ ફળિયાના લોકોને ખરેખર પાકો રસ્તો મળશે?