સરેરાશ ૫૭.૦૮% જેટલું મતદાન નોંધાયું

Share this Article:

Last Updated on by Sampurna Samachar

રાજ્યમાં શાંતિપૂર્ણ માહોલમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું મતદાન પૂર્ણ

મેદાનમાં ઉતરેલા ૨૫ હજારથી વધુ ઉમેદવારોનું રાજકીય ભાવિ હવે ઈવીએમમાં કેદ થયું : ૨૮ એપ્રિલે મતગણતરી હાથ ધરવામાં આવશે

(સંપૂર્ણ સમાચાર સેવા)​

ગુજરાતમાં આગામી વિધાનસભા ચૂંટણી અગાઉ સેમિફાઈનલ સમાન સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું ૨૬ એપ્રિલ સામાન્ય છમકલાં બાદ કરતા મતદાન શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થયું છે, જેમાં રાજ્યભરના મતદારોએ મધ્યમ પ્રતિસાદ આપ્યો છે. સવારે ૯ વાગ્યા સુધી મતદાનની ગતિ ધીમી રહી હતી, પરંતુ સાંજ પડતા સુધીમાં સરેરાશ ૫૭.૦૮% જેટલું મતદાન નોંધાયું છે. ત્યારબાદ અંતિમ કલાકોમાં મતદારોનો ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.

આ ચૂંટણીમાં ૧૫ મહાનગરપાલિકાઓમાં ૪૯% અને નગરપાલિકાઓમાં ૫૯% મતદાન થયું છે, જ્યારે જિલ્લા અને તાલુકા પંચાયતોમાં ગ્રામીણ મતદારોના જાેરને કારણે સૌથી વધુ ૬૧% જેટલું મતદાન નોંધાયું છે. મતદાન પ્રક્રિયા પૂર્ણ થતાં જ તમામ મતદાન મથકો પર ઈવીએમ મશીનોને નિયમ મુજબ સીલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ચૂંટણી આયોગના નિર્દેશો અનુસાર મતદાન પૂર્ણ થયા બાદ પ્રિસાઇડિંગ ઓફિસર અને સ્ટાફ દ્વારા ઈવીએમ મશીનોને સીલ કરી જરૂરી દસ્તાવેજી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી.

આ સમગ્ર કામગીરી પોલીસ તથા અન્ય સુરક્ષા દળોની કડક હાજરી અને દેખરેખ હેઠળ પાર પાડવામાં આવી હતી. ત્યારબાદ સીલ કરાયેલા ઈવીએમ મશીનોને નિર્ધારિત સ્ટ્રોંગ રૂમ તથા કલેકશન સેન્ટરો ખાતે સુરક્ષિત રીતે પહોંચાડવા માટે વ્યવસ્થિત આયોજન કરવામાં આવ્યું હતું. દરેક મતદાન મથક પરથી મશીનોને સુનિશ્ચિત માર્ગદર્શિકા મુજબ જ સેન્ટરો સુધી પહોંચાડવામાં આવ્યા હતા. ચૂંટણી દરમિયાન જિલ્લાભરમાં કડક બંદોબસ્ત વચ્ચે શાંતિપૂર્ણ માહોલ રહ્યો હતો અને કોઈ અનિચ્છનીય બનાવ સામે આવ્યો નહોતો. મતદાનથી લઈને ઈવીએમ સીલિંગ અને પરિવહનની સમગ્ર પ્રક્રિયા સુચારુ અને સફળ રીતે પૂર્ણ થઈ હતી.

રાજ્યની અંદાજે ૧૦ હજાર બેઠકો માટે મેદાનમાં ઉતરેલા ૨૫ હજારથી વધુ ઉમેદવારોનું રાજકીય ભાવિ હવે ઈવીએમ મશીનોમાં કેદ થઈ ગયું છે. વહીવટી તંત્ર દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે સમગ્ર પ્રક્રિયા કોઈ પણ અનિચ્છનીય બનાવ વગર પાર પાડવામાં આવી છે. હવે સૌની નજર ૨૮ એપ્રિલ પર ટકેલી છે, જ્યારે મતગણતરી હાથ ધરવામાં આવશે અને ઉમેદવારોના ભાગ્યનો ફેંસલો જાહેર થશે. સ્થાનિક પ્રશ્નો અને વિકાસના મુદ્દાઓ પર થયેલા આ જંગમાં જનતાએ કોના પર મહોર મારી છે, તે જાેવું રસપ્રદ રહેશે.

