Last Updated on by Sampurna Samachar
પાકિસ્તાની દૂતાવાસના બે અધિકારીઓ વિરુદ્ધ FIR દાખલ
અત્યારસુધી ૧૧ પાકિસ્તાની જાસૂસ ઝડપાયા
(સંપૂર્ણ સમાચાર સેવા)
દેશમાં છેલ્લા ત્રણ દિવસથી પાકિસ્તાની જાસૂસી જાળનો પર્દાફાશ થઈ રહ્યો છે. તે અંતર્ગત હરિયાણાના નૂહમાંથી વધુ એક પાકિસ્તાની જાસૂસ તારીફને ઝડપી લેવામાં આવ્યો છે. તે ઉપરાંત જાસૂસીની જાળનું સંચાલન કરનાર પાકિસ્તાની દૂતાવાસના બે અધિકારીઓ વિરુદ્ધ પણ કેસ દાખલ કરવામાં આવ્યો છે.
મળતા અહેવાલ મુજબ, હરિયાણા પોલીસ તેમજ કેન્દ્રીય તપાસ એજન્સીઓએ નૂહ જિલ્લાના કંગારકા ગામેથી તારીફ નામના શકમંદ વ્યક્તિને ઝડપી લીધો છે. તેની ધરપકડ બાદ પાકિસ્તાની દૂતાવાસના બે અધિકારી વિરુદ્ધ પણ કેસ દાખલ કરવામાં આવ્યો છે.
ભારતીય સૈન્યની ગતિવિધિની માહિતી મોકલતો
વાસ્તવમાં પોલીસ તપાસ દરમિયાન તારિફનું વૉટ્સએપ ચકાસવામાં આવ્યું હતું જે દરમિયાન ધ્યાનમાં આવ્યું કે તે દિલ્હી સ્થિત પાકિસ્તાની દૂતાવાસમાં કામ કરતા બે પાકિસ્તાની નાગરિકો – આસિફ બલોચ અને જાફરના સંપર્કમાં હતો અને તારીફ એ બંનેને ભારતીય સૈન્યની ગતિવિધિની માહિતી મોકલી રહ્યો હતો. આ કામના બદલામાં તેને નાણા મળતા હતા.
તારીફ વર્ષ ૨૦૨૨-૨૩ અને ૨૩-૨૪માં બે વખત પાકિસ્તાન પણ ગયો છે. ગ્રામજનો દ્વારા મળેલી માહિતી અનુસાર, તારીફના દાદાનો એક ભાઈ પાકિસ્તાનમાં રહે છે. તારીફને બે બાળકો છે, જેમાં એક છોકરો અને એક છોકરી છે. બે દિવસ પહેલા જ રાજાકા ગામના અરમાનની જાસૂસીના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ ગુપ્તચર એજન્સી સંપૂર્ણપણે એલર્ટ મોડ પર આવી ગઈ હતી.
સંરક્ષણ એજન્સીઓને મળેલી માહિતીના આધારે તારીફ કાંગરકાને બાવળા રોડ પર આવેલા રાધા સ્વામી સત્સંગ ભવનની સામેથી ધરપકડ કરવામાં આવી હતી. તારીફ પર આરોપ છે કે તે વોટ્સએપ દ્વારા ભારતીય સૈન્ય પ્રવૃત્તિઓ સાથે જોડાયેલી ગુપ્ત માહિતી દિલ્હી સ્થિત પાકિસ્તાન હાઈ કમિશનમાં નિયુક્ત બે કર્મચારીઓને મોકલતો હતો.
નૂહ પોલીસના જણાવ્યા અનુસાર, આરોપી અરમાનને દિલ્હીમાં પાકિસ્તાન હાઈ કમિશનના એક કર્મચારી સાથે ભારતીય સેના અને અન્ય સૈન્ય પ્રવૃત્તિઓ વિશે માહિતી શેર કરવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી. આ ઉપરાંત, એક સ્થાનિક અદાલતે અરમાનને છ દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલી દીધો છે.
પોલીસના જણાવ્યા અનુસાર, કેન્દ્રીય તપાસ એજન્સીઓ પાસેથી મળેલી માહિતીના આધારે તેની ધરપકડ કરવામાં આવી હતી. તે વોટ્સએપ અને અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો ઉપયોગ કરીને લાંબા સમયથી સંવેદનશીલ માહિતી શેર કરી રહ્યો હતો. પોલીસે જણાવ્યું કે તેના મોબાઈલ ફોનની તપાસ દરમિયાન તેમને પાકિસ્તાની ફોન નંબરો સાથે શેર કરેલી વાતચીત, તસવીરો અને વીડિયો મળ્યા હતા.
