Last Updated on by Sampurna Samachar
ખાદ્ય સુરક્ષા અંગે ગંભીર સવાલો ઊભા થયા
સંક્રમણ વધતાં સરકાર દ્વારા અપીલ કરવામાં આવી
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમેરિકા (AMERICA) માં કાકડી, ડુંગળી અને ટામેટા પછી હવે ઈંડાથી સાલ્મોનેલા નામના બેક્ટેરિયાથી લોકો સંક્રમિત થઈ રહ્યો છે. અમેરિકાના વિવિધ રાજ્યોમાં સાલ્મોનેલા સંક્રમણના અનેક કેસએ અધિકારીઓની ઊંઘ ઉડાવી દીધી છે. ખાદ્ય પદાર્થોમાં આ બેક્ટેરિયા ઝડપથી ફેલાઈ રહ્યો હોવાથી ખાદ્ય સુરક્ષા અંગે ગંભીર સવાલો ઊભા થઈ રહ્યા છે.
અહેવાલો અનુસાર, કેલિફોર્નિયા સહિત સાત રાજ્યોમાં ઈંડા ખાવાથી લગભગ ૮૦ લોકો બીમાર પડ્યા હતા. આમાંથી ઘણા કેસ ગંભીર છે. અત્યાર સુધીમાં ૨૧ લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ત્યારે સરકાર દ્વારા લોકોને અપીલ કરી છે કે, ઈંડા ફેંકી દેવા અથવા સ્ટોરમાં જમા કરી દે, આ ઉપરાંત લોકોને સંક્રમણ ફેલાતા રોકવા માટે હાથ સારી રીતે ધોવાની અપીલ કરાઈ છે. ઈંડા ખાધા પછી ડિહાઈડ્રેશન અથવા તાવ જેવા ગંભીર લક્ષણો દેખાય તો તાત્કાલિક ડૉક્ટરનો સંપર્ક કરવાની પણ સલાહ આપવામાં આવી છે.
આ બેક્ટેરિયા બાળકો, વૃદ્ધો માટે જીવલેણ
અમેરિકાની સેન્ટર્સ ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન અનુસાર, સાલ્મોનેલા એક હાનિકારક માઇક્રોઓર્ગેનિઝમ છે. તે માનવ શરીરમાં પ્રવેશ્યાના ૧૨ થી ૭૨ કલાકની અંદર ઝાડા, તાવ અને પેટમાં ખેંચાણ પેદા કરી શકે છે. તે બાળકો, વૃદ્ધો અને નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકોમાં ગંભીર અને જીવલેણ બની શકે છે.