* ૧૫ મહાનગરપાલિકાઓમાં ૪૯% મતદાન

* ૮૪ નગરપાલિકાઓમાં ૫૯% મતદાન

* ૩૪ જિલ્લા પંચાયતોમાં ૬૧% મતદાન

* ૨૬૦ તાલુકા પંચાયતોમાં સૌથી વધુ ૬૧% જેટલું મતદાન

વડોદરાના મકરપુરા વિસ્તારમાં આવેલી લાલ બહાદુર શાસ્ત્રી વિદ્યાલયના બૂથ નંબર ૪૩ પર મતદાન દરમિયાન ભારે હોબાળો થયો હતો. આમ આદમી પાર્ટીના ઉમેદવારે આક્ષેપ કર્યો હતો કે, ઈફસ્ મશીનનું ૧૨ નંબરનું બટન ખામીયુક્ત છે અને ફરિયાદ છતાં તંત્ર દ્વારા મશીન બદલવામાં આવ્યું નથી. આ ઉપરાંત, ચૂંટણી ફરજ પરના કર્મચારીઓ ભાજપની નોટબુકનો ઉપયોગ કરી રહ્યા હોવાનું જણાવી આચારસંહિતા ભંગના પણ ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા. ‘આપ‘ના ઉમેદવારે તંત્રની નિષ્પક્ષતા સામે સવાલ ઉઠાવતા આ મામલે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવાની તજવીજ હાથ ધરી છે.

જામનગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત આજે સાંજે છ વાગ્યે મતદાન પ્રક્રિયા પૂર્ણ થતાં જ તમામ મતદાન મથકો પર ઈવીએમ મશીનોને નિયમ મુજબ સીલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ રીતે જામનગર જિલ્લામાં લોકશાહી પર્વની સમગ્ર પ્રક્રિયા સંપૂર્ણ શાંતિપૂર્ણ અને સુવ્યવસ્થિત રીતે પાર પડી હોવાનું જિલ્લા તંત્ર દ્વારા નોંધાયું છે.

ગુજરાતમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સાંજે ૬ વાગ્યા સુધીમાં મધ્યમ મતદાન જોવા મળ્યું છે, જેમાં રાજ્યનું સરેરાશ મતદાન ૫૭% નોંધાયું છે. સવારે ૯ વાગ્યે જે મતદાન માત્ર ૪% થી ૭% ની આસપાસ હતું, તે બપોરે ૧ વાગ્યા સુધીમાં ૨૦% થી ૩૦% પર પહોંચ્યું અને અંતિમ કલાકોમાં મતદારોએ ભારે ઉત્સાહ બતાવતા આંકડો ૫૭% ને પાર કરી ગયો છે. હવે તમામ ઉમેદવારોના ભાવિ ઈવીએમમાં કેદ થયા છે. જણાવી દઈએ કે, ભારે ગરમીના કારણે બપોરે ૧૨થી ૪ વાગ્યા સુધીમાં મતદાન ઓછું થયું છે.

સુરત પાલિકાની ચૂંટણીમાં અન્ય લોકો સાથે સંતો દ્વારા પણ મતદાન કરી પોતાની પવિત્ર હક્ક નો ઉપયોગ કરવામાં આવ્યો હતો. સુરતના વેડરોડ ખાતે આવેલા ગુરુકુળ સ્વામી સંતોએ મતદાન મથક પર જઈને પોતાના મતાધિકારનો ઉપયોગ કરી મત આપ્યા હતા.

જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીના માહોલ વચ્ચે એક દુ:ખદ સમાચાર સામે આવ્યા છે, જેમાં વોર્ડ નંબર-૩ના આમ આદમી પાર્ટીના ઉમેદવાર નરેન્દ્રસિંહ જાડેજાનું હાર્ટ એટેકને કારણે અવસાન થયું છે. ગઈકાલે તબિયત લથડતા તેમને સારવાર આપવામાં આવી હતી, પરંતુ આજે ફરીથી છાતીમાં દુખાવો ઉપડતા માત્ર ૩૮ વર્ષની નાની વયે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. આ આકસ્મિક નિધનને પગલે સ્થાનિક રાજકીય વર્તુળોમાં ઘેરા શોકની લાગણી પ્રસરી ગઈ છે.