આ મામલે નૂહ પોલીસે ભારતીય દંડ સંહિતા, ઓફિશિયલ સિક્રેટ્સ એક્ટ ૧૯૨૩ અને રાજદ્રોહની કલમો હેઠળ આરોપી મોહમ્મદ તારીફ, નિવાસી કાંગરકા, થાણું તાવડૂ, અને દિલ્હીમાં પાકિસ્તાન હાઈ કમિશનમાં નિયુક્ત પાકિસ્તાની નાગરિક આસિફ બલોચ અને ઝફર વિરુદ્ધ કેસ નોંધ્યો છે. આસિફ બલોચ અને ઝફર દિલ્હીમાં આવેલા પાકિસ્તાન હાઈ કમિશનમાં કાર્યરત છે.
હરિયાણા પોલીસ અને સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર, તેમને બે દિવસ પહેલા ગુપ્ત માહિતી મળી હતી કે તારીફ, નિવાસી કાંગરકા, લાંબા સમયથી ભારતીય સેના અને ડિફેન્સની તૈયારીઓ સાથે જોડાયેલી સંવેદનશીલ માહિતી દુશ્મન દેશ પાકિસ્તાનને વોટ્સએપ દ્વારા મોકલી રહ્યો હતો. તે લોકોને પાકિસ્તાન જવા માટે વિઝા મેળવવામાં મદદ કરતો હતો. જેને પગલે તેની અટકાયતમાં લઈને પૂછપરછ કરવામાં આવી અને તેનો મોબાઈલ જપ્ત કરી ઊંડી તપાસ કરવામાં આવી. જેમાં મોબાઈલમાંથી ઘણી શંકાસ્પદ ચૅટ મળી આવી.
મળતી માહિતીના આધારે ચંદીગઢ વિશેષ પોલીસ બળ અને કેન્દ્રીય તપાસ એજન્સીની તાવડૂ ક્રાઈમ બ્રાન્ચ ટીમ અને સદર થાણાની ટીમની સંયુક્ત ટીમોએ તેની ધરપકડ કરી.પોલીસ ટીમને જોતાં જ તારીફે પોતાના મોબાઈલમાંથી કેટલીક શંકાસ્પદ ચેટિંગ ડિલીટ કરવાનો પ્રયાસ કર્યો હતો. તપાસમાં એ પણ સામે આવ્યું કે તેના મોબાઈલમાં પાકિસ્તાની વોટ્સએપ નંબરો હતા. કેટલોક ડેટા પણ ડિલીટ થયેલો જણાયો. તેના મોબાઈલ ફોનની તપાસમાં પાકિસ્તાની નંબરો સાથે ચેટિંગ, ફોટા, વીડિયો અને સૈન્ય પ્રવૃત્તિઓની તસવીરો પણ મળી, જે તારીફે પાકિસ્તાનના બે અલગ-અલગ નંબરો પર મોકલી હતી.
તપાસમાં ખુલાસો થયો કે તે બે અલગ-અલગ સિમ કાર્ડ દ્વારા પાકિસ્તાનના નંબરો સાથે સતત સંપર્કમાં હતો. પૂછપરછ દરમિયાન ખુલાસો થયો કે તે દિલ્હીમાં આવેલા પાકિસ્તાન હાઈ કમિશનના કર્મચારી આસિફ બલોચને ભારત દેશની સૈન્ય પ્રવૃત્તિઓ અને ગુપ્તચર માહિતી મોકલતો હતો.
અત્યાર સુધીમાં ૧૧ ના-પાક. જાસૂસ ઝડપાયા
ઓપરેશન સિંદૂરની શરૂઆત બાદથી પાકિસ્તાન માટે જાસૂસીના આરપસર ૧૧ લોકોની ધરપકડ કરવામાં આવી છે. તેમનાં નામ આ પ્રમાણે છે:
જ્યોતિ મલ્હોત્રા (હરિયાણા)
અરમાન (નૂહ, હરિયાણા)
તારીફ (નૂહ, હરિયાણા)
દેવેન્દ્ર સિંહ ધિલ્લોન (કૈથલ, હરિયાણા)
મોહમ્મદ મુર્તઝા અલી (જલંધર, પંજાબ)
ગઝાલા (પંજાબ)
યાસીન મોહમ્મદ (પંજાબ)
સુખપ્રીત સિંહ (ગુરદાસપુર, પંજાબ)
કરણબીર સિંહ (ગુરદાસપુર, પંજાબ)
શહઝાદ (મુરાદાબાદ, યુપી)
નોમાન ઈલાહી (કૈરાના, યુપી)