આણંદ જિલ્લાના પેટલાદમાં ચૂંટણી પ્રક્રિયા દરમિયાન એક કરુણ ઘટના બની હતી, જેમાં ચૂંટણીની ફરજ પર તૈનાત પોલિંગ સ્ટાફના કર્મચારી અમિતભાઈ સોલંકીનું હાર્ટ એટેક આવવાને કારણે મોત થયું હતું. સાંસેજ ગામે બુથ નંબર – ૧ પરના મતદાન મથક પર કામગીરી દરમિયાન અચાનક તબિયત બગડતા તેમને તાત્કાલિક સારવાર માટે તારાપુર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, પરંતુ ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. લોકશાહીના પર્વમાં પોતાની ફરજ બજાવતા કર્મચારીના અચાનક અવસાનથી સાથી કર્મચારીઓ અને પરિવારમાં શોકની લાગણી ફરી વળી છે.

પાટણની બી.એમ. સ્કૂલ ખાતે આવેલા મતદાન કેન્દ્ર પર ૬૫ વર્ષીય કમળાબેન સોલંકી નામની વૃદ્ધાનું મતદાન કરવા દરમિયાન હાર્ટ એટેક આવવાથી દુખદ અવસાન થયું છે. મતદાન મથકે પહોંચતા જ તેઓ અચાનક ઢળી પડ્યા હતા, જ્યાં હાજર મેડિકલ ટીમે તેમને પ્રાથમિક સારવાર આપી તાત્કાલિક હોસ્પિટલ ખસેડ્યા હતા, પરંતુ ટૂંકી સારવાર બાદ તેમનું નિધન થયું હતું. અગાઉથી નાજુક તબિયત હોવા છતાં રાષ્ટ્ર પ્રત્યેની ફરજ નિભાવવા આવેલા વૃદ્ધાના આ આકસ્મિક મૃત્યુથી મતદાન કેન્દ્ર પર શોકનું મોજું ફરી વળ્યું હતું.

નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકાના ફુલસર-દૂથર ગામે રસ્તાના પ્રશ્ને ગ્રામજનોએ કરેલો ચૂંટણી બહિષ્કાર AAP ધારાસભ્ય ચૈતર વસાવાની મધ્યસ્થી બાદ અંતે સમેટાયો છે. ફુલસરથી દૂથર સુધીનો મંજૂર થયેલો ડામર રોડ વન વિભાગ દ્વારા વાઇલ્ડલાઇફ ક્લિયરન્સના અભાવે અટકાવી દેવાતા રોષે ભરાયેલા ગ્રામજનોએ મતદાન ન કરવાનો ર્નિણય લીધો હતો.

આ ઘટનાની જાણ થતા જ ધારાસભ્ય ચૈતર વસાવા તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા અને વહીવટી તંત્રના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. માર્ગ અને મકાન વિભાગ તેમજ વન વિભાગના અધિકારીઓએ લેખિતમાં બાંહેધરી આપી હતી કે, જરૂરી મંજૂરીઓ મેળવી આગામી એક મહિનામાં રસ્તાની કામગીરી પૂર્ણ કરવામાં આવશે. તંત્ર તરફથી લેખિત ખાતરી મળતા ગ્રામજનોએ આખરે મતદાન શરૂ કર્યું હતું, જેનાથી રાજપીપળા પંથકમાં ચૂંટણીના દિવસે સર્જાયેલો ગંભીર વિવાદ ઉકેલાયો હતો.

અમદાવાદની જેમ કચ્છ જિલ્લામાં પણ ચૂંટણી તંત્રની બેદરકારી સામે આવી છે. અહીં ભુજ શહેરના મતદારોએ બુથ શોધવા ફાંફા મારવા પડી ગયા હતા. સ્પષ્ટ માહિતીના અભાવે આવી હાલત થઈ હતી. યાદીમાં નામ હોવા છતાં મતદાન મથકની યોગ્ય વિગતો ન હોવાથી મતદારોમાં રોષ દેખાયો. અમદાવાદના ખોખરામાં પણ એક ચોંકાવનારી ઘટના બની હતી. મતદારો જ્યારે ત્યાં મતદાન કરવા પહોંચ્યા તો તેમણે ખબર પડી કે તેમના પોલિંગ બુથના સ્થળ બદલી નખાયા છે. જેના કારણે ઘણા લોકો મતદાન કર્યા વિના રહી ગયા હતા. મતદારોને આ વિશે જાણકારી અપાઈ જ નહોતી. જેને લઈને ફરિયાદો પણ નોંધાઈ છે.

રાજકોટમાં ચાલુ મતદાન વચ્ચે એક ચોંકાવનારી ઘટના બની હતી. અહીં કોંગ્રેસ ઉમેદવાર મકબુલ દાવદાણી સહિત ૨૦ લોકોની અટકાયત કરી લેવામાં આવી હતી. આ લોકો પર આરોપ હતો કે તેઓ ચાલુ મતદાન વચ્ચે મતદાન બુથથી ૧૦૦ મીટરની અંદર પ્રચાર કરી રહ્યા હતા. હાલમાં આ મામલો થોરાળ પોલીસ સ્ટેશને પહોંચ્યો છે.

મળતી માહિતી અનુસાર અમદાવાદના વાસણા વિસ્તારમાં આવેલી જી બી શાહ કોલેજમાં મતદાન મથકે ઈવીએમમાં ગરબડ થયાની માહિતી સામે આવી હતી. કોંગ્રેસના ઉમેદવારોનું બટન જ દબાવાતું નથી તેવી ફરિયાદો મળી છે. જેને લઈને લેખિતમાં ફરિયાદ પણ કરાઈ છે. જાેકે ફરિયાદ બાદ ઈવીએમ બદલાયાની માહિતી સામે આવી છે.

મહેસાણા જિલ્લાના દેલા ગામમાં સ્થાનિકોએ ચૂંટણીનો બહિષ્કાર કરી દીધો છે. તેમનું કહેવું છે કે મહાનગરપાલિકામાં સમાવેશ અને જમીન બચાવવા મુદ્દે અમે આ બહિષ્કાર કરી રહ્યા છીએ. બે કલાકથી મતદાન શરૂ થઇ ગયું છતાં હજુ કોઈ મતદાન કરવા આવ્યું નથી.

રાજકોટના વોર્ડ નંબર ૧૫માં આવેલી સરસ્વતી શિશુ વિદ્યામંદિર સ્કૂલ ખાતે વહેલી સવારથી ઈફસ્ મશીન બંધ રહેતા મતદારોની લાંબી કતારો લાગી હતી. અડધો કલાકથી વધુ સમય વીતવા છતાં મશીન ચાલુ ન થતા અનેક લોકો મતાધિકારનો ઉપયોગ કર્યા વિના જ પરત ફર્યા હતા. કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર વશરામ સાગઠીયાએ આ મામલે આક્ષેપ કર્યો છે કે, કોંગ્રેસના ગઢ ગણાતા વિસ્તારમાં જાણીજોઈને મતદાન પ્રક્રિયા ધીમી પાડવા માટે આવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

બીજી તરફ, તંત્ર દ્વારા મશીન વહેલી તકે કાર્યરત કરવાના વાયદા આપવામાં આવ્યા હતા. નવસારીની કોન્વેન્ટ હાઈસ્કુલમાં આવેલા મતદાન મથકે વોર્ડ નંબર ૧૩માં પણ મતદાન ન શરૂ થતાં લોકો રોષે ભરાયા હતા. કોંગ્રેસી ઉમેદવાર પ્રમોદ રાઠોડે ગુસ્સો ઠાલવ્યો હતો.

ગોધરાના બામરોલી રોડ પર આવેલી શારદા મંદિર સ્કૂલના મતદાન મથકમાં આજે અચાનક આગ લાગવાની ઘટના બનતા ભારે અફરાતફરી મચી ગઈ હતી.

આણંદ શહેરમાં ચૂંટણીના માહોલ વચ્ચે હિંસક ઘટના સામે આવી છે, જેમાં કરમસદ–આણંદ મહાનગરપાલિકાના વોર્ડ નંબર ૧૩ના કોંગ્રેસના ઉમેદવાર હર્ષિલ દવે પર મોડી રાત્રે જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે. ભાજપના ઉમેદવારના સમર્થકો પર આ હુમલાનો આરોપ લાગ્યો છે, જેના પગલે ગંભીર રીતે ઘવાયેલા હર્ષિલ દવેને સારવાર માટે ખસેડાયા છે. આ ઘટનાને લીધે સ્થાનિક રાજકીય માહોલ તંગ બન્યો છે અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ સામે ગંભીર સવાલો ઊભા થયા છે

Share this Article:

Posted By: 

Sampurna Samachar is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Sampurna Samachar, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Sampurna Samachar Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly.